Jan 21, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૦-અધ્યાય-૩-કર્મયોગ

અધ્યાય-૩-કર્મયોગ 
અર્જુન,શ્રીકૃષ્ણ ને પ્રશ્ન કરે છે-
આપ સર્વે કર્મો (નો નિષેધ કરો છો) કરવાની ના પાડો છો, તો પછી મારા હાથે શા માટે યુદ્ધનું હિંસક કર્મ કેમ કરાવો છો ? આપ પોતે જ કર્મમાર્ગને આટલું બધું મહત્વ આપી (માન આપી) શા માટે -મારા હાથે આવી ભયંકર  હિંસા કરાવો છો ? તેનો આપ પોતે જ –તો-કાંઇક વિચાર કરી જુઓ. ..(૧)

તમે જાણે કંઈક ગૂંચવણભર્યું –બેવડું બોલી ને મને વધુ ગૂંચવી રહ્યા છો.
તમારો આ ઉપદેશ મને તો –અંધ મનુષ્ય ને આડા માર્ગ માં ચઢાવી  દેવા જેવો –કે
મર્કટ (માંકડા) ને દારૂ પાવા જેવો-- ફળ્યો હોય તેવો લાગે છે.

એક તો હું મૂળથી જ અજ્ઞાની અને તેમાં વળી મને મોહ થયો.એના ઉપર તમારી આશ્ચર્ય જેવી લગતી વાત,
મને તો તમારા ઉપદેશમાં ચારે તરફ ગોટાળો જ દેખાય છે.
મારું મન સ્થિર થવાને બદલે –જે થોડું સ્થિર મન હતું તે પણ અસ્થિર થયું છે.

મારા જેવો પામર (મંદબુદ્ધિ) મનુષ્ય –તમારી લીલા સમજી શકે –જાણી શકે તેમ નથી.
આ ઉપદેશના બહાને-તમે શું મારો મનોભાવ જાણવા માગો છો કે શું ?

તમે જે ગૂઢ અર્થ (ગૂઢાર્થ) સહિત –બ્રહ્મ-સ્વરૂપ,આત્મ-સ્વ-રૂપ –વગેરે જે સમજાવો છો,
તેની,મને સમજ (ખબર)પડતી નથી. મહેરબાની કરી આવા ગૂઢ અર્થ (ગૂઢાર્થ)ની વાતો ન કહેતાં –
એક ગામડિયાને પણ સમજ પડે તે રીતે –સ્પષ્ટ ભાષામાં મને કહો. કે જેથી મને સમજાય.
હું અતિશય મંદ બુદ્ધિ છું, એટલે જે કોઈ એક નિશ્ચિત વાત હોય તે-જ મને કહો.(૨)

અર્જૂનના આવાં વચન સાંભળી –શ્રીકૃષ્ણને આશ્ચર્ય થયું –અને બોલી ઉઠયા-કે-
મેં તને જે કહ્યું –તેનો ગર્ભિત અર્થ (ગૂઢાર્થ) છે-મારો કહેવાનો જે આશય છે-
તે તારી સમજમાં આવતો નથી તો ખાલી ખોટું-(બીજું નાહકનું.વ્યર્થ)  દુઃખ શા માટે ઉભું કરે છે?

જો હવે તને સીધી સાદી રીતે કહું કે-
આ જગત નો જયારે પ્રારંભ થયો (સર્ગ) –ત્યારે તેના આરંભમાં જ –
આ જગતમાં (લોકમાં) આચરી શકાય તેવા –બે પ્રકારના માર્ગો –મેં બતાવ્યા છે.
(૧) વિચાર કરનારા (તર્ક કરનારા) મનુષ્યો માટે –જ્ઞાનયોગ (સાંખ્યયોગ) અને
(૨) કર્મ કરનારા મનુષ્યો માટે –કર્મયોગ

કર્મ કરવાની -ના –નથી,પણ કર્મના ફળ પર અધિકાર રાખવાની- ના -છે,
દરેક મનુષ્યને કર્મ તો કરવું જ પડે છે-પણ તેં કર્મના  ફળમાં આસક્ત થવાની-ના- છે.
કર્મના ફળ પર એક માત્ર મારો (ઈશ્વરનો ) જ અધિકાર છે-

એટલે આવા ઈશ્વરને અર્પણ કરવાના કર્મમાર્ગનું વર્ણન કરતાં કરતાં –મેં –પ્રસંગને અનુસાર-
જ્ઞાનમાર્ગના મહિમાનું  પણ વર્ણન પણ કર્યું.
આ કહેવામાં –મારૂ જે કારણ હતું તેને તું સમજ્યો જ નથી અને તેથી જ શંકાઓ કરે છે.

જડ શું છે ? અને ચેતન શું છે ? એનો વિચાર કરનારા લોકો- જ્ઞાનયોગ- નું આચરણ કરે છે.
અને જેથી બ્રહ્મ-સ્વ-રૂપ  (આત્મ-સ્વ-રૂપ) ની પ્રતીતિ થઇ –તેમાં તદ્રુપ (એકાકાર) થઇ જાય છે.

બીજા માર્ગને કર્મયોગ કહે છે-જેમાં મુમુક્ષુજનો (મોક્ષ-મુક્તિને ઇચ્છનાર મનુષ્યો) 
નિષ્કામ કર્મનું આચરણ કરી ક્રમે ક્રમે –જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષને પ્રાપ્ત થાય છે.

જે પ્રમાણે-પૂર્વ અને પશ્ચિમ દિશા તરફ વહેતી નદીઓ ભિન્નભિન્ન જણાય છે-પણ
છેવટે તો તે એક જ સમુદ્ર માં મળી જાય છે.
તે પ્રમાણે-આ બંને માર્ગોનું અંતિમ લક્ષ્ય-પરિણામ એક જ હોય છે.

આ બંને માર્ગમાંથી -મનુષ્યની પાત્રતા મુજબ- શરૂઆતમાં –પસંદગી કરી શકાય છે.

--જે જ્ઞાનમાર્ગે  ચાલે છે-એવા જ્ઞાનીઓ –જાણે પક્ષીની જેમ -આકાશમાર્ગે –ઉડીને-
સત્વરે (ઝડપથી) મોક્ષ પ્રાપ્તિ કરી લે છે.
--જયારે જે કર્મમાર્ગે ચાલે છે-તેવા યોગીઓ –જાણે જમીન પરની કીડીની ગતિ એ-ધીરે ધીરે-ચાલીને-
વર્ણાશ્રમ ધર્મ (બ્રહ્મચર્યાશ્રમ,ગૃહસ્થાશ્રમ,વાનપ્રસ્થાશ્રમ,સંન્યાસાશ્રમ) નું આચરણ કરીને –
ક્રમેક્રમે આગળ વધી –મોક્ષને પ્રાપ્ત કરે છે.(૩)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE