Jan 4, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩

અધ્યાય-૨ -૨ (સાંખ્ય યોગ)
અર્જુન અતિ બળવાન યોદ્ધો છે. મહાભારત\ના યુદ્ધમાં તેના પર મોટી જવાબદારી છે.
પણ હજુ યુદ્ધ શરુ પણ નથી થયું અને અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે.
એવું કદીયે બન્યું નથી –કે-અંધકારે –સૂર્ય ને ગળ્યો હોય, દેડકાએ –અજગર ને ગળ્યો હોય કે 
શિયાળે –સિંહ ની સામે ટક્કર લીધી હોય.પણ આજે કંઈક એવું બન્યું છે.અશક્ય લાગતી વસ્તુ શક્ય બની છે.
ઘણાં બધાં યુદ્ધો કરીને અપરાજિત રહેનાર એક શુરવીર યોદ્ધા –અર્જુન-“મોહ” ને કારણે “દયા” થી
ભરપૂર થઇ એક નામર્દની જેમ યુદ્ધ કરવાનો ઇન્કાર કરી ઢીલો થઇ બેસી ગયો છે.

શ્રીકૃષ્ણ કહે છે-અર્જુન તું મહાવીર છે, બુદ્ધિમાન છે,ડાહ્યો છે,તો પછી તારી જાતને તો જરા પૂછી જો.
તારો આ નિર્ણય કોઈ પણ બુદ્ધિમાન માણસને માન્ય થાય તેવો છે ? આવા યુદ્ધ ના સમયે કરુણા (દયા) 
લાવી અને “હું યુદ્ધ કરીશ નહિ” એવું વિચારવું એ તારા જેવા મર્દને શોભતું નથી.
આવો નામર્દાનગીનો વિચાર તારા મનમાં આવ્યો ક્યાંથી ?
તારું આ વર્તન તારી આજ સુધીની મેળવેલી કીર્તિનો નાશ કરનારું છે.
યુદ્ધ પ્રસંગે આવી નિર્બળતા રાખવાથી તે ક્ષત્રિયની દુર્ગતિ નું કારણ બને છે.
માટે મનની આવી નામર્દ-નિર્બળતાને ફગાવી દે અને યુદ્ધ માટે તૈયાર થઇ જા.(૨-૩)

પણ અર્જુન તો પોતાના મનની અંદર ચાલતાં વિચારોમાં મશગૂલ છે.
કૃષ્ણનો અવાજ પણ જાણે તેને સંભળાતો નથી.
અર્જુન વિચારે છે-કે જેણે મને ધનુર્વિદ્યા શીખવી-તેનો જ વધ કરવો એ શું ભસ્માસુર જેવી કૃતઘ્નતા નથી ?
ભીષ્મે મોટા કર્યા –તેમની સેવા કરવાને બદલે  તેમનો શું વધ કરવાનો? ના ,ના, આવું કરવું તે યોગ્ય નથી.(૪)
(ભસ્માસુર નામે એક રાક્ષસ હતો. તેને શંકર ભગવાને વરદાન આપ્યું-કે-
તું જેના મસ્તક પર હાથ મુકશે-તેનું મૃત્યુ થશે.
ભસ્માસુરની પાર્વતી વિષે દાનત બગડી એટલે ભસ્માસુર શંકરના માથા પર હાથ મુકવા તેમની પાછળ
પડી ગયો. છેવટે વિષ્ણુ ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરી-અસુરને મોહમાં નાખી –યુક્તિ પ્રયુક્તિથી,
ભસ્માસુરનો પોતાનો હાથ જ પોતાના માથા પર મુકાવી –તેને ભસ્મ કર્યો.)

અર્જુનની બુદ્ધિ સાચું શું છે વિચારી શકતી નથી.તેનું બધું જ્ઞાન,અજ્ઞાનથી ઢંકાઈ ગયું છે.
નાનું વાદળું સૂર્યને ઢાંકી દે છે.અને એટલો સમય અંધકાર લાગે છે.
મનના વિચારો –આ વાદળા જેવા બન્યા છે. અંતઃકરણ મેલું થયું છે.
ઘડીકમાં અહીં અને ઘડીકમાં અહીં-તહીં-જતી બુદ્ધિ કોઈ નિર્ણય લઇ શકતી નથી.

આવા સમયે નોંધારાના આધાર શ્રીકૃષ્ણ જ માત્ર સાચું શું છે તે કહી શકે –
એવું છેલ્લે વિચારીને અર્જુન શ્રીકૃષ્ણને કહે છે.-કે-
“નાથ, હું તમારે શરણે આવ્યો છું, માટે મારે શું કરવું તે આપ મને સમજાવી ને કહો”  (૭)

આમ જોવા જઈએ-તો-શ્રીકૃષ્ણે તો ક્યારનું કહી દીધું હતું-કે “ઉઠ,ઉભો થા અને યુદ્ધ કર. “
પણ અર્જુનના મન-બુદ્ધિની અકડાશ હજુ જતી નથી. અજ્ઞાનનું પડળ કેમે કરી દૂર થતું નથી.
મનમાં જાણે એક ભૂત ભરાણું છે,બુદ્ધિને જાણે કોઈ અસાધ્ય રોગ લાગી ગયો છે.

શ્રીકૃષ્ણ આ નાટક જોઈ રહ્યા છે-મનમાં થોડું હાસ્ય પણ આવ્યું છે-વિચારે છે-કે-
આ અર્જુનને કહીએ તો તેને કંઈ સમજાતું નથી,તો પછી તેને કયા ઉપાયથી સમજાવાય ?
કેવી રીતે એનું ધૈર્ય પાછું લાવી શકાય ?કેવી રીતે તેનું અજ્ઞાનનું પડળ હટાવી શકાય ?
છેવટે તે થોડો રોષથી ભરેલ ઉપદેશ આપવાની શરૂઆત કરે છે.(૧૦)
જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)

     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE