Feb 23, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૭

યોગ કોને સાધ્ય નથી ? કોનો યોગ પર અધિકાર નથી? તો -કહે છે-કે-
જે અતિશય ખાય છે (આહાર લે છે)–અથવા તો જે બિલકુલ જ ખાતો નથી,
જે અતિશય નિંદ્રા ને માણે છે-અથવા તો બિલકુલ નિંદ્રા લેતો નથી 
(અતિશય ઓછી નિંદ્રા લે છે)-તે યોગ સાધન કરી શકતો નથી.
સમતા –એ યોગમાં  ખુબ જરૂરી  છે.

શરીરને ટકાવવા અન્ન તો લેવું જ પડે છે,પણ અકરાંતિયાની જેમ ખુબ જમવાને બદલે-
યુક્તિથી કે પરિમિતતા (પ્રમાણથી) શરીર ને જરૂર હોય તેટલું જ જમવું જોઈએ.
તે જ પ્રમાણે-જે જે કર્મો કરવાના છે-તે સર્વ કર્મો- યુક્તિથી –“પ્રમાણ” માં જ કરવાં જોઈએ.

ઊંઘવાનું,બોલવાનું,વ્યાયામ વગેરે પણ નિયમિતતાથી પ્રમાણમાં જ કરવાં જોઈએ-કે જેથી-
શરીરમાં લોહી નું ભ્રમણ,શરીરની સપ્તધાતુઓ અને વાયુ-પિત્ત-કફ,સમતોલમાં રહે.

શરીર તંદુરસ્ત રહે-ત્યારે કે જયારે યુક્તિથી અને નિયમથી –ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં આવે.અને -
જેનાથી મન પણ પોતાની મેળે જ સંતોષ પામે છે.અને દુઃખોનો નાશ થાય છે .(૧૬-૧૭)

આ પ્રમાણે બાહ્ય-ઇન્દ્રિયો (મુખ-વગેરે)ની સ્થિતિ નિયમિત રાખવામાં આવે (સમતા રાખવામાં આવે)-તો-
તેનાથી અંતરમાં (અંદર) સુખ ઉત્પન્ન થાય છે,અને સહજતાથી યોગ-પ્રાપ્ત થાય છે.
જયારે ચિત્તને સહજ સંતોષ થાય છે-ત્યારે તે વાસનાઓ પ્રત્યે નિસ્પૃહ બને છે,
અને આવું વાસના વગરનું-ઈચ્છા વગરનું ચિત્ત –અંદર જ (આત્મા સાથે) સ્થિર રહે છે.

આવા યોગી ને –યુક્ત- (પરમાત્મા સાથે જોડાયેલો) કહેવા માં આવે છે.
જેમ પવન વગરના સ્થળમાં રાખેલ દિવાની જ્યોત હાલતી નથી,તે જ રીતે-
આવા સ્થિર થયેલા  (તરંગ વગરના થયેલા) યોગી ની  સ્થિતિ હોય છે (૧૮-૧૯)

વાસ્તવમાં જોવા જતાં-યોગ સાધન જેટલું સહેલું અને સાદું-બીજું કોઈ સાધન નથી.
યોગ સાધનથી જ ઇન્દ્રિયોનો નિગ્રહ (વશ) થવાનો સંભવ છે,અને જયારે ઇન્દ્રિયોનો સંયમ થઇ જાય-
ત્યારે ઘડીક આગળ અને ઘડીક પાછળ-દોડતા ચિત્તની દોડધામ પૂરી થાય છે,અને તે પોતાની મેળે જ
આત્માને ભેટવા માટે જાય છે.(આત્મામાં લય થવા–મળી જવા માટે જાય છે)

ઘડીક ભર પણ જયારે ચિત્ત પાછું વળીને આત્મા તરફ નજર નાખે –ત્યારે જ તેને “હું જ આત્મતત્વ છું”
તેવી તેને પ્રતીતિ થાય છે. અને જેવી આ આત્મ પ્રતીતિ થાય એટલે –તે સુખના સિંહાસન પર બેસી જાય છે. અને આત્માના આનંદમાં જ મળી જાય છે (લય પામે છે)-અને-
જેને ઇન્દ્રિયો કદી જાણી શકતી નથી કે જેના કરતા અધિક કોઈ વસ્તુ છે જ નહિ-એવું જે –
આત્મ સ્વ-રૂપ  (બ્રહ્મ સ્વ-રૂપ) તે પોતે જ બની જાય છે.(૨૦-૨૧)

આવી સ્થિતિની પ્રાપ્તિ થાય પછી,મેરુ પર્વત કરતાં યે મોટાં દુઃખો આવી પડે તો પણ ચિત્ત દુઃખી થતું નથી.
અથવા તો શરીર છિન્ન- ભિન્ન થઇ જાય,કે શરીરને અગ્નિમાં નાખવામાં આવે તો પણ-
આત્મસુખમાં નિમગ્ન થયેલું ચિત્ત દુઃખ પામતું નથી.
અનંત બ્રહ્મ સુખ (આત્મસુખ)ની પ્રાપ્તિથી દેહની સ્મૃતિ (યાદ) રહેતી નથી,એટલે તેને કોઈ પણ
જાતનું દુઃખ કે દ્વંદો-અસર કરી શકતા નથી.(૨૨)

સંસારમાં ફસાયેલું મન જયારે આત્મસુખ (બ્રહ્મ સુખ)નો મધુર સ્વાદ ચાખે છે-ત્યારે-તે –
સ્વાદ આગળ સંસારના સુખોનો સ્વાદ તુચ્છ –લાગવા માંડે છે.
જેના માટે (જે સુખ માટે) સર્વ “જ્ઞાન” ની આવશ્યકતા છે,અને જે સંતોષનો (સુખ નો) ભંડાર છે,
એવું આ બ્રહ્મ-સુખ (આત્મ-સુખ) –જયારે અભ્યાસના યોગથી મૂર્તિમંત (પ્રત્યક્ષ)  થાય છે-
ત્યારે –તેમ થતાં જ યોગી તેમાં (સુખમાં) તદ્રુપ થઇ જાય છે (મળી જાય છે) અને તેવે વખતે-
સુખ કે દુઃખનો સંબંધ તૂટી જાય છે. અને યોગ સાધ્ય થયો એમ કહેવાય છે (૨૩)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
     PREVIOUS PAGE    
      NEXT PAGE     
       INDEX PAGE