Jan 25, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૩

પ્રાણીમાત્ર ઉત્પત્તિ અને પોષણ અન્નમાંથી થાય છે,અન્નની ઉત્પત્તિ અને પોષણ વરસાદથી થાય છે.વરસાદની ઉત્પત્તિ યજ્ઞથી થાય છે, યજ્ઞની ઉત્પત્તિ કર્મમાંથી થાય છે.કર્મની ઉત્પત્તિ વેદમાંથી (વેદ રૂપી બ્રહ્મ માંથી) થાય છે.અને વેદની ઉત્પત્તિ પરમાત્મા માંથી થાય છે.એટલે કે વેદોમાં 
જે સ્વ-ધર્મ રૂપી “કર્મ” બતાવ્યું છે, તે “કર્મ” માં પરમાત્માનો વાસ છે.(૧૪-૧૫) 
ઉપર બતાવ્યું –તે પ્રમાણે જગતનું (સૃષ્ટિનું) એક “ચક્ર” ચાલ્યે જાય છે.

જયારે પરમાત્મા એ જગતનું નિર્માણ કર્યું – ત્યારે પ્રાણીમાત્ર-સ્વછંદે-ચઢી ના જાય અને જગતનું નિયમન
સારી રીતે જળવાઈ રહે, તે માટે કાયદાઓ -દરેક પ્રાણીઓના જુદા જુદા સ્વ-ધર્મો –વેદમાં બતાવ્યા.

જેવી રીતે મનુષ્ય ,વાહનોને ચાલવા માટે સડક (રોડ) બનાવે છે,તો જોડે માણસોને ચાલવા માટે
નાની સડક (ફૂટપાથ) બનાવે છે. અને પછી કાયદો –નિયમ બનાવે છે-કે-જેને ચાલવું હોય તેને માત્ર
ફૂટપાથ પર જ ચાલવું. હવે,જો ચાલતો માણસ ફૂટપાથ પર ચાલવાને બદલે સડક પર આવી જાય તો –
(નિયમનું ઉલ્લંઘન કરે તો) ગમે તે વાહન તેને હડફેટે લઇ લેશે.(તેવી રીતે આ સ્વધર્મોના નિયમનું પણ છે)

મનુષ્ય ને જયારે જીવન મળ્યું છે-શરીર મળ્યું છે-ત્યારે-
શરીરની સાથે જ (સ્વધર્મ રૂપી) “કર્તવ્ય કર્મ”  પ્રાપ્ત થઇને જ આવ્યા છે.  
જુદી જુદી પ્રકૃતિના મનુષ્યો માટે જુદા જુદા સ્વ-ધર્મો (નિયમો-કાયદાઓ) –કે જે પ્રભુએ બનાવ્યા છે,
તેનું આચરણ –કરી ને મનુષ્ય,સુખ-શાંતિ-આનંદ પામી શકે છે.
પણ જો મનુષ્ય –સ્વ-ધર્મ રૂપી કર્મો ને છોડીને માત્ર ઇન્દ્રિયો (જીભ-વગેરે) ના વિષયો (સ્વાદ-વગેરે)
ને તૃપ્ત કરવામાં જ જીવન ગાળે છે, તેનું જીવન વ્યર્થ (નકામું) છે.(૧૬)

અહીં વાત છે-કર્તવ્ય કર્મોની.
શરીર મળ્યું છે-તો શરીરનું પોષણ કરવા માટે –ભોજનની તો જરૂર પડે જ છે.અને
શરીર ને ભોજન આપવું તે-કર્તવ્ય કર્મ છે.
નાનાં બાળકે ભણવા માટે સ્કુલમાં જવું જ પડે.બાળકનું ભણવા જવાનું-તે કર્તવ્ય-કર્મ છે.
પેટના પોષણ માટે કમાવા જવું.-તે કર્તવ્ય કર્મ છે..વગેરે વગેરે..
શરીરના પોષણ માટે તેણે ભોજન આપવું જોઈએ,તેનો વાંધો નથી, પણ
જયારે મનુષ્ય, લૂલી (જીભ-ઇન્દ્રિય) ના રવાડે ચડી અને માત્ર ભોજનમાં (શ્રીખંડ-ભજીયાં) માં જ
મસ્ત રહે (એવું જ રીતે બીજી ઇન્દ્રિયોનું વિચારવાનું) તો પછી તે –
વિષયો (ભોજન-વગેરે) માં આશક્ત (અવિવેકી) થઇ જાય છે.અને –પછી-
પ્રભુ એ જે જીવન આપ્યું છે-તે જીવનનો ઉદ્દેશ ભૂલી જાય છે.
પછી તેને સુખ-શાંતિ-આનંદ-પરમાનંદની પ્રાપ્તિ થવી દુર્લભ છે.

કવિ પિંગળે કહ્યું છે-
વિચાર્યું, ના- લઘુ વયમાં, પછી કાશી ગયાથી શું ?   (લઘુ વયમાં=નાની ઉમરમાં, કાશી=વિદ્યા માટે)
મળી દુનિયામાં બદનામી –પછી નાસી ગયાથી શું ?
સુકાણાં મોલ સૃષ્ટિનાં પછી –વૃષ્ટિ થયા થી શું ?   (મોલ=ખેતર નો પાક--વૃષ્ટિ=વરસાદ)
ના ખાધું કે ખવડાવ્યું-દુઃખી થઇ ને રળ્યાથી શું ?
કવિ પિંગળ કહે પૈસો મૂવા વખતે મળ્યાથી શું ?

પ્રભુએ આપેલા જીવનનો ઉદ્દેશ (મનુષ્ય જન્મ) આત્મ સ્વ-રૂપની પહેચાન કરવાનો-કે-
પ્રભુને પ્રાપ્ત કરવા માટે છે.
પ્રભુ એ કૃપા કરી માત્ર માનવને જ એક એવી શક્તિ (બુદ્ધિ) આપી છે કે
જો માનવ આ બુદ્ધિ નો સદુપયોગ કરી,વિવેકથી (સંયમથી),
નિષ્કામ બુદ્ધિથી સ્વ-ધર્મનું આચરણ કરી,પવિત્ર જીવન ગાળે તો
મરતાં પહેલા તેને જરૂર પરમાત્મા ના દર્શન થાય.આત્મ સ્વરૂપ ની સાચી ઓળખાણ થાય .

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE