Dec 5, 2019

ભાગવત રહસ્ય-૧૩૦

જ્ઞાન નો અંત (સમાપ્તિ) શ્રીકૃષ્ણ દર્શનમાં આવે છે. (પુસ્તકો વાંચવાથી જ્ઞાનની સમાપ્તિ થતી નથી) પરમાત્મા ને જાણ્યા પછી કાંઇ પણ જાણવાનું બાકી રહેતું નથી.પરમાત્માને ત્યારે જ જાણી શકાય છે-જયારે પરમાત્મા કૃપા કરે છે.અને પરમાત્મા ત્યારેજ કૃપા કરે છે-જયારે કોઈ પણ સાધન કરતો –મનુષ્ય-સાધનનું અભિમાન છોડી-દીન થઈને રડી પડે છે.

તેથી જ ઉપનિષદ માં કહ્યું છે-કે-આ આત્મા-વેદોના અભ્યાસથી મળતો નથી. કે પછી-બુદ્ધિની ચાતુરી અથવા બહુ શાસ્ત્રો સાંભળવાથી પણ મળતો નથી.પણ જેનું આ આત્મા વરણ કરે છે-(પસંદ કરે છે-કૃપા કરે છે) તેને જ આ આત્માની પ્રાપ્તિ થાય છે. (આત્મા તેને પોતાનું સ્વ-રૂપ બતાવે છે)
અને આ આત્મજ્ઞાન (પરમાત્મજ્ઞાન) જાણ્યા પછી કંઈ પણ જાણવાનું રહેતું નથી.(જ્ઞાનની સમાપ્તિ થાય છે)

સાધ્ય (પરમાત્મા)ની પ્રાપ્તિ કર્યા પછી કેટલાક સાધન (ભક્તિ)ની ઉપેક્ષા કરે છે.
સાધન (ભક્તિ)ની ઉપેક્ષા થાય –એટલે ફરીથી-માયા તેમનામાં પ્રવેશ કરે છે.
પરમાત્મા (સાધ્ય) મળ્યા પછી –ભક્તિ (સાધન) છોડે-તે કૃતઘ્ની છે. (ઈશ્વર પ્રત્યે તેની વફાદારી નથી.)
તુકારામ કહે છે-કે-સત્સંગથી (ભક્તિથી-ભજનથી) તુકારામ પાંડુરંગ (ભગવાન) જેવો બન્યો છે.તેને ભજન કરવાની હવે જરૂર નથી. પણ તુકારામને ભજનની એવી ટેવ પડી છે-કે-ભજન છૂટતું જ નથી. મારા ભગવાન નું સ્મરણ કર્યા વગર –હું રહી શકતો નથી.ભક્તિ વ્યસનરૂપ-ટેવ રૂપ –બને તો બેડો પાર છે.

પ્રભુએ ધ્રુવ ને કહ્યું- હું તારા પર પ્રસન્ન થયો છું-તું કાંઇક માગ.
ધ્રુવજી કહે છે-મને શું માગવું ? તેની સૂઝ પડતી નથી.આપને પ્રિય હોય (ગમતું હોય) તે આપો.


નરસિંહ મહેતાએ પણ પ્રભુને આમ જ કહેલું.નરસિંહ મહેતાએ –ભાભી પાસે એક વાર ગરમ પાણી માગ્યું-ભાભીએ અપમાન કર્યું. ઘર છોડી મહેતા ગોપનાથના મંદિરમાં આવ્યા.સાત દિવસ અન્ન જળનો ત્યાગ કરી –સતત કિર્તન કર્યું. ગોપનાથમાં શિવજીની પૂજા કરી છે. શંકર દાદા પ્રસન્ન થયા.અને કહ્યું-વરદાન માગ. નરસિંહ મહેતા કહે છે-મહારાજ શું માગવું તે સમજ પડતી નથી. મેં તો એક વાર ગરમ પાણી માગ્યું- અને મારી આ દશા થઇ-માટે હું કંઈ માંગીશ નહિ. માંગવાની મને અક્કલ નથી-આપને યોગ્ય લાગે તે આપજો.
શિવજી કહે છે-મને તો રાસલીલા પ્રિય છે-ચાલ તને તેના દર્શન કરાવું. 
શિવજીએ મહેતાજી  રાસલીલા  દર્શન કરાવ્યાં.

પ્રભુએ ધ્રુવને આજ્ઞા કરી છે-તું હવે જલ્દી ઘેર જા.તું કેટલાંક કલ્પ રાજ્ય કરજે. પછી હું તને મારા ધામમાં લઇ જઈશ.ધ્રુવને હવે મનમાં થોડી સંસારની બીક છે, કહે છે-તમારાં દર્શન થયા ન હતા ત્યાં સુધી મારા મનમાં થોડી રાજા થવાની ઈચ્છા હતી.મને મારો પૂર્વજન્મ યાદ આવે છે-.રાજા-રાણીને પ્રેમ કરતાં જોઈ મને થયેલું કે –આ રાજા સુખ ભોગવે છે-તેવું સુખ મેં ભોગવ્યું નહિ,એક વાર રાણીને જોતાં મારું મન બગડેલું અને મને આ જન્મ મળ્યો. પણ હવે તમારાં દર્શન થયા પછી-હું આ સંસાર અને રાણીઓના ચક્કરમાં ફસાવા માગતો નથી. રાજા થાઉં તો પાછો –ફરીથી કામાંધ-મોહાંધ થઇ જઈશ. મારે રાજા થવું નથી.

પ્રભુ કહે છે-એવું થશે નહિ-તું ચિંતા કરીશ નહિ,તારું મન હવે નહિ બગડે. તારી ઈચ્છા ન હોય પણ મારી ઈચ્છા છે-કે તું રાજા થા.આ માયા તને અસર કરી શકશે નહિ. મારો નિયમ છે-કે જે મારી પાછળ પડે છે-તેની પાછળ હું પડું છું. હું તેનું રક્ષણ કરું છું.હું તને સાચવીશ. સુંદર રાણીઓ તારી સેવા કરશે પણ તારા મનમાં વિકાર આવશે નહિ.ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થયા છે.

ધ્રુવજી ઘેર આવવા નીકળે છે. ઉત્તાનપાદ રાજા અનુષ્ઠાનમાં બેઠેલા હતા –તેમને સેવક આવી ખબર આપે છે.
રાજા ધ્રુવજીનું સ્વાગત કરે છે. ધ્રુવ પિતાજી અને ઓરમાન મા સુરુચિને પણ વંદન કરી સુનીતી પાસે આવ્યા છે.માતાએ બાળકને ઉઠાવી છાતી સરસો ચાંપ્યો છે. એક અક્ષર બોલી શક્યા નથી. સુનીતિને લાગ્યું-કે તે આજે સાચી પુત્રવતી થઇ.આજે તેનો પુત્ર ભગવાનને પ્રાપ્ત કરીને આવ્યો છે.


      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE