Mar 13, 2020

ભાગવત રહસ્ય-૨૧૩

ગંગાજીને લાવવા માટે અંશુમાને તપ કર્યું,તેમના પછી તેમના પુત્ર દિલીપે ને તેમના પછી તેમના પુત્ર ભગીરથે તપ કર્યું. ત્રણ પુરુષનું પુણ્ય ભેગું થયું એટલે ગંગાજી પ્રગટ થયાં.( ત્રણ ચાર જન્મનું તપ એકત્ર થાય ત્યારે જ્ઞાન-ગંગા ,એટલે કે જ્ઞાન મળે છે.)
પરંતુ ગંગાને આકાશ માંથી ઝીલે કોણ ? ભગીરથ રાજાએ ભગવાન શંકરને પ્રાર્થના કરી.શિવજી ગંગાનો વેગ ઝીલવા તૈયાર થયા.શિવજી જટા ઉપર ગંગાજીને ઝીલે છે.

ભોલેબાબાએ જટામાં એવી ભૂલભૂલામણી કરી કે,ગંગાજીને બહાર નીકળવાનો માર્ગ મળતો નથી.
ભગીરથે શિવજીને પ્રાર્થના કરી-કે ગંગાજીને બહાર આવવા દો.
શિવજીએ કહ્યું-ભલે ગંગા માથા પર રહી,સારી ઠંડક છે.
ભગીરથે ત્યારે કહ્યું-કે મહારાજ તમારી ઠંડક માટે આ બધી ખટપટ નથી કરી. મારે તો મારા પિતૃઓનો 
ઉદ્ધાર કરવો છે.શિવજીએ ગંગાને જટામાંથી બહાર જવાનો માર્ગ આપ્યો.

અનેક દેશનો ઉદ્ધાર કરતા ગંગાજી પાતાળમાં પધાર્યા છે. ગંગાજીનો સ્પર્શ થવાથી –
રાખમાંથી દિવ્ય પુરુષો બહાર આવ્યા છે.સગરપુત્રોને સદગતિ મળી.
ભગીરથ રાજા ગંગાજીને લઇ આવ્યા,એટલે ગંગાનું નામ પડ્યું ભાગીરથી.
ગંગાજી નારાયણના ચરણમાંથી બહાર આવ્યા છે.
નારાયણના ચરણમાં ગંગા છે,શિવજીને માથે ગંગા છે.(ગંગા એ જ્ઞાનનું સ્વરૂપ છે)
જીવને શિવ થવું હોય તો તે જ્ઞાનગંગાને માથે રાખે.જ્ઞાનગંગાને માથે રાખે તેની શાંતિ કાયમ માટે ટકે છે.

આગળ ચાલતાં એ જ વંશમાં ખટવાંગ નામનો રાજા થયો.
ખટવાંગને દેવો તરફથી જાણવા મળ્યું કે તેનું મૃત્યુ બે ઘડી (૪૮ મિનિટ?) માં થવાનું છે.
એટલે એણે સર્વ છોડી મનને ભગવાનમાં જોડી દીધું.
પરમાત્માનું ધ્યાન કરતાં કરતાં તેને શરીરનો ત્યાગ કર્યો. તેને સદગતિ મળી છે.
આમ માત્ર બે ઘડીમાં ખટવાંગે પોતાનું શ્રેય-આત્મકલ્યાણ સાધી લીધું.

ખટવાંગ પછી થયા દીર્ઘબાહુ,અને દીર્ઘબાહુના ત્યાં થયા રઘુ.
રઘુ મહા જ્ઞાની અને અતિ ઉદાર હતા. રઘુરાજા એ કેવળ પહેરેલું વસ્ત્ર રાખી સર્વસ્વનું દાન કર્યું હતું.
રઘુરાજાએ અનેક યજ્ઞો કર્યા હતા અને તેમની કીર્તિ વધી ગઈ,તેથી તે સૂર્યવંશનું નામ રઘુવંશ પડ્યું છે.
રઘુને ત્યાં થયા અજ અને અજને ત્યાં થયા દશરથ.
દશરથ અયોધ્યામાં રાજ કરતા હતા. દશરથ રાજાને ત્યાં રામજીનો જન્મ થયો છે.

     PREVIOUS PAGE    NEXT PAGE   INDEX PAGE