Feb 6, 2020

ભાગવત રહસ્ય-૧૮૧

ગૃહસ્થાશ્રમમાં દાન કરવાની આજ્ઞા કરી છે.ગૃહસ્થે બાર મહિનામાં એક માસ એકાંતમાં નારાયણની સાધના કરવી.ગંગાકિનારે કે ઘરમાં લૌકિક વાતો છોડી નારાયણનું ધ્યાન કરવું જોઈએ.ભક્તિ કરવામાં સ્થાન શુદ્ધિની બહુ જરૂર છે.
માર્કંડેય પુરાણમાં એક કથા છે.રામ-લક્ષ્મણ એક જંગલમાંથી જતાં હતા.એક જગ્યાએ લક્ષ્મણજીની બુદ્ધિ બગડી છે.

વિચારે છે-કૈકેયીએ રામને વનવાસ આપેલો છે-મને નહિ.મારે રામની સેવા કરવાની શી જરૂર છે ?
મનમાં રામ-સીતાજી પ્રત્યે કુભાવ આવ્યો છે.રામજી ને ખબર પડી-એટલે લક્ષ્મણને કહ્યું-લક્ષ્મણ,આ જગાની માટી લઇ લે-સરસ લાગે છે. એથી લક્ષ્મણે માટીનું પોટલું બાંધ્યું છે.પછી લક્ષ્મણ જયારે આ માટી દૂર મૂકે ત્યારે તેમને રામ-સીતામાં ઈશ્વરના દર્શન થાય છે. પણ જેવી પોટલી ઉંચકે-એટલે કુભાવ આવે છે.લક્ષ્મણને આશ્ચર્ય થયું. આમ કેમ થાય છે ? તેમણે રામજીને આનું કારણ પૂછ્યું.

રામજી એ કહ્યું-લક્ષ્મણ આમાં તારો દોષ નથી-આ માટી તેનું કારણ છે.જે ભૂમિમાં જેવાં કામ થાય છે-તેના પરમાણુઓ તે ભૂમિમાં અને તે ભૂમિના વાતાવરણમાં રહે છે.આ માટી જે જગાની છે-તે જગામાં સુંદ-ઉપસુંદ નામના બે રાક્ષસો રહેતા હતા.તેઓએ તપશ્ચર્યા કરી બ્રહ્મા પાસે વરદાન માગ્યું-કે-અમે અમર રહીએ તેવું વરદાન આપો. બ્રહ્મા કહે –“તમારી માગણીમાં કંઈક અપવાદ રાખો. જેને જીવન છે-તેનું મૃત્યુ પણ છે.” 
બંને ભાઈઓ વચ્ચે અતિશય ગાઢ પ્રેમ હતો.તેથી તેઓએ કહ્યું-કે-અમે બે ભાઈઓ જયારે ઝગડીએ –ત્યારે 
અમારું મરણ થાય. સુંદ –ઉપસુંદે વિચારેલું કે-અમે બે ભાઈઓ વચ્ચે કદી ઝગડો થવાનો નથી.એટલે અમે કોઈ દિવસ મરવાના નથી.અમે અમર બન્યા છીએ.

સુદ-ઉપસુંદ દેવોને ત્રાસ આપે છે.દેવો બ્રહ્માને શરણે ગયા.બ્રહ્માએ તિલોત્તમા નામની 
અપ્સરા ઉત્પન્ન કરી અને તેને કહ્યું-તું સુંદ-ઉપસુંદ પાસે જા અને બે ભાઈઓ વચ્ચે ઝગડો કરાવ. 
તિલોત્તમા સુંદ-ઉપસુંદ પાસે આવી છે.તેને માટે બે ભાઈઓ વચ્ચે યુદ્ધ થયું અને બંને મરણ પામ્યા. 
તેથી જ આ માટી પર વેરના સંસ્કાર ઉતરી આવ્યા છે.

ગૃહસ્થ પિતૃ-શ્રાદ્ધ કરે. કામ,ક્રોધ-લોભનો ત્યાગ કરે.
કામ-નું મૂળ સંકલ્પ છે.મનમાં સુખ ભોગવવાનો સંકલ્પ થાય –તો આ સંકલ્પ દુઃખનું કારણ બને છે.
કામનાનો સંકલ્પ પુરો ન થાય તો ક્રોધ આવે છે. માટે કામનાઓનો ત્યાગ કરવાનું કહ્યું છે.
સંસારી લોકો જેને અર્થ (ધન) કહે છે તેને અનર્થ સમજી લોભને જીતવો જોઈએ.
અને તત્વ (આધ્યાત્મ વિદ્યા) ના વિચારથી શોક,મોહ,ભયને જીતવો જોઈએ.

ગ્રહસ્થ પુરુષ સંતનો આશ્રય કરે.સાત્વિક ભોજન,સ્થાન,સત્સંગથી નિદ્રાને જીતે.સત્વગુણ વધે તો નિંદ્રા 
ઓછી થશે.આ શરીર “રજ” માંથી પેદા થયું છે-તેથી તેમાં રજોગુણ વધારે છે. અને રજોગુણથી શરીર ટકે છે.
શુદ્ધ સત્વગુણ બહુ વધે તો મનુષ્યનો દેહ પડી જાય છે.
(જ્ઞાનેશ્વરે ૧૬ વર્ષે અને શંકરાચાર્યે ૩૨ વર્ષે પ્રયાણ કરેલું છે.)

શરીરમાં તમોગુણ વધે-એટલે નિંદ્રા વધે.સત્વગુણ વધે-એટલે નિંદ્રા ઓછી થાય.
સત્વગુણ વધે એટલે પ્રભુના મિલન માટે આતુરતા વધે.
ગૃહસ્થ રોજ થોડો સમય ભગવાનનું ધ્યાન કરે.ધ્યાન કરવાથી પ્રભુની શક્તિ ધ્યાન કરનારમાં આવે છે.
આ શરીર રૂપી રથ જ્યાં સુધી પોતાને વશ છે –અને ઇન્દ્રિયો વગેરે બરાબર સશક્ત છે-ત્યાં સુધીમાં તીક્ષ્ણ જ્ઞાનરૂપી તલવાર લઇ કેવળ ભગવાનનું બળ રાખીને,રાગદ્વેષાદિ શત્રુઓને જીતવા અને શાંત થઇ 
સ્વ-આનંદ રૂપી-સ્વ-રાજ્યથી સંતુષ્ટ થવું જોઈએ.તે પછી શરીર રૂપી રથને પણ છોડી દેવો.

ગૃહસ્થ 'હું કમાઉં છું' એવું અભિમાન ન રાખે. દ્રવ્ય મારું જ છે તેવું અભિમાન ન રાખે. દ્રવ્ય સર્વનું છે.
કોણ જાણે છે કે કોના પુણ્યથી ઘરમાં દ્રવ્ય આવે છે? ગૃહસ્થે ધર્મથી દ્રવ્ય કમાવું.
પતિ-પત્ની સત્સંગ કરે. એકાંતમાં બેસી હરિકીર્તન કરે.કિર્તનથી કલિના દોષોનો વિનાશ થાય છે.

નારદજી –ધર્મરાજાને કહે છે-અનેક ગૃહસ્થો સત્સંગ અને હરિકીર્તનથી તરી ગયા છે.રાજા, તમે તો નસીબદાર છો-કે-મોટા મોટા ઋષિઓ જે ઈશ્વરને જોવા ઝંખે છે-તે તમારા ઘરમાં રહે છે.તમારા સંબંધી છે.
સમાપ્તિમાં ધર્મરાજાએ નારદજીની પૂજા કરી છે.

સ્કંધ-૭ –સમાપ્ત
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE