More Labels

Jan 27, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૫

શ્રીકૃષ્ણ જનોઈના સંસ્કાર પછી,વિદ્યાભ્યાસ માટે સાંદીપનિ નામના બ્રાહ્મણને 
ત્યાં  રહ્યા હતા.વિદ્યાભ્યાસ પત્યા પછી, ગુરુદક્ષિણા માગી લેવાની ગુરુને પ્રાર્થના કરી 
ત્યારે –ગુરુએ કહ્યું કે-“પ્રભાસ ક્ષેત્રમાં ડૂબી ગયેલા મારા પુત્રને પાછો લાવી આપો.” 
તે પછી,શ્રીકૃષ્ણ પ્રભાસ ગયા 
અને ત્યાં સમુદ્ર પાસે –ગુરુપુત્રની માગણી કરી.સમુદ્રે કહ્યું-કે મેં તેને ડુબાડ્યો નથી 
પણ મારા પાણીમાં શંખનું સ્વરૂપ લઇ રહેતા અસુરથી તે હણાયો છે.

શ્રીકૃષ્ણે સમુદ્રમાં પ્રવેશ કરી અને અસુરનો વધ કરી તેના પેટને ચીરીને જોયું પણ ત્યાં ગુરુપુત્ર દેખાણો નહિ.
પણ તે અસુરના દેહ માંથી સિદ્ધ કરેલો પાંચજન્ય શંખ લઇને સમુદ્ર ની બહાર આવી અને તે ગુરુપુત્રને ખોળતા-
યમપૂરી પહોંચ્યા.યમરાજાએ તેમનું સ્વાગત કર્યું. અને તેમની આજ્ઞા પૂછી.
શ્રીકૃષ્ણ કહે છે-કે-તારા દૂતો સાંદીપનિ ગુરુના પુત્રને અહીં લાવ્યા છે-તે મને સ્વાધીન કર.(મને આપ)
તેને અહીં લાવવામાં તારી-કે તારા દૂતોની કોઈ ભૂલ થઇ નથી, તે તેના કર્મો અનુસાર જ અહીં આવેલો છે.
પણ અત્યારે તું મારી આજ્ઞાથી તેને મુક્ત કર,તને કોઈ દોષ લાગશે નહિ.
યમે તરત જ ગુરુપુત્રને આપ્યો,જે લઇને શ્રીકૃષ્ણે,પોતાના ગુરુને તેમની ગુરુદક્ષિણા આપી. 

શ્રીકૃષ્ણ,અર્જુન ને કહે છે-કે-લોક કલ્યાણના ઉદ્દેશથી જ હું સ્વધર્માચરણનું પાલન એવી રીતે કરું છું કે-
જાણે –સકામી મનુષ્ય કર્મ ન કરતો હોય !!! પણ -જો હું આળસને ત્યાગીને –કર્મનું આચરણ ન કરું તો-
સર્વ લોકો મારા માર્ગને અનુસરીને ચાલવા માંડશે,અને તેઓ પણ કર્મ કરશે નહિ.(૨૩)

અને જો કર્મો ન થાય તો સૃષ્ટિની જીવન નિર્વાહની વ્યવસ્થા વિખરાઈ જાય અને સર્વ પ્રજા નાશ પામે,
જેનો આરોપ મારા પર આવે,અને પ્રજાનો વિનાશક હું જ કહેવાઉં.(૨૪)

ફળની ઈચ્છા રાખનારા મનુષ્યો જેવી રીતે કર્મનું આચરણ કરે છે-તેવી જ રીતે-
જ્ઞાની-અને વિદ્વાન લોકોએ –લોકોના કલ્યાણ માટે ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મો કરવાં જોઈએ.
શ્રેષ્ઠ લોકોએ,સન્માર્ગે ચાલી,ધર્માચરણમાં લોકોની પ્રવૃત્તિ કરાવવી જોઈએ.( ૨૫)

જેમ,નાનું બાળક કે જે  સ્તનપાન પણ મહાપ્રયત્ને કરી શકતું હોય,તે પકવાન કે મિષ્ટાન્ન કેવી રીતે ખાઈ શકે ?
અને તેને પકવાન કે મિષ્ટાન્ન આપી પણ શકાય નહિ.તે જ પ્રમાણે,
કર્માંચરણ (કર્મનું આચરણ) કરવા માટેના જ જે અધિકારી છે-અથવા તો –
થોડું કર્માંચરણ કર્યું છે- પણ હજુ જેનું ચિત્ત શુદ્ધ થયું નથી, તેવા મનુષ્યને –
નૈષ્કર્મ્ય (સંન્યાસ કર્મ) –જ્ઞાન નિષ્ઠાનો બોધ ગમ્મતમાં પણ કરવો નહિ. પણ –

--તેને તો સત્કર્મ કરવાનો જ બોધ કરવો.
--તેની આગળ સત્કર્મો ની પ્રશંસા કરવી.
--અને તેવા સત્કર્મ કરી પણ બતાવવા.

વર્ણાશ્રમ (બ્રાહ્મણ,વૈશ્ય,ક્ષત્રિય,શુદ્ર) ધર્મના રક્ષણ માટે જ્ઞાનીઓએ કરેલા 
આવા બહારથી સકામી લાગતા-કર્મનું આચરણ કરનારને કર્મબંધન  ભોગવવું પડતું નથી.

જેવી રીતે,બહુરૂપી કે નાટકનો કલાકાર રાજાનો વેશ લે છે- પણ,તેના મનમાં રાજા હોવાની ભાવના,
મુદ્દલેય ય નથી હોતી, પરંતુ,લોકોના મનને બહેલાવવા તે રાજાની જેમ વર્તે છે-તેમ,
સામાન્ય માનવી ને કર્મ કરવા માં અભિરુચિ ઉત્પન્ન કરવા –માટે કરવા માં આવતાં કર્મ –
પણ જો,નિષ્કામ બુદ્ધિથી કરવામાં આવે તો-તે કર્મો-બાધક થતાં નથી.(૨૬)

જો કોઈ મનુષ્ય –કોઈ ગરીબ રોગીની દવા કરાવડાવે.ભૂખ્યા ને ખવડાવે,
કે પછી કોઈ ગરીબ વિદ્યાર્થી ને પુસ્તકો લાવી આપે –તો તે સારું છે.તે સત્કર્મ છે.
પણ આ જ મનુષ્ય જયારે મનમાં એમ સમજે કે- “આ સર્વ કર્મ હું કરું છું”
આવું જે સમજે છે-તેની સમજ સાચી નથી.તેમ છતાં –તે સત્કર્મ તો કરે જ છે ને ?
જો કે-આવા દેહાભિમાની મનુષ્યને –સાચી પરમાર્થ તત્વની સમજ પડવાની નથી.
(સાચું પરમાર્થ તત્વ=હું શરીર નથી-હું આત્મા છું)

એટલે શ્રી કૃષ્ણ કહે છે-આવા અજ્ઞાની,કર્મમાં અને કર્મના ફળોમાં આશક્ત,મંદ બુદ્ધિવાળા,
મનુષ્યોના મનમાં જ્ઞાની મનુષ્યે –પરમાર્થ તત્વનું ભાષણ આપીને –સંશય ઉભા કરવા નહિ,
પણ તેમને સત્કર્મો કરવા દેવા,(કમસે કમ તેનાથી જગતમાં થોડું ભલું કર્મ તો થાય છે) (૨૯)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE