Mar 26, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૫-અધ્યાય-૧૨-ભક્તિયોગ

અધ્યાય-૧૨-ભક્તિયોગ
આ અધ્યાયની શરૂઆતમાં અર્જુન ,શ્રીકૃષ્ણ ને પ્રશ્ન કરે છે-કે-આપે જ્ઞાનયોગમાં બતાવેલ નિરાકાર-નિર્ગુણ સ્વરૂપ (બ્રહ્મ)ની જે ઉપાસના કરે છે-તે –અને એકનિષ્ઠ બની (ભક્તિયોગમાં) જેઓ સાકાર સ્વરૂપની (ચતુર્ભુજ સ્વરૂપની) ઉપાસના કરે છે-તે-
બંને પ્રકારના ભક્તોમાં ખરા યોગને કોણ જાણી શક્યું છે ?.(૧) 

શ્રીકૃષ્ણ કહે હે-કે-મારામાં (પરમાત્મામાં) મન ને સ્થિર કરીને,મારામાં જ નિત્યયુક્ત થઈને,
જેઓ ઉત્કૃષ્ટ શ્રદ્ધાથી મને ભજે છે,તેમણે-“ભક્તિયોગ”ને બરોબર જાણ્યો છે.(૨)

ભક્તિયોગમાં શ્રદ્ધા એ મુખ્ય છે. પરમાત્માના સાકાર સ્વરૂપમાં મનને પરોવવું પ્રમાણમાં સહેલું છે.
આંખોની સામે જ પરમાત્માનું સ્વરૂપ હોય, અને તેમનામાં મન પરોવાઈ જાય તો,
જીવ પરમાત્મામય થઇ જાય છે. “લાલી દેખન મૈ ગઈ તો મૈ ભી હો ગઈ લાલ”

બીજા જે જ્ઞાની ભક્તો છે-તે-ઇન્દ્રિયોનું યથાર્થ નિયમન કરીને,
નિરાકાર,અવ્યક્ત,સર્વવ્યાપી –એવા બ્રહ્મની ઉપાસના કરે છે,અને તેમનો આત્મા-જ-પરમાત્મામાં
જઈને મળી જાય છે.અર્થાંત તેવા જ્ઞાની ભક્તો પોતે જ પરમાત્મા સ્વરૂપ થઇ જાય છે.
ઇન્દ્રિયોનું નિયમન-દમન કરવામાં કરવામાં આવતા યોગથી ઘણી યાતનાઓ સહન કરવી પડે છે,
બાકી તે યોગના બળથી તેમણે કંઈ વધુ પ્રાપ્ત થાય છે-એવું તો નથી જ.

આવી રીતે નિર્ગુણ-નિરાકાર બ્રહ્મની ઉપાસના કરનારાઓને ઉપાસનાનું કષ્ટ થાય છે,અને
અવ્યક્ત,નિરાકાર,નિર્ગુણ –બ્રહ્મ મહાપ્રયાસથી પ્રાપ્ત થાય છે. (૩-૪-૫)

જ્ઞાનયોગમાં ઇન્દ્રિયોના નિયમન કરતી વખતે-કામક્રોધાદિ વગેરે- પુષ્કળ ઉપદ્રવો ઉત્પન્ન થાય છે.
નિરાકાર બ્રહ્મની પ્રાપ્તિ કરવા માટે,તેમને શૂન્ય વસ્તુ (આકાશ)ની જોડે ઝગડો કરવો પડે છે,
ભૂખ ને ભૂખથી અને તરસ ને તરસથી શાંત કરવી પડે છે.મૃત્યુની સાથે નિત્ય નવી લડાઈઓ કરવી પડે છે. 

સહુથી મોટું તો દેહાભિમાન (અહમ)ને છોડવા અથાગ મહેનત કરવી પડે છે.
જ્ઞાનનો અહમ (હું) એકદમ જલ્દી છૂટતો નથી, 
અને છૂટી જાય તો પાછો ક્યારે આવી ચડે તેની પણ
ખબર પડતી નથી, વર્ષોના વર્ષોની ઉપાસના ઘણી વખતે એળે જાય છે,

જયારે ભક્તિમાર્ગ વાળાને આવાં કષ્ટ સહન કરવા પડતાં નથી,પ્રભુ ની શરણાગતિ સ્વીકારવાથી,
અહમ (હું) ની સમાપ્તિ પણ આસાન બની જાય છે.
હવે પછી ના ચાર શ્લોકમાં આધ્યાત્મિક અભ્યાસ (ભક્તિયોગ) ના ચાર રસ્તા બતાવ્યા છે.

શ્રીકૃષ્ણ કહે છે-કે-
(૧)  તુ મારામાં જ મન રાખ,મારામાં જ બુદ્ધિની સ્થાપના કર,
      પછી તુ મારામાં જ વાસ કરીશ તે વાતમાં સંશય નથી..(૮)
(૨)  આમ કરવા તું અસમર્થ હોય તો-(આમ કરી શકતો ના હોય તો)
      પછી,અભ્યાસના યોગથી મને પ્રાપ્ત કરવાની “ઈચ્છા” ધરાવ .(૯)
(૩)  અભ્યાસ કરવા પણ જો તું અસમર્થ હોય તો –
      મારા ઉદ્દેશથી જ (અહમ-હું પણું છોડી ને) મારા માટે જ “કર્મો” કરતો રહે (૧૦)
(૪)   આટલું કરવામાં પણ જો તુ અસમર્થ હોય તો-
       મનનો સંયમ કર અને અનન્ય ભાવે –મારા શરણે આવી-
       સર્વ કર્મોના “ફળ” નો ત્યાગ કરી દે..(૧૧)

અભ્યાસથી જ્ઞાન વધારે સારું છે,જ્ઞાન કરતાં ધ્યાન વધારે સારું (વિશેષ) છે,
ધ્યાન કરતાં પણ “કર્મફળનો ત્યાગ” વધારે સારો છે.
કારણકે “કર્મફળ ના ત્યાગ” થી શાંતિ પ્રાપ્ત થાય છે.(૧૨)


જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE    
NEXT PAGE      
          INDEX PAGE