Jan 26, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૪

જયારે,પુરુષ આત્મ-તત્વને ખોળી કાઢે છે,ત્યારે,તે આત્મ-સ્વ-રૂપમાં નિમગ્ન (એકાકાર) થઇ જાય છે,આત્મ-સુખથી તૃપ્ત થઈ જાય છે.પરમાનંદની એ મસ્તીમાં તે આત્માના જ બોધ વડે સંતુષ્ટ થઇ જાય છે-ત્યારે તેના માટે કોઈ કર્મો બાકી રહેતા નથી.પરમાત્માની ખોજ ખતમ થાય છે. તેમ છતાં-તે શારીરિક કર્મો કરે છે- પણ કર્મથી લિપ્ત (કર્મો જોડે જોડાતો) થતો નથી.(આસક્ત થતો નથી) આ જગતમાં તે કર્મ કરે કે ના કરે –તેને કોઈ લાભ કે હાનિ થતી નથી.તેને કોઈ સ્વાર્થ સિદ્ધ કરવાનો હોતો નથી.કોઈ વસ્તુ મળે તો પણ આનંદ અને ન મળે તો પણ આનંદ.(૧૭-૧૮)

આવા મહાત્માઓ મળવા મુશ્કેલ હોય છે. અને આત્મતત્વ પ્રાપ્ત કરવું તે પણ સહેલું તો નથી જ.
અને સહેલું છે પણ ખરું.

ફળ ઉપર અધિકાર રાખ્યા સિવાય ,કે ફળની ઈચ્છા કર્યા સિવાય,(નિષ્કામ થઈને)
પોતાના સ્વ-ધર્મ નું નિષ્કામ બુદ્ધિ થી પાલન કરીને, અનાસક્ત થઈને,સતત આત્મ દૃષ્ટિ રાખીને,
આત્મતત્વ પામી શકાય છે (મુક્તિ પામી શકાય છે)..(૧૯)

રાજા જનક વિદેહી (દેહમાં-શરીરમાં –હોવાં છતાં દેહથી અલગ-મુક્ત) કહેવાતા હતા.
જનકરાજા એ રાજ્ય-કર્મ ,સંસાર-કર્મ-વગેરે કોઈ પણ કર્મ નો લેશ માત્ર ત્યાગ કર્યો નહોતો. તેમ છતાં,
તે મહાન જ્ઞાની,જનકરાજા,સ્વ-ધર્મ રૂપી કર્મો કરતાં કરતાં જ વિદેહી –મુક્ત થયા હતા.(૨૦)

જનકરાજાની વાત એવી છે-કે –એક વખત તેમને કોઈએ પ્રશ્ન કર્યો કે-
તમે આ રાજ્ય ની ખટ-પટ, આવા મોટા મહેલ,મહેલ નું ઐશ્વર્ય,રાણીઓ,દાસીઓ-
આ બધા વચ્ચે રહેવા છતાં.વિદેહી (દેહથી અલગ) અવસ્થામાં  કેવી રીતે રહી શકો છો ?

ત્યારે જનક રાજાએ જવાબ ના આપતાં એક સૈનિક ને બોલાવ્યો.
તેના હાથ માં તેલથી છેક કાંઠા સુધી ભરેલ કોડીઆમાં દીવો આપ્યો અને કહ્યું કે-
તું આખા રાજ્યનું ચક્કર મારીને અહીં પાછો આવ.
પણ આ દીવામાંથી એક ટીપું પણ તેલ નીચે પડવું ન જોઈએ અને દીવો બુઝાવો ના જોઈએ.
જો આમ થયું તો તારી સાથે બીજો સૈનિક મોકલું છું તે તારું માથું ત્યાં ના ત્યાં કાપી નાખશે.  

સૈનિક રાજ્ય નું ચક્કર મારી ને પરત આવ્યો. રાજાએ તેને પૂછ્યું-કે-
નગરશેઠની દુકાને નગરશેઠ બેઠા હતા કે નહોતા બેઠા ?
સૈનિકે જવાબ આપ્યો કે- રાજાજી મને માફ કરજો,પણ મારું ધ્યાન,મોતની બીકે સતત દીવા તરફ જ હતું.

જનકરાજાએ હવે તેમની વિદેહી અવસ્થાનું રહસ્ય આ ઉદાહરણ થી સમજાવતા કહ્યું કે-
હું સંસારના કર્મો કરું છું, પણ મારી દૃષ્ટિ-ધ્યાન હું સતત અંદર (આત્મ-તત્વ તરફ) જ રાખું છું.

આ સંસારમાં શ્રેષ્ઠ પુરુષો જે  આચરણ કરે છે (જે કર્મો કરે છે) .
તેને જ બીજા લોકો ધર્મ સમજીને (કે પછી દેખાદેખીથી) તે જ પ્રમાણે આચરણ (કર્મો) કરે છે.
આ વાત બહુ સહજ છે,જેથી, શ્રેષ્ઠ પુરુષોથી કર્મનો ત્યાગ કરી શકતો નથી.
વળી સંતોએ તો  વિશેષતાથી કર્મનું આચરણ કરવું પડે છે.(૨૧)

જેમ,આંધળાની હાર ને દોરનારો,સહુથી આગળ નો દેખતો માણસ,જ્યાં ચાલે છે-ત્યાં જ
પાછળના બધા આંધળાઓની હાર ચાલે છે.
તે પ્રમાણે જ્ઞાનીઓએ પોતે સ્વ-ધર્માચરણ રૂપી કર્મો કરી,
અજ્ઞાનીઓને સ્વ-ધર્મ રૂપી કર્મનો માર્ગ બતાવવો પડે છે.    

શ્રીકૃષ્ણ કહે છે,હે અર્જુન,બીજાની વાત છોડ,હું મારી પોતાની જ વાત કરું.
નથી,મારા પોતાના ઉપર કોઈ દુઃખ આવી પડ્યું,
નથી આ દુનિયામાં મને કોઈ અપેક્ષા (ઈચ્છા),નથી મારે કંઈ કરવાનું,કે 
નથી મને કોઈ મારી પાસે ન હોય તેવી વસ્તુની પ્રાપ્ત કરવાની ઈચ્છા,
છતાં હું પોતે કર્મ-માર્ગ પર ચાલ્યા કરું છું.(કર્મ કર્યા કરું છું)

તને કદાચ એવું થતું હોય કે શંકા હોય કે મારા માથે કોઈ દુઃખ આવી પડ્યું છે કે મને કોઈ અપેક્ષા છે-
જેના લીધે હું કર્મો કરું છું તો તે વાત ખોટી છે.

તને ખબર જ છે-કે-મારા જેટલા ગુણ અને ઐશ્વર્યથી સંપન્ન ,આ જગતમાં બીજો કોઈ નથી.
સાંદીપનિ ગુરુના મરેલા પુત્રને હું પાછો લઇ આવેલો-એ પરાક્રમ તો તું જાણે જ છે.
મરેલાને પાછો લાવવાની એ કંઈ મારી ઈચ્છા નહોતી, પણ ગુરુની ઈચ્છા હતી.
હું પોતે તો હંમેશા ઈચ્છા વગરનો છું, તેમ છતાં મૂંગે મોઢે કર્મ કર્યે જ જાઉં છું.(૨૨)

સાંદીપનિ ઋષિના ત્યાં શ્રીકૃષ્ણ વિદ્યાભ્યાસ કરવા માટે ગયા હતા.તેમની કથા એવી છે કે.....

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE