Sep 12, 2019

ભાગવત રહસ્ય-૬૧

કુંતાજી –દુઃખના દિવસો- અને એ દિવસોમાં પ્રભુએ કરેલા ઉપકારોને- ભૂલ્યા નથી.કુંતાજી કહે છે-પ્રભુએ અમને સુખી કર્યા છે.કેવાં કેવાં દુઃખમાંથી અમને ઉગાર્યા છે. નાથ, મને યાદ આવે છે-કે-હું વિધવા થઇ હતી-મારાં બાળકો નાનાં હતાં. ત્યારે-નાથ, તમે જ મારું અને મારાં બાળકોનું રક્ષણ કર્યું હતું.

કુંતાજી –પ્રભુના ઉપકાર સુખમાં ય ભૂલ્યા નથી, જયારે અતિ સુખમાં માનવી ભાન ભૂલે છે.જીવ પર પ્રભુ ના અનેક ઉપકાર છે,પણ જીવ એ ઉપકાર ભૂલી જાય છે.
જરા વિચાર કરો—તમને જે આ ધન મળ્યું છે-તમને જે આ સુખ સંપત્તિ મળી છે-તેના માટે તમે લાયક છો કે નહિ ? તમારા અંતઃકરણને પૂછો. તો –જવાબ એ જ મળશે-કે –હું લાયક નથી.
મેં આંખથી-મનથી ઘણાં પાપ કર્યા છે-તેમ છતાં પરમાત્માએ આ સર્વ મને આપ્યું છે.

વિચારો—કે- આપણાં કર્મથી શું વરસાદ પડે છે ?
ના-પરમાત્મા ઉપકાર કરી વરસાદ પાડે છે. પરમાત્માના ઉપકારો કેમ કરીને ભૂલી શકાય ?
આપણે બિમારીમાંથી બચીએ-ત્યારે-અમુક દવાથી સારું થયું-કે ડોક્ટરે બચાવ્યો-તેમ માનીએ છીએ. પણ-
પરમાત્માએ બચાવ્યા-તેમ માનતા નથી. પરમાત્માનો ઉપકાર માનતા નથી.

વિચારો—કે-ડોક્ટરની દવાઓમાં કે ઇન્જેક્શનમાં શું બચાવવાની શક્તિ છે ? ના,બચાવનારો કોઈ જુદો છે.
ડોક્ટરમાં બચાવવાની શક્તિ હોય તો –ડોક્ટરને ત્યાં કોઈ દિવસ –છેલ્લો વરઘોડો-નીકળે જ નહિ.(મૃત્યુ થાય જ નહિ) પ્રભુની કૃપા થી દવામાં શક્તિ આવે છે.

કુંતાજી કહે છે-કે-જેમ જળ વિના નદી શોભે નહિ-પ્રાણ વગર શરીર શોભે નહિ-કુમકુમના ચાંદલા વગર સૌભાગ્યવતી સ્ત્રી શોભે નહિ-એમ,આપ વગર પાંડવો શોભે નહિ. નાથ,આપને લીધે અમે સુખી છીએ. હવે અમને છોડીને જશો નહિ.

આવી જ રીતે-ગોપીઓ પણ ગોપીગીતમાં ભગવાનના ઉપકારોનું સ્મરણ કરે છે.ગોપીઓ કહે છે-કે-
યમુનાજીનાં વિષમય જળથી થનાર મૃત્યુથી-અજગરના રૂપમાં ખાઈ જનાર અઘાસુરથી-ઇન્દ્રની વર્ષાથી-આંધી-વીજળી-દાવાનળથી-હે નાથ,આપે અમારું રક્ષણ કર્યું છે.
પરમાત્માના ઉપકારોનું સ્મરણ કરવાથી-પ્રભુ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે.

કુંતાજી કહે છે-દુર્યોધને મારાં ભીમને ઝેર નાં લાડુ ખવડાવ્યા.-ત્યારે આપે તેને ઉગાર્યો છે. દુર્યોધને અમને લાક્ષાગૃહમાં બાળવાનો પ્રયત્ન કર્યો-પણ આપે અમારી લાજ રાખી છે. આપના ઉપકારો અનંત છે. તેનો બદલો વાળી શકાય તેમ નથી.મારી દ્રૌપદીને દુશાસન ભરી સભામાં લઇ જઈ-તેની સાડી ખેંચવા લાગ્યો- ત્યારે તેની લાજ આપે રાખી છે. આપના ઉપકારોનો બદલો હું શું વાળી શકું? હું તો આપના ચરણમાં વારંવાર વંદન કરું છું. નાથ,તમારે લીધે અમે સુખી છીએ-અમારો ત્યાગ ના કરો.

શ્રીકૃષ્ણ કહે છે-કે-દ્વારકાથી અનેક સંદેશાઓ આવ્યાં છે. મારે ત્યાં જવું પડશે.
ત્યારે કુંતાજીએ કહ્યું- આપ ભલે દ્વારકા જાઓ-પણ મને એક વરદાન માંગવાની ઈચ્છા છે-તે આપો અને પછી જવું હોય તો જાવ.કુંતાજીએ જે માગ્યું- તેવું દુનિયામાં કોઈએ માગ્યું નથી- ને માગશે પણ નહિ.

“હે, જગતના ગુરુ,અમારા જીવનમાં પગલે પગલે- સદા વિપત્તિઓ –આવતી રહો. કારણ કે વિપત્તિઓમાં –જ-નિશ્ચિત રૂપથી –આપનાં દર્શન થાય –તે પછી-જન્મ મૃત્યુના ચક્કરમાં આવવું પડતું નથી.” (ભાગવત-૧-૮-૧૫) કુંતાજી એ માગ્યું છે-કે- હે,નાથ,મોટા મોટા દુઃખ ના પ્રસંગો આવી ને માથે પડે-તેવું વરદાન આપો.

સગાંવહાલાંનો પ્રેમ કપટથી ભર્યો છે-તેની- ખબર દુઃખમાં પડે છે. જેને માટે શરીર ઘસાવ્યું છે-જેને માટે તમે ભોગ આપ્યો છે-તે કોઈ વાર કારણ મળતા તમારો શત્રુ થઇ જશે. દુઃખમાં જ મનુષ્ય ને ડહાપણ આવે છે. દુઃખમાં જ જીવને પ્રભુ પાસે જવાનું મન થાય છે. વિપત્તિમાં જ પ્રભુનું સ્મરણ થાય છે. તેથી વિપત્તિ એ સાચી સંપત્તિ છે.સંતોની સંપત્તિ અને વિપત્તિની વ્યાખ્યા જરા જુદી છે.
પ્રભુનું વિસ્મરણ થાય તે-સાચી વિપત્તિ- ને પ્રભુનું સ્મરણ કાયમ રહે તે –સાચી સંપત્તિ.

શ્રી કૃષ્ણ કહે છે-કે-તમે આ શું માગો છો ?તમે શાનભાન તો ભૂલ્યા નથી ને ?આજ દિન સુધી તો દુઃખના અનેક પ્રસંગો આવ્યા છે-હવે સુખનો વારો આવ્યો છે-શું હજુ દુઃખ ભોગવવાની હોંશ છે ?
કુંતાજી દીન બન્યાં છે. કહે છે-નાથ, હું જે માગું છુ તે યોગ્ય છે. દુઃખ મારો ગુરુ છે. દુઃખમાં ખાતરી થાય છે-કે-શ્રીકૃષ્ણ સિવાય –મારું-કોઈ નથી. દુઃખમાં નારાયણનું સ્મરણ થાય છે—એથી તો-એ- સુખ છે.-તેને દુઃખ કેમ કહેવાય ? વિપત્તિમાં તમારુ સ્મરણ થાય છે-તેથી તેને હું સંપત્તિ માનું છું.
       
      PREVIOUS PAGE
       NEXT PAGE               
 INDEX PAGE