More Labels

Sep 10, 2019

ભાગવત રહસ્ય-૫૯

દ્રૌપદીએ અશ્વસ્થામાને બચાવ્યો.અર્જુનને કહ્યું-“આને મારશો તો પણ મારા પાંચ પુત્રોમાંથી એક પણ હવે જીવતો થવાનો નથી.પરંતુ અશ્વસ્થામા ને મારશો તો તેની મા ગૌતમીને અતિ દુઃખ થશે. હું હજી સધવા છુ પણ અશ્વસ્થામાની મા વિધવા છે.તે પતિના મર્યા પછી પુત્રના આશ્વાસને જીવે છે.તે રડશે તે મારાથી નહિ જોવાય.”

કોઈના આશીર્વાદ ન લો તો કંઈ નહિ-પણ કોઈનો નિસાસો લેશો નહિ. કોઈ નિસાસો આપે તેવું કૃત્ય કરતા નહિ.જગતમાં બીજાને રડાવશો નહિ, જાતે રડજો.

ભીમ કહે છે-આ બાલ-હત્યારા ઉપર દયા હોતી હશે ?તારી પ્રતિજ્ઞા ક્યાં ગઈ ? પણ -દ્રૌપદી વારંવાર કહે છે-મારશો નહિ.અર્જુન વિચારમાં પડ્યા. ત્યારે-શ્રીકૃષ્ણે આજ્ઞા કરી-દ્રૌપદી બોલે છે તે બરાબર છે.તેના દિલમાં દયા છે.ભીમે કહ્યું-મનુસ્મૃતિમાં કહ્યું છે-કે-આતતાયીને મારવામાં પાપ નથી.
શ્રીકૃષ્ણ પણ મનુસ્મૃતિને માન્ય રાખી જવાબ આપે છે-બ્રાહ્મણનું અપમાન એ મરણ બરાબર છે,માટે અશ્વસ્થામાને મારવાની જરૂર નથી.તેનું અપમાન કરીને કાઢી મુકો.

અશ્વસ્થામાનું મસ્તક કાપ્યું નહિ પણ તેના માથામાં જન્મ સિદ્ધ મણિ હતો તે કાઢી લીધો. અશ્વસ્થામા તેજહીન બન્યા.ભીમે વિચાર્યું-હવે મારવાનું શું બાકી રહ્યું.? અપમાન મરણ કરતાં પણ વિશેષ છે. અપમાન પ્રતિક્ષણે મરવા જેવું છે.
અશ્વસ્થામાએ વિચાર કર્યો-આના કરતાં મને મારી નાખ્યો હોત તો સારું થાત. પણ પાંડવોએ જે આવું મારું અપમાન કર્યું છે-તેનો બદલો હું લઈશ.મારું પરાક્રમ બતાવીશ.અભિમન્યુની પત્ની ઉત્તરાના પેટમાં ગર્ભ છે, તે એક માત્ર –પાંડવોનો ઉત્તરાધિકારી છે. તે ગર્ભનો નાશ થાય તો –પાંડવોના વંશનો નાશ થશે.

એમ વિચારી-ઉત્તરાના ગર્ભ પર તેણે બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્ર ઉત્તરાના શરીર ને બાળવા લાગ્યું-તે વ્યાકુળ થયા છે.દોડતાં-દોડતાં શ્રીકૃષ્ણ પાસે આવ્યા છે. શ્રીકૃષ્ણ ઉત્તરાના ગર્ભ માં જઈ –પરીક્ષિતનું રક્ષણ કરે છે.
સર્વનું ગર્ભમાં કોણ રક્ષણ કરે છે? ગર્ભમાં જીવનું રક્ષણ પરમાત્મા કરે છે. નાની એવી કોટડીમાં જીવનું પોષણ કેમ થતું હશે ? જીવમાત્રનું રક્ષણ ગર્ભમાં પરમાત્મા કરે છે-અને જન્મ થયા પછી પણ જીવનું રક્ષણ પરમાત્મા જ કરે છે.માતા પિતા –જો રક્ષણ કરતાં હોય તો કોઈનો છોકરો મરે જ નહિ. મા-બાપ રક્ષણ કરતાં નથી-પ્રભુ રક્ષણ કરે છે.જે પોતે કાળનો કોળિયો છે-તે બીજાનું રક્ષણ શું કરી શકવાનો છે ?

ગર્ભમાં તો જીવ –હાથ જોડી પરમાત્માને નમન કરે છે, પણ બહાર આવ્યા પછી બે હાથ છૂટી જતાં –તેનું નમન છૂટી જાય છે-અને પ્રભુને ભૂલી જાય છે. જવાનીમાં માનવી ભાન ભૂલે છે અને અક્કડ થઈને ચાલે છે-કહે છે-કે હું ધર્મમાં –ઈશ્વરમાં માનતો નથી.પરમાત્મા ના અનંત ઉપકારોને જીવ ભૂલી જાય છે. અને તે ઉપકારોનું સ્મરણ માત્ર કરતો નથી.

દ્રૌપદી એ ઉત્તરાને શિખામણ આપેલી કે-જીવનમાં દુઃખ નો પ્રસંગ આવે તો ઠાકોરજીનો આશ્રય લેવો. કનૈયો પ્રેમાળ છે. તે તમને જરૂર મદદ કરશે.તમારા દુઃખની વાત દ્વારકાનાથ સિવાય કોઈને કહેશો નહિ.
સાસુ જો માળા-જપ –સેવા કરતાં હશે-તો કોઈ દિવસ વહુને પણ જપ કરવાની ઈચ્છા થશે. પણ સાસુ જ જો ગપ્પાં મારવા જતી હશે તો વહુ પણ એવી જ થશે.

બાપ જો ચાર વાગે ઉઠતો હોય-ભગવત-સેવા-સ્મરણ કરતો હશે તો છોકરાઓને કોઈ દિવસ વહેલા ઉઠવાની અને સ્મરણ કરવાની ઈચ્છા થશે, પણ બાપ સવારે કપદર્શનમ(ચાનો કપ) થયા પછી ઉઠતો હોય –તો બાળક પણ એવો જ થશે.વ્યસન (ચા-વગેરે)છોડવા જોઈએ. ના છોડો-તો-ખ્યાલ રાખો-કે-તમે પરમાત્મા ના દાસ છો-વ્યસન ના નહિ.વ્યસનના ગુલામ ન થશો. તો ધીરે ધીરે વ્યસન છૂટી જશે.

ઉત્તરાએ જોયેલું કે-સાસુ-(દ્રૌપદી)-રોજ દ્વારકાનાથને રીઝાવે છે. તેથી તે રક્ષણ માટે પરમાત્મા પાસે ગયા છે. (પાંડવો પાસે નહિ.) શ્રીકૃષ્ણ સમજી ગયા,ઉત્તરાજીના પેટમાં પ્રવેશ કર્યો.

ગર્ભમાં જીવ મા ના મુત્ર-વિષ્ઠામાં આળોટે છે.ગર્ભવાસ એ જ નર્કવાસ છે.પરીક્ષિત ભાગ્યશાળી છે-કે-તેમને માતાના ગર્ભમાં જ પરમાત્માના દર્શન થયા છે. તેથી પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે.
ભગવાન કોઈના ગર્ભ માં જતાં નથી. પણ પરમાત્માની લીલા અપ્રાકૃત છે. દેવકીના પેટમાં ભગવાન ગયા નથી.પણ દેવકીને ભ્રાંતિ કરાવી છે કે –મારા પેટમાં ભગવાન છે.

પરંતુ આજે એવી જરૂર પડી હતી-આજે ભક્તનું રક્ષણ કરવું હતું-એટલે ગર્ભમાં ગયા છે.
પરમ આશ્ચર્ય થયું છે. શ્રીકૃષ્ણે –સુદર્શનચક્રથી –બ્રહ્માસ્ત્રનું નિવારણ કર્યું છે.
આમ પરીક્ષિતનું રક્ષણ કરી-દ્વારકાનાથ –દ્વારકા પધારવા તૈયાર થયા છે,કુંતાજીને ખબર પડી છે.
     
      PREVIOUS PAGE
       NEXT PAGE               
      INDEX PAGE