Jun 15, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1179

વૃદ્ધાવસ્થા આવતાં પોતાનાં ગાત્રો (અવયવો)પણ ભારરૂપ થઇ પડે છે.બાળપણું અને વૃદ્ધપણું,
એ જ્ઞાનને સાધી આપનાર થઇ શકતું નથી.બાકી,જો તરુણપણું વિવેકવાળું હોય તો જીવતે જીવ
જીવનનું સાફલ્ય કરી આપનાર નીવડે છે.વીજળીના ઝબકારા જેવા આ ચપળ સંસારમાં આવી,
સદ-શાસ્ત્ર ને સદ-સંગતિ દ્વારા મોહ-રૂપ-કાદવમાંથી,સાર-રૂપ-એવા આત્માને ખેંચી કાઢવો જોઈએ.
અહો! ખેદની વાત એ છે કે-મનુષ્યો કેવા ક્રૂર છે કે-તેઓ મોહ-રૂપી કાદવમાં ખૂંચી ગયેલા આત્માને
તેમાંથી બહાર કાઢી નાખવાનો પોતાનો પુરુષાર્થ કરતા નથી !!

Jun 14, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1178

જેમ મદોન્મત (મદવાળા) અને મદથી રહિત-એવા બંને પ્રકારના પુરુષની બુદ્ધિમાં રહેલ પ્રપંચ પરસ્પર ભિન્નભિન્ન હોય છે,
તેમ,વિવેકી અને અવિવેકી (મૂર્ખ) મનુષ્યની બુદ્ધિમાં રહેલ પ્રપંચ પણ ભિન્નભિન્ન હોય છે.
વિવેકીની બુદ્ધિ સદા સ્થિરતામાં જાગૃત હોય છે તેથી તે સ્થિર આત્મ-તત્વને જ દેખે છે
જયારે અવિવેકીની બુદ્ધિ સદા અસ્થિરપણામાં જ જાગૃત રહે છે તેથી તે અસ્થિર બાહ્ય-પ્રપંચને જ દેખે છે.
દર્પણમાં પડતા ઘટ-પટ-આદિ પદાર્થોના પ્રતિબિંબની જેમ,માયાની અંદર ચિદ-રૂપ-પરમ-તત્વનું જે પ્રતિબિંબ પડે છે
તે જ જગત તરીકે ઓળખાય છે અને તે તત્વ નિરાકાર હોવા છતાં જાણે સાકાર હોય તેમ દેખાય છે.

Jun 13, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1177

વસિષ્ઠ કહે છે- ચિદ-રૂપ-સાક્ષી ચૈતન્યમાં ભેદનો અનુભવ કરનાર કોઈ પણ નથી,
કેમ કે ત્રણે અવસ્થામાં સાક્ષી-રૂપે રહેલા એવા સાક્ષી-ચૈતન્યના અંશને બીજો કોણ જોઈ શકે?
અભેદબુદ્ધિ અને ભેદબુદ્ધિ  એ બંને પણ ચિદ-રૂપ જ છે.
અને જયારે એમ છે તો પછી,દ્વૈત અને અદ્વૈત-એ બંને શાંત-નિર્વિકાર-બ્રહ્મ-રૂપ સિદ્ધ થાય છે.
જેમ,બ્રહ્મનો સદ-અંશ જ્ઞાન-રૂપ પણ છે અને ગ્રાહ્ય-રૂપ પણ છે,
તેમ,દ્વૈતનો અનુભવ કરનાર સાક્ષી-ચૈતન્ય,દૃષ્ટારૂપ પણ છે અને દૃશ્યરૂપ પણ છે.