Mar 8, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1092






હે રામચંદ્રજી,અનેક પ્રકારના સ્વપ્નોમાં અનેક પ્રકારના કર્મોના આરંભો દેખાય છે,છતાં તે અનારંભો જ છે,
અને સ્વપ્નમાં દેખાતું સર્વ અસત્ય જ છે છતાં સત્ય જેવું ભાસે છે.
સ્વપ્નમાં વરસાદ અને ગાજ્વીજનો અવાજ જોકે સંભળાય છે પણ વસ્તુતઃ કશું પણ નહોતાં મૌન જ હોય છે,
કેમ કે પોતાની પાસે રહેલો બીજો જાગતો પુરુષ તે અવાજોને સાંભળી શકતો નથી,
તેજ રીતે પોતે (સ્વપ્નમાંથી) જાગી જઈ અને જુએ તો તેને (જાગ્રત-અવસ્થામાં) કશું સંભળાતું નથી.

સ્વપ્નમાં સર્વ વિપરીત રીતે જોવામાં આવે છે,જેમ કે રાત્રિ, એ દિવસ-રૂપ થઇ જાય છે.અસત્ય હોય
તે પણ સ્વપ્નમાં સત્ય લાગે છે ને અસંભવિત પણ સંભવ થતું લાગે છે.જેમ કે પોતાના મરણનું દર્શન !!
આમ અનેક જાતની સ્વપ્ન-સૃષ્ટિ અસત્ય છતાં સત્ય જેવી ભાસી રહી છે.આ સ્વપ્ન-સૃષ્ટિ અને
જાગ્રત અવસ્થાની સૃષ્ટિમાં કશું પણ અંતર નથી.બંને સરખાં છે અને તેમાં જરા પણ ભેદ નથી.

રામ કહે છે કે-આપ સ્વપ્ન અને જાગ્રતને બરાબર સરખાં કહો છે,તે સંભવતું નથી કેમ જે સ્વપ્નમાંથી જાગી જતાં તરત જ
જાગ્રત-સૃષ્ટિ જોવામાં આવે છે,તેથી સ્વપ્ન-સૃષ્ટિ આભાસ-રૂપ જણાઈ અબાધિત થઇ જાય છે.
પણ જાગ્રત માટે તો તેવું કશું નથી (સૃષ્ટિ તો દેખાય જ છે) તો બંને સમાન કેમ કહી શકાય ?

વસિષ્ઠ કહે છે કે-સ્વપ્નનો દૃષ્ટા (જોનાર) તે સ્વપ્ન-સૃષ્ટિમાં,સ્વપ્નના જીવો સાથે કેટલાંક સુખ-દુઃખનો અનુભવ કરી,જયારે
સ્વપ્ન-દેહને મૂકી દે છે (મરણ પામે છે) ત્યારે તે સ્વપ્નના જીવોથી વિયોગવાળો થાય છે-અને તે
મનુષ્ય નિંદ્રાથી 'મુક્ત' થયો -એમ કહેવાય છે.સ્વપ્નમાંથી જગ્યા પછી,તેને સ્વપ્નમાં દીઠેલું સર્વ અસત્ય છે-
એવી પ્રતીતિ થાય છે.અનેક વખત તો તે સ્વપ્નને ફરી જોવા પાછો નિંદ્રાને પ્રાપ્ત થઇ જાય છે.(સુઈ જાય છે)

તે જ પ્રમાણે,જાગ્રતનો દૃષ્ટા,જાગ્રત-સૃષ્ટિમાં,કેટલાંક સુખ-દુઃખોનો અનુભવ કરી,તે દેહને છોડી દે છે.અને
વળી (ફરીથી) બીજાં જાગ્રત-પ્રપંચ-રૂપી-સ્વપ્નને જોવાને બીજા દેહને (પુનર્જન્મને) પ્રાપ્ત થઇ જાય છે.
જેમ પહેલાંના જાગ્રત-પ્રપંચ-રૂપી દેહમાં 'આ અસત્ય છે' એવી પ્રતીતિ તેને હોતી નથી,તેવીજ બીજા દેહનો યોગ થતાં
પણ 'આ અસત્ય છે' એવી પ્રતીતિ થતી નથી,પણ મૂઢ-બુદ્ધિવાળો તે પુરુષ તેને સત્ય જ સમજે છે.
(જેમ સ્વપ્નમાં,એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નનો અનુભવ કરતાં,તે સમયે પણ તેને તે અસત્ય સમજતો નથી)

જાગ્રત અને સ્વપ્ન-એવા નામની બંને અવસ્થામાં તેનો સાક્ષી-રૂપ-જીવ (આત્મા),ખરી રીતે જોઈએ તો જન્મતો પણ નથી
કે મરતો પણ નથી.પણ દેહ-રૂપ-ઉપાધિને લીધે તે જન્મ-મરણને પ્રાપ્ત થતો હોય તેમ ભાસે છે.
સ્વપ્નનો દૃષ્ટા,સ્વપ્ન-દેહને મૂકી દે છે ત્યારે તે જાગ્રત-અવસ્થાની દૃષ્ટિએ જાગી ગયેલો કહેવાય છે,
તેમ,અહી જાગ્રત અવસ્થામાં મરી ગયેલો જીવ પુનર્જન્મ થતાં,બીજા જાગ્રત-રૂપી-સ્વપ્નમાં (કે મરી જતાં પહેલાં)
જો,પ્રબોધને પ્રાપ્ત થઇ જાય તો, તે જાગી ગયેલો કહેવાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE