Dec 11, 2019

ભાગવત રહસ્ય-૧૩૬---સ્કંધ-૫

સ્કંધ-૫-(સ્થિતિ લીલા)
સ્કંધ -૧ ને અધિકારલીલા,૨ ને જ્ઞાનલીલા,૩ ને સર્ગ લીલા,૪ ને વિસર્ગલીલા અને સ્કંધ ૫ ને સ્થિતિલીલા પણ કહે છે.સ્થિતિ-એટલે પ્રભુનો વિજય.સર્વ સચરાચર પ્રભુની મર્યાદામાં છે.
પાંચમો સ્કંધ એ ભાગવતનું બ્રાહ્મણ એટલે કે ભાષ્ય છે.વ્યાખ્યા રૂપે છે.બીજા સ્કંધમાં ગુરુ એ જ્ઞાન આપ્યું. તે જ્ઞાન જીવનમાં કેમ ઉતારવું-તે ત્રીજાને  ચોથા સ્કંધમાં સર્ગ-વિસર્ગ લીલામાં બતાવ્યું.હવે પ્રશ્ન એ છે કે-જ્ઞાનને સ્થિર કેવી રીતે કરવું ?

અત્યાર સુધીમાં મનુમહારાજ અને શતરૂપાના સંતાનોમાં –બે પુત્રમાંથી એક ઉત્તાનપાદની વાત આવી ગઈ
હવે –બીજા પુત્ર પ્રિયવ્રતની કથા આ સ્કંધમાં છે.વક્તા અધિકારી હોય અને શ્રોતા ધ્યાન દઈને-સાવધાન થઇ ને કથા સાંભળે તો ધીરે ધીરે સંસારના વિષયોમાં અરુચિ જાગે અને પરમાત્મા પ્રત્યે રુચિ જાગે.પરમાત્મા પ્રત્યે પ્રેમ ભાવ જાગે તો સાત દિવસમાં મુક્તિ આપનારી આ કથા છે.

ભાગવતની કથા સાંભળ્યા પછી મુક્તિ ન મળે તો માનવું કે –પૂર્વચિત્તી- અપ્સરા મારા મનમાં બેઠી છે.
પૂર્વચિત્તી-અપ્સરાની કથા આ સ્કંધમાં આવશે.
પૂર્વચિત્તી =પૂર્વજન્મમાં જે વિષયો ભોગવેલા તે ચિત્તમાં રહેલા હોય છે.એ જ આ અપ્સરાનું સ્વરૂપ છે.
વાસના –જીવ અને ઈશ્વરનું મિલન થતાં અટકાવે છે.

મનુષ્ય સુખ-દુઃખ ભોગવી પ્રારબ્ધનો નાશ કરે પણ નવું-પ્રારબ્ધ –ના ઉભું કરે.
સંસર્ગ-દોષમાં આવી-પાપ કરી-મનુષ્ય આ જન્મમાં બીજા જન્મની તૈયારી કરે છે.તેથી જ્ઞાનીઓ સંસર્ગ દોષથી દૂર રહે છે.

ભાગવતમાં જ્ઞાની પરમહંસ અને ભાગવત (ભક્ત) પરમહંસ –એમ બે પ્રકારના પરમહંસનું વર્ણન છે.
જ્ઞાની પરમહંસ ઋષભદેવ છે અને ભાગવત (ભક્ત) પરમહંસ ભરતજી છે.
પરમહંસ શબ્દ હંસ પરથી આવ્યો છે.હંસ ની વિશેષતા એ છે કે-તેની આગળ દૂધ અને પાણીનું મિશ્રણ મુકવામાં આવે તો તે –બંને જુદા કરી માત્ર દૂધ પી જાય છે.

જરા વિચાર કરો-જગત એ જડ-ચેતનનું મિશ્રણ છે. (જીવ-આત્મા ચેતન છે અને શરીર જડ છે)
જ્ઞાની પરમહંસ જડને છોડી ને ચેતનને સ્વીકારે છે. આત્માને શરીર થી છુટો પડે છે.
સંસારના વિષયો સાર વગરના છે-પરમાત્મા એક જ સારરૂપ છે-અને એવા પરમાત્મા માટે સર્વસ્વનો ત્યાગ કરે છે-એવા ક્ષીર-નીર વિવેક ,નિત્ય-અનિત્ય વિવેક –કરનારા જ્ઞાની પરમહંસ છે.

જ્ઞાની પરમહંસો ‘સ્વ-ઇચ્છા’ થી જીવતા નથી.તે “અનિચ્છા” થી પ્રારબ્ધથી જીવે છે. જગતને અસત્ય માને છે. ત્યારે ભાગવત પરમહંસો –‘ભગવદઈચ્છા’-થી પ્રારબ્ધથી જીવે છે. જગતને સત્ય ‘મારા વાસુદેવમય’ માને છે.
શબ્દમાં થોડો ભેદ છે.પણ તત્વથી ભેદ નથી.શંકરાચાર્યે વેદાંતમાં જગતને મિથ્યા માન્યું છે. 
વેદાંતનો વિવર્તવાદ છે. (દૂધનું દહીં થાય છે-પણ દહીં એ દૂધ નથી.)

શંકરાચાર્ય પછીના આચાર્યો-જગતને સત્ય માને છે-જગત બ્રહ્મરૂપ છે-ઈશ્વરમાંથી –પરિણામ રૂપ છે.તેથી તે સત્ય છે.ભાગવતો (ભક્તો) કહે છે-જગત (દહીંની જેમ નહિ) પણ સોનાની લગડીનો દાગીનો બનાવ્યો હોય તેવું છે.સોનાની લગડી હતી ત્યારે પણ સોનું અને દાગીનો બન્યો ત્યારે પણ સોનું. બંનેમાં કોઈ ભેદ નથી.
તેમ જગતએ બ્રહ્મ નું પરિણામ છે-તેથી જગત એ સત્ય છે.જગતનું સર્વ પરમાત્મામય છે. પ્રત્યેક પદાર્થને પ્રેમ કરો.જ્ઞાની પરમહંસ અને ભાગવત પરમહંસ –બંનેનું લક્ષ્ય એક જ છે-પરમાત્મા-પણ સાધન જુદાં છે.


ખંડન-મંડનની ભાંજગડમાં પડવા જેવું નથી. તેથી રાગ-દ્વેષ ઉભા થાય છે. બંને સત્ય છે કારણ બંને નું લક્ષ્ય એક છે-પરમાત્મા.જ્ઞાની પરમહંસ –ઋષભદેવ જ્ઞાનથી ઉપદેશ આપે છે-જયારે ભાગવત પરમહંસ –ભરતજી ક્રિયાથી ઉપદેશ આપે છે.ભાગવત-પરમહંસ-ભરતજી સર્વમાં ઈશ્વર નો ભાવ રાખી સર્વની સેવા કરશે. જયારે 
જ્ઞાની -પરમહંસ-ઋષભદેવજીને દેહાધ્યાસ જ નથી,
જ્ઞાનનો આદર્શ બતાવવા માટે- ઋષભાવતાર-ની કથા પ્રથમ આવશે.પછી-ભરતજીની કથા.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE