Mar 2, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૪

આકાશમાં રહેલો “અહીં તહીં જતો પવન” શાંત થાય –તો તેનું “પવન-પણું” આકાશથી જુદું લાગતું નથી.એટલે કે –એમ કહી શકાય-કે-“પવન”(વાયુ) -“આકાશ-મય” થઇ જાય છે.
આકાશ પણ દેખી ન શકાય અને વાયુ (શાંત-પવન) પણ દેખી ન શકાય.
બીજી રીતે કહીએ તો-જો વાયુને હલાવવામાં આવે તો તેને આકાશથી ભિન્ન –પવન-રૂપે અનુભવી શકાય છે.પરંતુ-વસ્તુતઃ-આકાશ અને વાયુ (શાંત-પવન) ભિન્ન (જુદા) નથી.

આ જ રીતે જ્ઞાની ભક્ત –શારીરિક કર્તવ્ય કર્મ કરતો હોય-ભક્તિ-પૂજા-પાઠ-વગેરે કરતો હોય-
એટલે તે “પ્રભુનો ભક્ત છે” (અહીં તહીં જતાં –પવન રૂપે) –એવું બહારથી-દેખાય છે-
પણ અંદર થી –તો તે ભક્તે–પોતે સ્વ-નો(આત્મા ને)-અનુભવ કરી લીધો હોય છે.
તેથી તે સર્વદા પ્રભુમાં જ પોતાનું ચિત્ત જોડી રાખે છે.અને સર્વદા પ્રભુનો જ આશ્રય રાખે છે.

એટલે આવા જ્ઞાની ભક્ત (આત્મા) અને પરમાત્મામાં ફરક રહેતો નથી. બંને એક થઇ જાય છે.
અને તેનાથી પણ આગળ વધીને -પછી આવા જ્ઞાની ને –દુનિયાના સર્વ આત્મામાં પરમાત્મા જ દેખાય છે.
“આ દુનિયા માં –સર્વ –વાસુદેવમય –પરમાત્મામય-છે” એવું જેનું જ્ઞાન-પરિપક્વ (પૂર્ણ) થયું છે-
તેને જ પરમાત્માની પ્રાપ્તિ થઇ છે-એમ કહી શકાય-
અને આવો જ્ઞાની-ભક્ત મહાત્મા જગતમાં મળવો અતિદુર્લભ  છે.(૧૮-૧૯)

આવા જ્ઞાની ભક્ત સિવાય બીજા અનેક મનુષ્યો પરમાત્માને ભજે છે-પણ તેમની ભક્તિ-
કેવળ વિષય-સુખની આશા-માટે જ હોય છે. તેમને કંઈક જોઈએ છે-તેમને કંઈક દુઃખ છે-
તે દુઃખના નિવારણ માટે –કે-સંસારિક સુખની -કોઈક ઈચ્છા માટે પ્રભુની ભક્તિ કરે છે.

મનુષ્યના હૃદયમાં-મનમાં  જેવો –“કામ” નો (કામનાઓનો) સંચાર થયો-કે તે કામનાઓ ના સંસર્ગથી-
“જ્ઞાન” નો દીવો બુઝાઈ જાય છે. તેની બહાર (આસપાસ) અને અંદર અંધકાર છવાઈ જાય છે.
પરમાત્મા (આત્મા) પ્રત્યક્ષ હોવાં છતાં –તેને તે દેખાવાના બંધ થાય છે.
અને હવે તેને –જે દેખાય છે-તે તેની કામનાને અનુરૂપ-સાકાર સ્વરૂપના જુદા જુદા “દેવો” 

ફળ પ્રાપ્તિની ઈચ્છા ને લીધે-ગરીબ ગાય બની તે જુદા જુદા દેવોમાં જ “જુદો-જુદો ભાવ” રાખે છે.
અને આ સર્વ દેવતાઓમાં “એક-બ્રહ્મ” (પરમાત્મા) રહેલા છે-તે નિશ્ચય (ભાવ) ભૂલી જાય છે.
જુદા જુદા દેવોની શ્રદ્ધાથી આરાધના કરી –આવા જીવો પોતાની કામનાઓ પૂર્ણ કરે છે.

જો કે આ કામનાઓ અને તેના ફળો –પરમાત્માએ જ નિર્માણ કરેલા છે.
અને તેમના વતીથી જ તે પૂર્ણ થાય છે.પણ અલ્પ (મંદ) બુદ્ધિ મનુષ્યને તે ખબર પડતી નથી,
અને તેમને તે દેવો દ્વારા મળેલું ફળ તે નાશવંત છે –તે પણ તે ભૂલી જાય છે.

કામનાઓને પૂર્ણ કરનાર “દેવો” માં જ શ્રદ્ધા –રાખવાથી મનુષ્યો ને તે “દેવો” જ પ્રાપ્ત થાય છે.
પણ પૂર્ણ “બ્રહ્મ”  (પરમાત્મા) તેમને પ્રાપ્ત થતા નથી. (૨૦ થી ૨૩)

હવે નો જે આ શ્લોક છે-તે અતિ મહત્વનો છે-જે સમજવો જરૂરી છે.

શ્રી કૃષ્ણ (પોતે-એક દેવ રૂપે) કહે છે-કે-
“મારો પરમાત્મા (બ્રહ્મ)નો –ઉત્કૃષ્ટ,અતિ ઉત્તમ,અવિનાશી, અને નિરાકાર ભાવને –
જે લોકો જાણતા નથી-તે –લોકો-
હું (પરમાત્મા) –અવ્યક્ત –હોવાં છતાં મને વ્યક્ત (દેહધારી) માને છે !!!!!!”.....(૨૪)

જે માપી શકાય તેવો નથી-તેને માપવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
જે પરમાત્મા  (બ્રહ્મ) –આત્મારૂપે સર્વની અંદર બેઠેલો જ છે-છતાં પણ –
પરમાત્માને પામવા –અનેક લોકો- અનેક સાધનો કરે છે.

એક વસ્તુને એવી જગ્યાએ ખોળે છે-કે જે વસ્તુ –તે જગ્યાએ નથી, પછી તે વસ્તુ મળે જ કેવી રીતે ????
(પરમાત્માને ખોળવાના નથી પણ ઓળખવાના છે !!)

અહીં શ્રીકૃષ્ણ જે કહે છે-“હું વ્યક્ત (દેહધારી) રૂપે પરમાત્મા નથી.” તેનું વિશ્લેષણ કરવામાં આવે-તો-
તે ઘણા લોકો ને અરુચિકર લાગે. (ઘણા લોકો ને ગમે નહિ)
પણ સમજનાર –જ્ઞાની- આ વાત ને સાચી રીતે સમજી શકે છે.
(અને જો આ સમજાઈ જાય તો,પરમાત્મા ઓળખાઈ જાય છે,ખોળવાનો અંત કે 
પરમાત્માની ખોજનો અંત આવી જાય છે.)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત