Mar 9, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1093

જેમ,એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જતાં,પ્રથમ સ્વપ્ન કરતાં,તે સમયનું ચાલતું બીજું સ્વપ્ન,જાગ્રતના જેવું
વિશેષ જણાય છે,તેમ,એક જાગ્રત અવસ્થામાં મરણને શરણ થઇ બીજા દેહના યોગે બીજી અવસ્થામાં આવતાં,
જો મનુષ્ય પ્રબોધને પ્રાપ્ત થાય તો,એ (બીજી) જાગ્રત અવસ્થા પણ અવશ્ય,સ્વપ્ન જેવી વિશેષ જણાય છે.
સ્વપ્નના સમયમાં,સ્વપ્ન એ જાગ્રતના જેવું વિશેષ (વધારે) જણાય છે,અને જાગ્રતમાં જે આગળ અનુભવ્યું હોય
તે સ્વપ્નના જેવું વિશેષ જણાય છે.વસ્તુતઃ તો જાગ્રત અને સ્વપ્ન એ બંને મિથ્યા છે.

તે ચિદાકાશ,કેવળ એક જ હોવા છતાં બંને રૂપે થઇ રહેલ છે.જે કંઈ સ્થાવર-જંગમ પ્રાણીવર્ગ છે,
તે સર્વમાં ચિદાકાશ વિના બીજું તો શું ઘટી શકે તેમ છે?
જેમ માટીનું વાસણ માટી વિનાનું દેખાતું નથી,તેમ કાષ્ટ-પાષાણ-આદિ પણ
ચિદાકાશના એક ચમત્કાર (વિવર્ત) રૂપ હોવાથી હોવાથી ચિદાકાશ વિનાના દેખાતાં નથી.
આમ આપણને સ્વપ્નમાં (ચિદાકાશ ના વિવર્ત-રૂપ) વસ્તુઓનો સમૂહ દેખાય છે,તેવો જ જાગ્રતમાં પણ છે.

હે રામચંદ્રજી,સ્વપ્નમાં જે પાષાણ જોવામાં આવે છે,તે ચિદાત્માના ચમત્કાર (વિવર્ત) વિના બીજું શું હોઈ શકે?
એ વાત તમે જ નિર્વિવાદ રીતે કહો. એ સ્વપ્ન-પાષાણ અવશ્ય ચિદાકાશના વિવર્ત-રૂપ જ છે.
સ્વપ્નમાં જેમ,તે ચિદાકાશ પાષાણ-રૂપે દેખાતાં છતાં,અખંડિત રીતે પોતાના સ્વરૂપની અંદર જ રહેલું છે,
તેમ,જાગ્રતમાં પણ તે ચિદાકાશ અનેક જગત-રૂપે થઇ રહ્યા છતાં પોતાના નિર્વિકાર સ્વરૂપમાં જ રહેલું છે.
અધ્યારોપ દૃષ્ટિથી જોતાં ચિદ્રુપ બ્રહ્મ જ જગતના જુદાજુદા આકારે દેખાય છે અને અપવાદ-દ્રષ્ટિથી જોતાં,
સર્વ જગત-રૂપી ચિત્ર એ બ્રહ્મ-રૂપી-ભીંતમાં જ આભાસ-રૂપે કલ્પિત છે.આ વિષે વિવાદ કરવો વ્યર્થ છે.

(૧૦૬) ચિદાકાશ જ જગત-રૂપ છે

રામ કહે છે કે-પરબ્રહ્મ-રૂપ ચિદાકાશ કેવું ,તે આપ ફરીવાર કહો,આપનાં વચન સાંભળતાં મને તૃપ્તિ થતી નથી.

વશિષ્ઠ કહે છે કે-એક જ સમયે સાથે જન્મેલા અને બરાબર સરખા દેખાતા બે ભાઈઓને,જેમ,વ્યવહારને માટે
જુદાં જુદાં નામ આપવામાં આવે છે,તેમ,ચિદાકાશ-રૂપી-સ્ફટિકશિલાની અંદર પ્રતિબિંબ-રૂપે દેખાતા જાગ્રત
અને સ્વપ્ન વિષે પણ છે.તેઓ બધા પ્રકારે સમાનતા વાળા જ છે.છતાં માત્ર વ્યવહારને માટે જ તેમનાં જુદાંજુદાં નામ
કલ્પવામાં આવ્યાં છે.વસ્તુતઃ તો તેમનામાં કશો ભેદ નથી.બંને નિર્મળ-નિર્વિકાર ચિદાકાશ-રૂપ જ છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE