May 6, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૮

કર્મની પ્રેરક (પ્રેરણા આપનાર) ત્રિપુટી-નીચે મુજબ છે.
(૧) જ્ઞાન (જેના વડે જાણવામાં આવે છે) (૨) જ્ઞેય(જાણવામાં આવનારી વસ્તુ)
(૩) જ્ઞાતા (જાણનાર)

કર્મના કારણ-રૂપ (કર્મનો પાયો-કર્મનો સંચય) ત્રિપુટી –નીચે મુજબ છે.
(૧) કરણ-(જે સાધનોથી કર્મ કરવામાં આવે-તે બાહ્ય અને આંતર ઇન્દ્રિય)
(૨) કર્મ (ક્રિયા) (૩) કર્તા (કર્મ કરનાર -કરણ પાસે વ્યાપાર કરાવનાર).(૧૮)

સમજવામાં થોડી અઘરી લાગતી આ વાત દૃષ્ટાંત થી સમજવા નો પ્રયત્ન કરીએ.
જો આપણી સમક્ષ સ્વાદિષ્ટ મીઠાઈ-જલેબી સામે આવે-
તો આપણને એ –જલેબી જોવાથી આપણી અંદર રહેલા “આને જલેબી કહેવાય-અને તે ગળી હોય”
એ “જ્ઞાન” ને લીધે-જલેબી (જ્ઞેય) જોઈ ને તેના દર્શન માત્રથી આપણે આનંદમાં આવી જઈએ છીએ.
(અહીં કોઈ પરદેશી કે જેણે કદી જલેબી જોઈ પણ નથી કે જેણે જલેબીનું જ્ઞાન પણ નથી તેને
જલેબી જોઈને આનંદ આવવાનો નથી)
આવી જલેબી જોઈ આપણા મોઢામાં પાણી આવે છે અને તે જલેબી ખાવા પ્રેરિત થઈએ છીએ.
અને સહજતાથી તે જલેબી ને હાથથી ઉઠાવી અને મોઢામાં મૂકી દઈએ છીએ.

આ દૃષ્ટાંત માં-
આપણે “જ્ઞાતા” છીએ,કે જેને જલેબી (જ્ઞેય) શું છે -તેનું “જ્ઞાન” છે.(તે ગળી-મીઠાઈ છે-તેવું જ્ઞાન)
અને આ ત્રણેની ત્રિપુટી એ કર્મ (જલેબી ખાવાનું) ને પ્રેરિત કરે છે.(કર્મ કરવાની પ્રેરણા આપે છે)

હવે ઉપર મુજબ કર્મ કરવાની પ્રેરણા તો થઇ,પણ પછી શું ?
તો આપણે (કર્તા) તે જલેબી ને- –હાથ (કરણ-કર્મેન્દ્રિય) થી ઉઠાવી મોઢામાં મૂકી (કરણ-કર્મેન્દ્રિય)-
અને, આનંદથી તે જલેબીને ખાધી  (ખાવાનું-કર્મ-કર્યું).
આમ અહીં –કર્તા(એટલે-આપણે) –કરણ (એટલે-હાથ અને મોઢું) અને કર્મ (એટલે-ખાવાનું કર્મ)
આ ત્રિપુટી –એ કર્મ કરવાનું કારણ અથવા –તો-કર્મ કરવાનો પાયો (મૂળ) છે.

હવે જોઈએ તો ઉપર જણાવ્યા મુજબ –
(૧) જ્ઞાન (જેના વડે જાણવામાં આવે છે તે)  (૨) કર્મ (ક્રિયા)  (૩) કર્તા   (કર્મ નો કરનાર)
આ ત્રણે (જ્ઞાન,કર્મ,કર્તા) –ત્રણ ગુણો  (સાત્વિક-રજસ-તમસ) ને અનુસરી તેના ત્રણ પ્રકારો પડે છે.(૧૯)

(૧-A) સાત્વિક જ્ઞાન-સર્વ જીવોમાં આત્મારૂપે –પરમાત્મા રહેલો છે-તે જ્ઞાન.(૨૦)
(૧-B) રાજસિક જ્ઞાન-સર્વ જીવોને ભેદભાવ (નાના-મોટા વગેરે) થી જુએ છે –તે જ્ઞાન.(૨૧)
(૧-Cતામસિક જ્ઞાન-પોતાના શરીર કે ઉપાસ્ય દેવતામાં (મૂર્તિમાં) આસક્ત થઇ–તેમાં જ ડૂબેલો રહે અને
        આ શરીર અને દેવોથી પર(જુદો) કોઈ પરમાત્મા (બ્રહ્મ) છે-એ માનવા કે સમજવા પણ
        તૈયાર ન થાય તે જ્ઞાન. (આવું જ્ઞાન એ નજીવું કે આધાર વિનાનું છે)..(૨૨)

(૨-A) સાત્વિક કર્મ-ફળની અપેક્ષા (ઈચ્છા) રાખ્યા વગરના નિત્ય-નૈમિતિક કર્મો,રાગ-દ્વેષ વગર,
        કર્તૃત્વાભિમાન (હું કર્મ કરું છું-તેવો અહંકાર)ના ત્યાગ પૂર્વક કર્મ કરવામાં આવે તે.(૨૩)
(૨-B) રાજસિક કર્મ- ફળની અપેક્ષા (ઈચ્છા) રાખી ને અહંકારપૂર્વક,પુષ્કળ પ્રયત્નથી કર્મ કરે તે.(૨૪)
(૨-C) તામસિક કર્મ-યોગ્ય શું કે અયોગ્ય શું છે?કર્મનું પરિણામ શું આવશે ?આ કર્મથી કોઈને હાનિ
       થશે ?એનો કોઈ પણ વિચાર ના કરતાં –અજ્ઞાનથી બીજા ને નુકસાન (હિંસા) પહોંચાડતું કર્મ.(૨૫)

(૩-A) સાત્વિક કર્તા-સર્વ સંગને છોડીને,અહંકાર વગરનો થઇ ને,ધીરજ (ધૈર્ય) અને ઉત્સાહથી કર્મ કરે,
        અને તે કર્મ (કાર્ય) પુરુ થાય તો સુખ(હર્ષ)-કે પુરુ ન થાય તો દુઃખ (શોક) ન થાય તે –(૨૬)
(૩-B) રાજસ કર્તા- વિષયોમાં આસક્ત,કર્મફળની ઈચ્છા રાખનાર,લોભી,હિંસક અને અપવિત્ર –કર્મો
        કરનાર-કે જે હર્ષ (સુખ) અને શોક (દુઃખ)થી ભરેલો છે-તે –(૨૭)
(૩-C) તામસ કર્તા-જે ઇન્દ્રિયોને વશ છે,અને મૂર્ખ,ઉદ્ધત,કપટી,આળસુ,ખિન્ન ચિત્તવાળો છે,બીજાનો
       ઉત્કર્ષ જેનાથી સહન થતો નથી (ઈર્ષા) અને આજનું કામ કાલે કરીશ –એવો કર્તા-(૨૮)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE