More Labels

Apr 22, 2020

ભાગવત રહસ્ય -૨૫૩

વાસના પણ શૂર્પણખાની જેમ પહેલાં સુંદર લાગે છે અને પછી,પોતાનું પોત પ્રકાશિત કરે છે.વાસનાની પક્કડમાંથી જલ્દી છૂટી શકાતું નથી.વાસના ઇન્દ્રિયોમાંથી ઉદ્ભવે છે,અને ઇન્દ્રિયોના ઉપભોગમાં કદી શાંતિ મળતી નથી.શાંતિ ભોગથી નહિ પણ ત્યાગથી મળે છે.મનુષ્યે વાસના રૂપી શૂર્પણખાથી સાવધાન રહેવાની જરૂર છે.
જયારે શૂર્પણખા રામજીની પાસે આવી ત્યારે રામજીએ તેને નજર આપી નથી. જયારે વાસનાનો પ્રસંગ આવે ત્યારે આંખને પરમાત્માના ચરણ તરફ રાખવાની.......

લક્ષ્મણજીએ આવી અને શૂર્પણખાના નાક-કાન કાપી નાખ્યાં છે.શૂર્પણખા રડતી- રડતી,ખર,દૂષણ,ત્રિશીરા રાક્ષસો પાસે આવી અને કહે છે-કે રામના ભાઈએ મારી આ દુર્દશા કરી છે.રાક્ષસો યુદ્ધ કરવા આવ્યા છે. પણ રામજીએ તે સર્વ રાક્ષસોનો નાશ કર્યો.એટલે શૂર્પણખા ત્યાંથી રાવણ પાસે ગઈ,અને કહે છે-કે-દશરથના બે પુત્રો રામ-લક્ષ્મણ પંચવટીમાં રહે છે,તેની પાસે સુંદર સ્ત્રી છે,હું તે તારા માટે લેવા ગઈ હતી,અને મારી આ દશા થઇ છે. તારા રાક્ષસોનો પણ તેમણે વિનાશ કર્યો છે. રાવણે શૂર્પણખાને આશ્વાસન આપ્યું છે.

આ તરફ રામજીએ સીતાજીને કહ્યું-કે-દેવી હવે લીલા કરવી છે,તમે અગ્નિમાં નિવાસ કરો.
એટલે કહેવામાં આવે છે-કે- રાવણ જે સીતાજીને લઇ ગયેલો તે સીતાજીની “છાયા” હતી.

સમુદ્ર કિનારે મારીચ રહેતો હતો –ત્યાં રાવણ આવ્યો છે,અને કહે છે-કે-રામ રાક્ષસોને મારે છે,મેં તેમની જોડે વેર કર્યું છે,તું મને મદદ કર.ત્યારે મારીચ કહે છે-કે-રામ નાના હતા ત્યારે મને તેમના દર્શન થયા હતા,
વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કરવા તેઓ આવેલા. હું યજ્ઞમાં વિઘ્ન કરવા ગયો,અને તેમણે એક બાણ માર્યું અને હું આ સમુદ્રના કિનારે આવી પડ્યો છું.તેમની સાથે તું વેર કરીશ નહિ.

પણ રાવણ માનતો નથી.રાવણ મારીચ સાથે પંચવટીના વન માં આવ્યો છે,મારીચે કનકમૃગનું સ્વરૂપ ધારણ કર્યું, સીતાજીએ તે મૃગ ને જોયું અને તેમણે રામજીને કહ્યું-કે-આ અતિ સુંદર છે,તેને મારી તેનું ચામડું લઇ આવો. રામજી મૃગને મારવા જાય છે,રામજીએ મારીચ (મૃગ)ને બાણ માર્યું ત્યારે તે –
રામજીના જેવો અવાજ (સાદ) કરી “હે લક્ષ્મણ-હે લક્ષ્મણ” કરી જમીન પર પડ્યો.
આ બાજુ સીતાજીએ “હે લક્ષ્મણ” ની બુમ સાંભળી.તેમણે લક્ષ્મણને કહ્યું કે- તમારા ભાઈ કંઈ વિપત્તિમાં લાગે છે,અને તમને બોલાવતા લાગે છે.સીતાજી ના કહેવાથી લક્ષ્મણ રામજીની મદદે જવા નીકળે છે.
તે જ વખતે રાવણ સીતાજી પાસે ભિક્ષા લેવા આવ્યો અને રાવણે સીતાજીનું અપહરણ કર્યું છે.

સીતાજીને રથમાં બેસાડી તે આકાશમાર્ગે જવા લાગ્યો.ત્યાં જટાયુએ સીતાજીના દુઃખભર્યા વચનો સાંભળ્યા.એટલે જટાયુ યુદ્ધ કરવા આવ્યો છે.જટાયુ વૃદ્ધ છે છતાં અતિ બળવાન છે.
યુદ્ધ વખતે રાવણે જટાયુને પૂછ્યું-કે તારા ઇષ્ટદેવના સોગન,તારું મરણ ક્યાં છે તે બતાવ.
જટાયુએ સાચું કહી દીધું કે મારી પાંખો કોઈ કાપી નાખે ત્યારે મારું મૃત્યુ થશે.

તે જ વખતે જટાયુએ રાવણ ને પૂછ્યું કે-તારું મરણ કેવી રીતે છે તે બતાવ.
રાવણ તે વખતે જુઠ્ઠું બોલ્યો છે-રાવણે કપટ કર્યું કે –મારું મરણ મારા અંગુઠામાં છે.આ સાંભળી જટાયુ જ્યાં રાવણના અંગુઠાને ચાંચ મારી મારવા જાય છે તે જ વખતે રાવણે –તેની બંને પાંખો કાપી નાંખી છે.

બીજી બાજુ લક્ષ્મણ રામજી પાસે આવ્યા, તો રામજી કહે છે-કે-સીતાજીનું રક્ષણ કરવા મેં તને આજ્ઞા કરેલી,તે તું કેમ આવ્યો ? રામજી લક્ષ્મણને ઠપકો આપે છે.
લક્ષ્મણ કહે છે-હું તો આવતો નહોતો પણ ભાભીના કહેવાથી આવવું પડ્યું.
લક્ષ્મણ ને થયું કે આ રામજીની સેવા કરવી બહુ કઠણ છે,
રામે એક વખતે લક્ષ્મણને કહેલું કે –લક્ષ્મણ તે મારી બહુ સેવા કરી છે,આવતા જન્મમાં હું તારી સેવા કરીશ.બીજા જન્મમાં લક્ષ્મણ –બલરામ (શ્રીકૃષ્ણના મોટાભાઈ) થયા છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE