More Labels

Jan 1, 2012

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-૫

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત 
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE
અધ્યાય-૨ -૪
અર્જુન પોતાની જાતે ગમે તેવી અશાંતિ ઉભી કરે - 
પણ આપણા સફળ મનોવૈજ્ઞાનિક શ્રીકૃષ્ણ પણ પાછા પડે તેવા ક્યાં છે ?

અર્જુન ની “બુદ્ધિ” પર “અજ્ઞાન” નો  અંધકાર છવાઈ જવાથી
તે પોતાનું જે કર્મ કરવાનું (યુદ્ધ) છે તે ભૂલ્યો છે.

એટલે શ્રીકૃષ્ણ સહુ પ્રથમ તો તેના અજ્ઞાન ને દૂર કરવા સાચું જ્ઞાન  (જ્ઞાનયોગ) સમજાવે છે.
અને આ સાચું જ્ઞાન (આત્મ-જ્ઞાન) આપી ને તેને તેનો ક્ષત્રિય ધર્મ  (સ્વ-ધર્મ) અને
તેનું સાચું કર્મ (કર્મયોગ) સમજાવે છે.  કે જેથી તેની બુદ્ધિ સ્થિર (સ્થિતપ્રજ્ઞ) થાય.

એટલે જ આ બીજા અધ્યાય માં જ્ઞાનયોગ અને કર્મયોગ ની વાત છે.

પણ ટેઢા અર્જુન ની “અહંકાર” થી ભરેલી “બુદ્ધિ “ એમ જલ્દી ક્યાં ઠેકાણે આવે તેવી હતી ?
શ્રદ્ધા -વિશ્વાસ ક્યાં હતો કૃષ્ણ માં ?
એટલે કૃષ્ણાજી -જરા ચમત્કાર બતાવી વિશ્વરૂપદર્શન કરાવી-ભક્તિયોગ સમજાવે છે.
શ્રદ્ધા પેદા કરાવી-“સર્વ ધર્મ છોડી માત્ર એક મારે શરણે આવ” કહી ને શરણે આવવાનું કહે છે.(૧૮-૬૬)
આ શ્લોક  ગીતાની “શક્તિ” છે.
શરણાગતિ સ્વીકારવાથી –અહમ નો વિનાશ થાય –અને શક્તિ  (બુદ્ધિ)  પાછી આવે છે.

ભક્તિયોગ ની વાત પછી આગળના અધ્યાય માં આવશે.

એટલે આમ જોઈએ તો- ગીતા માં ત્રણ જુદા જુદા રસ્તાઓ (માર્ગો) બતાવ્યા છે.
જ્ઞાનીઓ માટે જ્ઞાનયોગ, યોગીઓ માટે કર્મયોગ અને ભક્તો માટે ભક્તિયોગ.
અધ્યાત્મમાર્ગે આગળ જવા માં શરૂઆત માં કોઈ પણ એક માર્ગ ની પોતાની પ્રકૃતિ અનુસાર કરી શકાય.
છેવટે તો બધા માર્ગો આગળ જઈ એક થાય છે.

બીજો અધ્યાય તે સાંખ્યયોગ કે જેને જ્ઞાનયોગ પણ કહે છે.

અર્જુન ને યુદ્ધમાં મોહ ને લીધે શોક થયો છે,દુઃખી થયો છે-
આ વાત સમજાવી હવે યુદ્ધ ની વાત બાજુએ જતી રહે છે. પ્રસ્તાવના નો અંત થઇ જાય છે.

અને ગીતાના તત્વજ્ઞાન ની શરૂઆત થાય છે. જેના વિષે વિચારવાનું છે-તે વિચારવાનું –સમજવાનું
ચાલુ થાય છે. અને આ જ્ઞાન ના વક્તા માત્ર શ્રીકૃષ્ણ જ છે. અર્જુન સફળ શ્રોતા છે.
આપણે પણ અર્જુન જેવા શ્રોતા થવાનું છે. તો જ ગીતા ના અધિકારી થવાય.ગીતા સમજાય.
ગીતા માં વચ્ચે વચ્ચે –ક્યાંક ક્યાંક –અર્જુન શંકાઓ કરે છે-અને તેનું શ્રીકૃષ્ણ સમાધાન કરે છે.

હવે કૃષ્ણ અર્જુન ને સમજાવવા માગે છે કે-
તું જે જુએ છે-તે શરીરો ને જુએ છે. શરીર એ આત્મા નથી.
શરીર બને છે-અને-મરે છે-આત્મા બનતો નથી કે મરતો નથી.
આ સર્વ લોકોના શરીરો અહીં જે બધા ભેગા થયા છે-તે બધા કંઈ નિત્ય માટે રહેવાના નથી -તેમના
શરીરો ને ક્યારેક ને ક્યારેક તો મૃત્યુ આવવાનું જ છે. અને ફરી શરીરો પેદા પણ થવાના જ છે.
તું કે હું અહીં પૃથ્વી પર ક્યારેય નહોતા જન્મ્યા કે ક્યારેય નહિ જન્મીશું એવું ય નથી.

આ શરીરોની ઉત્પત્તિ અને વિનાશ એ બંને સાચા નથી પણ માયા ના યોગ થી સત્ય દેખાય છે.
શરીર માં રહેલ આત્મા અવિનાશી છે.તેની ઉત્પત્તિ કે વિનાશ નથી........... (૧૨)

આ વાત સમજવા એક ઉદાહરણ જોઈએ.
નાની તલાવડી માં પાણી સ્થિર છે. પણ પવન ની લહેરી આવતાં-તેમાં તરંગ ઉત્પન્ન થાય છે.ત્યારે
કોને ઉત્પન્ન થવું માનવું ? તરંગ ની ઉત્પત્તિ થઇ- પણ તે પવન ના યોગથી થઇ –પણ તરંગ એ પાણી જ છે.
હવે જયારે પવન બંધ થાય ત્યારે પાણી સ્થિર થાય છે –તરંગ નો નાશ થાય છે-તો કોનો નાશ માનવો ?
તરંગ પાણી માં મળી જાય છે.
આમ પાણી માં તરંગ ની ઉત્પત્તિ અને તરંગ નો નાશ –એ પવન ના યોગ થી થાય છે.
પાણી તો એમનું એમ જ રહે છે.

એવી જ રીતે પાણી ની જેમ આત્મા એનો એ જ રહે છે- માયાના યોગ થી શરીર બને છે અને મરે છે.


જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE