Jan 30, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૮

શ્રીકૃષ્ણ અર્જુનને જવાબ આપતા કહે છે-કે-કામ અને ક્રોધ છે.કે જેની ઉત્પત્તિ પ્રકૃતિના રજોગુણમાંથી થઇ છે.આ બંને મહાપાપી છે,અને તેમની જ પ્રેરણાથી મનુષ્ય પાપાચરણ કરે છે.
માટે આ બંનેને તું “મહાન વેરી” સમજજે.(૩૭) ભાગવતની એક કથા અત્રે યાદ આવે છે.
વ્યાસજી ભાગવતની રચના કરતા હતા ત્યારે તે શ્લોકો રચી પોતાના શિષ્ય જૈમિની ઋષિને
તપાસી જવા માટે આપતા હતા.નવમાં સ્કંધમાં જૈમિનીના વાંચવામાં આ શ્લોક આવ્યો.
બલવાનિન્દ્રિયગ્રામો વિદ્વાંસમપિ કર્ષતિ (ભા-૯-૧૯-૧૭)
(ઇન્દ્રિયો એટલી બળવાન છે-કે ભલભલા વિદ્વાનોને પણ ચળાવી દે છે)

શ્લોક વાંચી જૈમિનીને લાગ્યું-કે આ શ્લોક રચવામાં વ્યાસજીની ભૂલ થયેલી છે.
શું વિદ્વાન માણસોને ઇન્દ્રિયો વિચલિત કરી શકે ? મને ક્યાં ઇન્દ્રિયો વિચલિત કરી શકે છે ?

અહીં ખરેખર કર્ષતિ ને બદલે નાપકર્ષતિ (ચળાવી દે છે-ને બદલે નથી ચળાવી શકતી)
એમ હોવું જોઈએ.એટલે સીધા વ્યાસજી પાસે પહોંચી ગયા-પોતાને શ્લોકમાં લાગતી ભૂલની વાત કરી.
જૈમિનીની વાત સાંભળી વ્યાસજીએ કહ્યું કે જે લખાણું છે તે બરાબર જ છે. તેમાં ભૂલ નથી.

એક દિવસ એવું બન્યું કે જૈમિની સંધ્યા કરી-સંધ્યાનું જળ આશ્રમ બહાર નાખવા આવ્યા.
ત્યાં તેમણે એક સુંદર યુવતી ને ઝાડ નીચે વરસાદ માં ભીંજાતી ઉભેલી જોઈ.
યુવતીનું રૂપ જોઈ જૈમિની પ્રલોભનમાં પડ્યા.
જૈમિનીએ તે સ્ત્રીને કહ્યું વરસાદમાં પલળવા કરતા ઝૂંપડીમાં અંદર આવો.આ ઝૂંપડી તમારી જ છે.

સ્ત્રીએ કહ્યું-પુરુષો લુચ્ચા હોય છે, તેમનો ભરોસો કેમ રખાય ?
જૈમીનીએ કહ્યું-અરે મૂર્ખ, હું પૂર્વમીમાંસાનો આચાર્ય જૈમિનીઋષિ. મારો ભરોસો નહિ ?
મારા જેવા તપસ્વી જ્ઞાની નો ભરોસો નહિ કરો તો કોનો ભરોસો કરશો ?
અંદર આશ્રમમાં આવી વિરામ કરો.

સુંદર સ્ત્રી અંદર આશ્રમમાં આવી અને જૈમિનીએ તેને બદલવા કપડા આપ્યાં.
વાતોમાં જૈમિનીનું મન વધારે લલચાયું. તેમણે સ્ત્રીને પૂછ્યું કે-તમારાં લગ્ન થયેલાં છે ?
સ્ત્રીએ ના પાડી. એટલે જૈમિનીએ તેની સાથે પરણવાની ઈચ્છા બતાવી.

યુવતીએ કહ્યું-કે મારા પિતાએ પ્રતિજ્ઞા લીધી છે-કે-જે કોઈ પુરુષ મારો ઘોડો બને અને તેં પર હું સવાર થાઉંઅને તે મને અંબાજી માતાના મંદિરે દર્શન કરવાં લઇ જાય તેની સાથે તે મને પરણાવશે.
અને મારા બાપુજીને મેં વચન આપેલું છે-કે-મોઢું કાળું કરીને જમાઈને હું લઇ આવીશ.

જૈમિનીએ વિચાર્યું-ભલે મોઢું કાળું થાય પણ આ તો મળશે ને ?
જૈમિનીએ મોઢું કાળું કર્યું !! અને ઘોડો બન્યા-યુવતી તેમના ઉપર સવાર થઇ.

આ પ્રમાણે - વરઘોડો અંબાજી માતાના મંદિર પાસે આવ્યો. મંદિરના ઓટલે વ્યાસજી બેઠા હતા.
આ દૃશ્ય જોઈ-વ્યાસજીએ જૈમિની ને પૂછ્યું-કે બેટા ,કર્ષતિ કે નાપકર્ષતિ ?
(ચળાવી શકે છે-કે નથી ચળાવી શકતી)  જૈમિની કહે-કર્ષતિ. ગુરુજી,તમારો શ્લોક સાચો છે.
ઇન્દ્રિયો એટલી બળવાન છે-કે ભલભલા વિદ્વાનોને પણ ચળાવી દે છે.

ઇન્દ્રિયો,મન અને બુદ્ધિ માં –“કામ” નું નિવાસ સ્થાન છે.
અને આ કામની પ્રેરણા થી જ મહાન જ્ઞાનીઓ પણ ભુલા પડે છે,અને પાપાચરણ કરે છે.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE