Sep 13, 2019

ભાગવત રહસ્ય-૬૨

'સુખકે માથે શિલ પડો, હરિ હૃદયસે જાય,
બલિહારી વહ દુઃખકી ,જો પલ પલ નામ જપાય—જો પલ પલ રામ જપાય'
હનુમાનજીએ રામચંદ્રજીને કહ્યું છે-કે-સીતાજીને તમારા ધ્યાનમાં (ભજનમાં-સ્મરણમાં)તન્મય થયેલાં (મેં જોયા) છે-તેથી જ હું કહું છું-કે-સીતાજી(લંકામાં) આનંદમાં છે.
'કહ હનુમંત બિપત્તિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ના હોઈ'
(જયારે તમારું ભજન-સ્મરણ ન થાય ત્યારે જ સાચી વિપત્તિ આવી છે એમ સમજવું–એવું હનુમાનજી કહે છે) 
મનુષ્યને બહુ સુખ મળે તો તે પ્રમાદી થાય છે.અને ભાન ભૂલે છે.
એક શેઠ હતા. પહેલાં લાલાજીની સેવા જાતે કરતા. પણ સટ્ટામાં,સારા નસીબે જોર કર્યું ,અને વીસ લાખ રૂપિયા મળ્યા.તે પછી શેઠે –લાલાજીની સેવા કરવા નોકર રાખ્યો છે.

કુંતાજી –શ્રીકૃષ્ણને કહે છે-કે-મને એવું દુઃખ મળે કે-જે-દુઃખમાં હું તમને યાદ કરું.મારે માથે વિપત્તિઓ આવે-કે-જેથી-તમારાં ચરણનો આશ્રય કરવાની ભાવના જાગે,(દાસ્ય-ભાવ જાગે-કે- જેનાથી –દીનતા આવે –સુખનું અભિમાન માથે ના ચડે) 

દુનિયાના મહાન પુરુષોને –પહેલાં દુઃખના પ્રસંગો આવ્યા છે. જેને જેને પરમાત્મા મળ્યા છે-તે અતિ દુઃખમાં મળ્યા છે.અતિ સુખમાં પરમાત્મા સાથ આપતા નથી. સુખમાં સાથ આપે તે જીવ-અને દુઃખમાં સાથ આપે તે ઈશ્વર.જે જીવને-પરમાત્મા -પાપને માટે-સજા કરે છે (દુઃખ આપીને),તેની ગુપ્ત રીતે રક્ષા પણ કરે છે.

ચાર પ્રકારના મદ(અભિમાન) થી મનુષ્ય ભાન ભૂલે છે. વિદ્યામદ-જુવાનીનો મદ-દ્રવ્ય મદ-અધિકાર મદ.
બહુ ભણેલા (વિદ્યા વાળા) ને બહુ અભિમાન (મદ) આવે છે. તે કથામાં આવતા નથી. અને આવે તો અક્કડ બેસે છે.શ્રદ્ધાથી કથા સાંભળતા નથી.(બહુ વાંચી નાખ્યું છે!!). કિર્તનમાં તાળી પાડતાં શરમ આવે છે.
(તે વિચારે છે-અભણ મુર્ખાઓ તાળી પાડે!!) 

પણ ઘેર બાળક રડે-તો-તાળીઓ પાડવા મંડી જાય છે-ત્યારે ભૂલી જાય છે- કે –હું બહુ ભણેલો છુ. તે વખતે શરમ આવતી નથી.(જીભ થી-રડતા બાળક સમક્ષ-આ,આ,આ,-ઊ,ઊ,ઊ,-મોટે અવાજે બોલે છે) 
કથામાં મોટે અવાજે નામ સ્મરણ બોલતાં-કરતાં શરમ આવે છે. આવા વિદ્યાભિમાનીની જીભને-હાથને –પાપ પકડી રાખે છે-“તું કિર્તન કરીશ તો અમારે બહાર નીકળવું પડશે”
એવું ભણતર(વિદ્યા-જ્ઞાન) શા કામનું? કે જેથી ભક્તિ કરતાં સંકોચ થાય? ભણતર તો એવું હોવું જોઈએ કે-પ્રભુમાં પ્રેમ થાય.શ્રદ્ધા થાય-ધર્મમાં વિશ્વાસ થાય.

ભગવાને કહ્યું છે “ચાર પ્રકારના મદથી જીવ ઉન્મત્ત બને છે,અને મારું અપમાન કરે છે”
મહાભારતમાં કહ્યું છે-કે-સર્વ પ્રકારના રોગનો જન્મ મદમાંથી થયો છે.
માટે દીન બની (અભિમાન-મદ ત્યજી) પ્રભુની પ્રાર્થના-સ્તુતિ કરો. એમના ઉપકારોનું સ્મરણ કરો.

કુંતાજી દીન બની સ્તુતિ કરે છે-તમારાં જન્મનું પ્રયોજન ઘણી રીતે બતાવવામાં આવે છે. પરંતુ મને લાગે છે કે-દુષ્ટોનો વિનાશ કરવો –એ તમારાં જન્મનું પ્રધાન કાર્ય નથી. પરંતુ-તમારાં ભક્તોને –પ્રેમનું દાન કરવા તમે આવ્યા છો.મને વસુદેવજીએ (કુંતાજીના ભાઈ) કહેલું કે-“કંસના ભયથી હું ગોકુળમાં જઈ શકતો નથી,તમે ગોકુલમાં જઈ લાલાજીના દર્શન કરજો.” તેથી -તમે નાના હતા,ગોકુલમાં બાળલીલા કરતા હતા ત્યારે તમને જોવા-તમારાં દર્શન કરવા હું ગોકુલમાં આવેલી .

તે તમારું બાળ-સ્વરૂપ હજુ ભૂલાતું નથી. જે દિવસે હું ગોકુલ આવેલી –તે દિવસે –યશોદાજી એ તમને ખાંડણિયા જોડે બાંધેલા હતા.હું તો યશોદાજીના ચરણ માં વંદન કરું છું. યશોદાજી જેવો પ્રેમ (વાત્સલ્ય-પુષ્ટિ ભક્તિ) મારાં માં ક્યાં છે ?(કુંતાની મર્યાદા ભક્તિ છે) 
યશોદાજીએ પ્રેમથી તમને બાંધ્યા હતા-તેની જે-ઝાંખી મને થઇ છે-તે હજુ ભુલાતી નથી.

કાળ પણ જેનાથી કાંપે છે-તે કાળના કાળ –લાલાજી-યશોદાજી પાસે થર થર કાંપતા હતા.(આ- ની કલ્પના થી ઝાંખી કરવી જોઈએ?) મર્યાદા-ભક્તિ (કુંતા)-આ પ્રમાણે પુષ્ટિ-ભક્તિ (યશોદા) ના વખાણ કરે છે.પ્રેમથી ભગવાન બંધાય છે,બંધનમાં આવે છે.
(ગોકુલ છોડતી વખતે-કૃષ્ણે-યશોદાને કહેલું-કે બધું ભૂલીશ-પણ ખાંડણીએ બાંધેલો તે નહિ ભૂલું!!!)
પ્રેમ નું બંધન ભગવાન ભૂલી શકતા નથી.

સગુણ બ્રહ્મ (લાલાજીના દર્શન) નો સાક્ષાત્કાર થયા પછી-પણ સંસારમાં –આસક્તિ રહી જાય છે.
“સ્વજનોની સાથે જોડાયેલી –સ્નેહની ફાંસીને આપ કાપી નાખો 
(સ્નેહપાશમિમ છિંધિ)”-આ શ્લોકથી તે સિદ્ધ થાય છે.

સગુણ અને નિર્ગુણ –બંનેનું આરાધન કરે-તેની ભક્તિ-સિદ્ધ થાય છે.
(સગુણ=લાલાજીનું સ્વરૂપ=દ્વૈત=હું ને મારા લાલાજી =બંને જુદા છે =આત્મા અને પરમાત્મા
નિર્ગુણ=નિરાકાર સ્વરૂપ=અદ્વૈત=હું જ લાલાજી છું=બંને એક થઇ જાય છે.=આત્મા અને પરમાત્મા એક થઇ જાય છે.ઘટાકાશ-મહાકાશ માં મળી જાય છે-જેને આત્મ સાક્ષાત્કાર કહી શકાય!!.)

       
      PREVIOUS PAGE  
       NEXT PAGE               
  INDEX PAGE