Apr 1, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૯

ક્ષેત્ર (શરીર) જે તત્વોનું બનેલું છે-તે એક એક તત્વનાં લક્ષણો અને
તે તત્વ ના વિકારો,વિષે-જ્ઞાનેશ્વરે વિગતથી વર્ણન કર્યું છે,
આગળ બતાવ્યું તેમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન તે  “જ્ઞાન” છે.
અને હવે -આ જ્ઞાન જેને થયું હોય (જેના હૃદયમાં જ્ઞાનની પ્રાપ્તિ થઇ હોય) –
તેવા મનુષ્યનાં લક્ષણો વિષેનું વર્ણન છે.

જેમ-વૃક્ષોની પ્રફુલ્લતાથી -વસંત ઋતુનો પ્રારંભ થયો છે-એમ સમજાય છે-
તેમ-ઇન્દ્રિયોના આચરણ પરથી-તે મનુષ્યને–“જ્ઞાન-પ્રાપ્તિ થઇ છે”-એમ સમજાય છે.

--માનની ઈચ્છાનો લોપ (નાશ) (પોતાનાં વખાણ જેને બોજા જેવાં લાગે છે)
--દામ્ભિકતાનો અભાવ  (જે દંભ કરતો નથી)
--અહિંસા (જીવ માત્રને કોઈ પણ રીતે-શરીરથી કે મનથી- સતાવતો નથી)
--ક્ષમા ભાવ (શાંત રહી –કોઈ પણ જીવે કરેલા અપકૃત્ય પ્રત્યે ક્ષમાભાવ)
--સરળતા (મન અને વાણી જેની સરળ છે)
--આચાર્યોપાસન (શ્રદ્ધા અને ભક્તિ સહિત સદગુરૂની સેવા-કે-જેનાથી અહમ મુક્ત થયો છે તે)
--અંતર્બાહ્ય પવિત્રતા (વિકારોનો નાશ –તે અંદરની શુદ્ધિ-શરીરની શુદ્ધિ-તે બહાર ની શુદ્ધિ)
--સ્થિરતા (ઇન્દ્રિયો પર વિષય-વિકારના તરંગો અથડાય –પણ જેનું મન સ્થિર રહે છે-તે)
--આત્મ સંયમ (ઇન્દ્રિયોનો નિગ્રહ)
--વિષયોમાં વિરક્તિ (વિષયો-પરત્યે વૈરાગ્ય –અનાસક્તિ)
--અહંતાનો અભાવ (જેનામાં લેશમાત્ર અહમ નથી તે)
--જન્મ,મૃત્યુ,જરા (વૃદ્ધત્વ) અને વ્યાધિ ને –તે શરીરના દોષો જ છે-તે રીતે જોવું તે
--સર્વત્ર ઉદાસીનતા (મારું કશું નથી-સર્વ પરમાત્મા નું જ છે-તેમ સમજીને સર્વ સાથે ઉદાસીન વર્તન)
--સ્ત્રી,પુત્ર,ઘર –વગેરેમાં અનાશક્તિ
--ઇષ્ટ કે અનિષ્ટની પ્રાપ્તિ થાય તો પણ મન અવિચળ રહે છે-તે-
--પરમાત્મામાં અનન્ય (ભાવયુક્ત-નિર્દોષ) ભક્તિ-
--એકાંતવાસ પર પ્રેમ અને લોકસમુદાયમાં રહેવા પ્રત્યે અપ્રીતિ છે-તે-
--અધ્યાત્મ જ્ઞાનમાં નિમગ્ન (આત્મ અને અનાત્મ –વસ્તુ જાણી શકાય તે અધ્યાત્મજ્ઞાન)
--પારમાર્થિક (પરમ અર્થ=પરમાત્મા) જ્ઞાનનો જેને સાક્ષાત્કાર થયો છે-તે-

જે (તત્વનાં) લક્ષણો બતાવ્યાં છે-તે જ્ઞાનની પ્રાપ્તિ કરાવી આપનારાં છે.
એટલા માટે તેને “જ્ઞાન”ની સંજ્ઞા પ્રાપ્ત થઇ છે .(જેને “જ્ઞાન” તરીકે કહેવામાં આવે છે)
અને આ લક્ષણોથી વિરુદ્ધ (વિપરીત) છે-તે (માન-દંભ-હિંસા-વગેરે) “અજ્ઞાન”  છે.(૮ થી ૧૨)

ઉપરનાં જે જ્ઞાનીઓ નાં લક્ષણો છે-તે એક એક લક્ષણનું પણ વિસ્તૃતતાથી અને
તેનાથી વિરુદ્ધ જે અજ્ઞાનીઓના લક્ષણો છે તેનું પણ વિસ્તૃતતાથી જ્ઞાનેશ્વરે વર્ણન કર્યું છે.

જ્ઞાનના વિષે કહ્યા પછી શ્રીકૃષ્ણ હવે જ્ઞેય વિષે કહે છે.

જ્ઞેય –એટલે કે –જે જાણવા યોગ્ય છે તે (બ્રહ્મ-પરમાત્મા)-કે જેને જાણવાથી મોક્ષ મળે છે.
અનાદિ (જેને આદિ-પ્રારંભ- નથી તે) –સર્વોત્કૃષ્ટ બ્રહ્મ  (પરમાત્મા) નું –
સત કે અસત્- એવા શબ્દોથી વર્ણન થઇ શકે નહિ..(૧૩)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE