Feb 27, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1083





(૧૦૨) તત્વજ્ઞ પુરુષનાં લક્ષણો
રામ કહે છે કે-હે મહારાજ,અનાદિ અને અનંત એવી પરબ્રહ્મ-રૂપ-વાસ્તવ વસ્તુનું સ્વરૂપ ઓળખ્યા પછી ,
એ તત્વજ્ઞ ઉત્તમ પુરુષ,કેવાં લક્ષણોવાળો થઇ જાય છે? તે વિષે આપ કહો.

વસિષ્ઠ કહે છે કે- જેણે જાણવાનું જાણી (અનુભવી) લીધું છે,ને જેને કોઈ પ્રશ્ન કે સંશયો રહ્યા નથી,
તેની સ્થિતિ સ્થિર થઇ જાય છે.(તેનું અહીં તહીં ફાંફાં મારવાનું મટી જાય છે)
સમાધિ વિનાની સ્થિતિ પણ તેને સમાધિ જેવી જ ભાસે છે.મોટું દુઃખ પણ તેને સુખરૂપ જ દેખાય છે.
લોક-દૃષ્ટિ વડે દેખાતો તેનો વ્યવહાર પણ ઉત્તમ મૌન-રૂપ હોય છે અને તે કર્મ કરવા છતાં પણ કશું કરતો નથી.

તે જાગતા છતાં,પોતાની નિર્વિકલ્પ-આત્મામાં સ્થિતિ હોવાથી,સુષુપ્તિ અવસ્થાવાળા (ઊંઘતા) જેવો હોય છે.
તે જીવતા છતાં,પોતાની સ્થિતિ શરીરમાં નહિ પણ આત્મામાં હોવાથી,મરેલા જેવો થઇ રહે છે.
જો કે તે બધો આચાર (વ્યવહાર કે કર્મો) કરતો હોય છે,તો પણ તે સંબંધી તેને અભિમાન(હું કરું છું-તેવું)
કે આસક્તિ ના હોવાથી તે કશું પણ કરતો નથી.એ રસિક જણાય છતાં,વિષયોમાં વૈરાગ્ય હોવાને લીધે નીરસ જેવો છે.
તેને કશામાં પણ પોતાપણાની બુદ્ધિ (આ મારું છે તેવી બુદ્ધિ) નહિ હોવાથી,દયા રહિત હોવા છતાં
બંધુ.મિત્ર,સ્ત્રી,સંતાનમાં (દયાથી) મમતા વાળો દેખાય છે.એમ તે નિર્દય હોવા છતાં તે કરુણાવાળો દેખાય છે.

તે અંદરથી તૃષ્ણા-રહિત છતાં બીજાનું હિત કરવામાં તે તૃષ્ણાવાળો જોવામાં  આવે છે.સર્વ જનોને તેનો
આચાર પ્રશંસા-જનક લાગે છે,પરંતુ અંદર તે આચારમાં કશો અધ્યાસ નહિ હોવાથી આચાર-રહિત જ હોય છે.
પોતે શોક-ભય-આદિથી રહિત હોય છે છતાં બીજાઓનું દુઃખ દેખીને જાણે પોતે શોક કરતો હોય તેવો દેખાય છે.
તેનાથી કોઈ પ્રાણીને ઉદ્વેગ થતો નથી તેમ,તે પોતે પણ કોઈનાથી ઉદ્વેગ પામતો નથી.

જે કંઈ દૈવ-યોગે પ્રાપ્ત થાય છે તેની પ્રશંસા કરતો નથી,તેમ જે પ્રાપ્ત ના થયેલ હોય તેને ઈચ્છતો પણ નથી.
હર્ષ-શોક થવાનું કારણ આવી પડે અને તે હર્ષ-શોક અનુભવમાં આવતા હોય તો પણ તેને તે વશ થઇ જતો નથી.
દુઃખી પુરુષની પાસે તે દુખિયાની વાતો કરે છે અને સુખી પુરુષની પાસે તે સુખીયાની વાતો કરે છે.
તે પોતે સર્વ અવસ્થાઓમાં હૃદયમાં સુખ-દુઃખને આધીન ના થઇ જતાં શાંત થઈને રહે છે.
પુણ્ય કર્મ સિવાય તેને બીજું કોઈ કર્મ કે કશું રુચતું નથી ને માત્ર શાસ્ત્રમાં કહેલ ચેષ્ટાઓ જ કરે છે.

તે કોઈ પણ પદાર્થમાં આસક્ત થઇ જતો નથી,તેમ જ કોઈ પ્રસંગે વિવેકને છોડી દેતો નથી.
કંગાળની જેમ કોઈ પાસે તે દ્રવ્યની યાચના કરતો નથી.અને અંદર પોતે વૈરાગ્યવાન છતાં ઉપરથી તે રાગ-વાળો દેખાય છે.
ક્રમ પ્રમાણે પ્રાપ્ત થનારાં સુખ-દુઃખ તેને અંદર અસર કરી શકતા નથી,છતાં તે જાણે તેને સ્પર્શ કરતાં હોય તેમ દેખાય છે.
તેને કોઈ વિષયમાં હર્ષ-શોક થતો નથી,તેમ છતાં બીજાઓની દૃષ્ટિમાં તે હર્ષ-શોક વાળો લાગે છે.પરંતુ તે પોતાના
અંદરના ધીરતા વાળા સ્વભાવને કદી છોડતો નથી,કેમ કે માત્ર સંસારની રીતિને અનુસરીને,
નટ (નાટ્ય-કલાકાર) ની જેમ પોતે લીધેલ વેશ (પાત્ર) ભજવવામાં જ તેનું તાત્પર્ય હોય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE