Feb 24, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1080





કદાચિત તે પોતાના આત્માને 'સ્થૂળ-દેહ-રૂપે' જ માનતો હોય,તો તે દેહના અવયવોનો વિનાશ
તો વગર-વિચારે પણ સિદ્ધ જ છે,તો પછી તેમાં દુઃખ લાવવાનો ક્યાં અવકાશ છે?
કદાચિત તે પોતાના આત્માને શુદ્ધ ચિદ્રુપ માનતો હોય તો મરી ગયા પછી તે વિદેહમુક્ત થઇ જાય છે,
એટલે તે ફરીવાર જન્મ-મરણને પ્રાપ્ત થતો નથી,તેથી તે દુઃખ-રહિત અને મુક્ત જ છે.
કદાચિત તે પોતાના આત્માને અજ્ઞાન-રૂપી આવરણ વડે યુક્ત સમજતો હોય,તો જે જીવ-ચૈતન્ય (આત્મા) તત્વજ્ઞાન વડે
શુદ્ધ થયલું નથી,તે સંસારના બીજનો નાશ ના થવાને લીધે સંસારને પામ્યા વિના રહેતું જ નથી,
છતાં પણ કોઈ પણ જન્મમાં જ્ઞાનનો ઉદય થવાનો સંભવ તો છે જ,તો તેને દુઃખ લાવવાનો ક્યાં અવકાશ છે?

કદાચિત કોઈને એવો નિશ્ચય હોય કે ચિદ્રુપ આત્મા છે જ નહિ-તો પછી તે તેવી ભાવનાને લીધે પોતે પાષાણના જેવો
જડ (વિવેકજ્ઞાન વડે શૂન્ય) હોય છે.તેની મરણ આવતા સુધી,દૃઢ થઇ રહેલી એવી ભાવનાને લીધે તેનું શરીર મૃત્યુને
પામ્યા પછી તેનું ચેતન-પણું જતું રહે છે (દેહ જડ થઇ જાય છે) અને તેની સ્થિતિ ગાઢ સુષુપ્તિ-અવસ્થાના જેવી થઇ જાય છે,
તેથી તે મનુષ્ય મૃત્યુને જ સર્વ દુઃખનો છેડો લાવનાર (શ્રેય) માને છે.
તે મનુષ્યને તત્વજ્ઞાન વડે મળતા નિરતિશય આનંદનો અનુભવ નથી,એટલે તેને તેમાં શ્રેય જણાતું નથી.
તો પછી તેને ઉપદેશ આપવાનો કોઈ જ અર્થ રહેતો નથી.

આ સર્વ (જગત અને જગતના પદાર્થો) ચિદ્રુપ આત્માથી રહિત કેવળ જડ અને શૂન્ય છે,એમ જે માનતો હોય,
તેને શુદ્ધ જ્ઞાન થવાનો સંભવ જ નથી,આથી જયારે તે મરણને શરણ થાય છે,
ત્યારે તે પોતે પણ શૂન્ય થઇ જઈ,દુર્ભેદ્ય એવી અંધકારમય સ્થિતિમાં જાય છે.

જે 'ક્ષણિક વિજ્ઞાનવાદીઓ' આ જગતને સ્વપ્ન-નગરની જેમ ક્ષણિક-વિજ્ઞાનમય માને છે,તેઓ પોતે પણ તેવા જ
ક્ષણિક-વિજ્ઞાનમય થઇ રહે છે અને તેમનો પણ બીજાઓની (જગતને સ્થિર માનનારાઓની) જેમ જ,
જગત સંબંધી વ્યવહાર સિદ્ધ થાય છે.

પંચમહાભૂતોને કોઈ સ્થિર માનો કે અસ્થિર માનો,પરંતુ બંને રીતે માનનારને સુખ-દુઃખ-આદિ વ્યવહારોની વિચિત્રતા
પ્રાપ્ત થવામાં કોઈ ફેર નથી.બંને માટે સુખ-દુઃખ સમાન રીતે આવે છે.
તત્વજ્ઞ પુરુષોની દૃષ્ટિમાં પંચમહાભૂતો (પૃથ્વી-આદિ) ની સ્થિરતા વિષે કે અસ્થિરતા વિષે કશો આગ્રહ હોતો નથી,
તેમના માટે (તેમના મત પ્રમાણે) તો તે પંચમહાભૂતો -એ ચિદાકાશનો વિલાસ જ છે.
જ્યાં સુધી અજ્ઞાન છે -ત્યાં સુધી જ તે (તત્વો) ચારે બાજુ પ્રસરી રહેલ ભાસે છે.

જીવ-ચૈતન્યનું જડ-પણું કે ક્ષણિક-પણું ઘટતું નથી,કેમ કે જો તે પોતે જડ કે ક્ષણિક હોય તો એ બંને ભાવનો,
પ્રથમ તો પોતે અનુભવ કરી શકે જ નહિ.આમ છતાં જે મનુષ્યો,તેના જડપણાનો કે ક્ષણિકપણાનો નિશ્ચય કરી લે છે-
તેવા મૂર્ખાઓ સાથે આપણે ભાષણ કરવાની જરૂર નથી.(વાદ-વિવાદ કે ખંડન-મંડન કરવું નહિ)
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE