Mar 14, 2020

ભાગવત રહસ્ય -૨૧૪

રામજીના જન્મનાં અનેક કારણ બતાવ્યાં છે. કલ્પ કલ્પ ની કથામાં થોડો ફેર આવે છે.
પણ નારદજીના શાપનું કારણ આપણા જેવા સાધારણ જીવ માટે ઉપયોગી છે.
નારદજી હિમાલયમાં તપ કરતા હતા.ઇન્દ્રને શંકા ગઈ કે -નારદજી મારું રાજ્ય પડાવી લેશે કે શું ? ઇન્દ્રીયાધીન માનવી એ જ ઇન્દ્ર છે, જે બહુ ભોગી અને વિલાસી હોય છેતેનું મન શંકાશીલ હોય છે.ઇન્દ્રે કામ ને બોલાવ્યો,અને કહ્યું કે નારદજીની તપશ્ચર્યામાં ભંગ કર.

કામ આવ્યો વિઘ્ન કરવા, તેણે અનેક ઉપાયો અજમાવ્યા પણ સફળતા ના મળી. નારદજી ઈશ્વરના ધ્યાનમાં લીન હતા, તેને કામ શું કરી શકે ? કામદેવ હાર માની નાસી ગયો. આવા પ્રસંગે ભગવાન ભક્તનું રક્ષણ કરે છે,પણ નારદજીને અભિમાન થયું.-કે- “શિવજીએ ક્રોધથી કામ ને બાળ્યો-તેમાં શું આશ્ચર્ય? મેં તો કામ ને વિના પ્રયાસે જીતી લીધો.”

નારદજીને થયું-કે -ચાલ શિવજી પાસે જાઉં,અને મારી કામ વિજયની કથા કહી સંભળાવું.
નારદજી કૈલાસમાં આવ્યા.શિવજીએ સ્વાગત કર્યું-પધારો,પધારો.
નારદજી ભક્ત છે,તેમના પર શિવજીને પ્રેમ છે. શિવજી નારદજીને ખુબ માન આપે છે.
શિવજીને થયું-કે નારદજી પાસેથી રામકથા સાંભળવા મળશે પણ નારદજીએ તો પોતાની કથા ચાલુ કરી.
અને પોતાના કામ વિજયની કથા કહેવા લાગ્યા.શિવજી ને ખબર પડી ગઈ કે નારદજીને અભિમાન થયું છે, તેમણે નારદજીને કહ્યું-કે-આ વાત તમે ભલે મને કહી પણ ભગવાન નારાયણને કહેશો નહિ.
નારદજી પછી ત્યાંથી રવાના થયા.

નારદજીને થયું-કે-શિવજીને મારી અદેખાઈ થઇ છે.પોતાનો મહિમા ઓછો થાય એટલે આ વાત બીજાને કરવાની ના પાડી છે. નારદજી વૈકુંઠમાં પધાર્યા.આમ તો જયારે જયારે વૈકુંઠમાં આવે ત્યારે નારાયણને 
સાષ્ટાંગ પ્રણામ કરતા, પણ આજે જરા અભિમાનમાં છે,કામને જીત્યો છે, આજે પ્રણામ પણ કરતા નથી.

નારાયણે પૂછ્યું-બોલો નારદજી શું સમાચાર છે ?
નારદજી કહેવા લાગ્યા-હું હિમાલયમાં ધ્યાન માં બેઠો હતો,કામદેવે અનેક લીલાઓ કરી.
ભગવાને પૂછ્યું-પછી શું થયું ?
નારદજી કહે-તે મને શું કરી શકવાનો હતો ?મારું મન ધ્યાનમાં સ્થિર હતું, કામદેવ નાસી ગયો.
ભગવાન સમજી ગયા કે –આને અભિમાન થયું છે,આ અભિમાન તેનું પતન કરશે.
ભગવાન ભક્તોનું બહુ ધ્યાન રાખે છે.નારદજી ત્યાંથી પાછા ફર્યા,પ્રભુએ માયા રચી.

રસ્તામાં નારદજીએ એક સુંદર નગરી જોઈ,નગરના રાજાનું નામ શિલનિધિ છે.
તેને એક કન્યા છે-નામ-વિશ્વમોહિની. કુંવરીમાં નામ પ્રમાણે ગુણ છે, આ વિશ્વમોહિની માટે રાજાએ 
સ્વયંવર રચ્યો છે. નારદજી રાજા ના દરબારમાં આવ્યા.રાજાએ સ્વાગત કર્યું,અને પૂછ્યું-કે-
મારી પુત્રીને કેવો વર મળશે? નારદજીએ હાથની રેખાઓ જોઈ કહ્યું કે-
જેને આ વિશ્વમોહિની મળશે તે અમર થઇ જશે. યુદ્ધમાં તેની કદાપિ હાર નહિ થાય.
નારદજી ત્યાંથી નીકળ્યા છે-પણ મન છે-વિશ્વમોહિનીમાં. આ મને મળે તો બે લાભ છે,
અતિ સુંદર કન્યા મળશે અને વળી હું અમર થઇ જઈશ.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE