More Labels

May 6, 2020

ભાગવત રહસ્ય -૨૬૬

બીજે દિવસે સવારે-રામજીને સ્નાન કર્યા પછી,હનુમાનજી પીતાંબર આપવા જાય છે-તો ત્યાં માતાજી ના પાડે છે-કહે છે-તે સેવા મારી છે.કોઈ બીજી સેવા વખતે લક્ષ્મણજી ના પાડે.કહે-તે સેવા મારી છે.હનુમાનજી સીતાજીને કહે છે-કે-માતાજી તમે નારાજ થયાં છો?મને સેવા કેમ કરવા દેતાં નથી? સીતાજીએ કહ્યું-કે-ગઈકાલે બધી સેવાની વહેંચણી થઇ ગઈ છે-તારા માટે કોઈ સેવા બાકી રહી નથી.

હનુમાનજી એ કહ્યું કે- એક સેવા બાકી છે.મા, રામજીને બગાસું આવે ત્યારે ચપટી કોણ વગાડશે ?
બગાસું આવે ત્યારે ચપટી વગાડવી તે શાસ્ત્રની મર્યાદા છે,ચપટી ના વગાડે તો આયુષ્ય ઓછું થાય છે.
આ ચપટી વગાડવાની સેવા હું કરીશ.સીતાજી કહે છે-કે-સારું તુ ચપટી વગાડજે.
હનુમાનજી દાસ્યભક્તિના આચાર્ય છે, દાસ્યભક્તિમાં નજર ચરણ તરફ રાખવાની હોય છે.
એટલે આજસુધી તે દાસ્યભાવે ચરણને જ જોતા હતા,
પણ હવે માતાજીના હુકમથી –હવે ચરણના નહિ પણ મુખારવિંદના દર્શન કરે છે.

આખો દિવસ હનુમાનજી રામજી ની જોડે અને રાત્રે પણ જોડે, માલિક ને ક્યારે બગાસું આવે તે કેમ ખબર પડે ? છેવટે,રાત્રે - સીતાજી કહે છે-હવે તમે અહીંથી જાવ.
હનુમાનજી જવાબ આપે છે-કે-માતાજી તમે મને એક જ સેવા આપી છે,
હવે પ્રભુને ક્યારે બગાસું આવે તે તો કેવી રીતે ખબર પડે ? માટે હું તો અહીં રહીશ.
સીતાજી રામજીને કહે છે-કે તમારા સેવકને આજ્ઞા કરો કે તે બહાર જાય.

રામજી જવાબ આપે છે-હું હનુમાનજીને કંઈ કહી શકતો નથી,હનુમાનજીએ મને ઋણી બનાવ્યો છે.
તેના એક એક ઉપકાર માટે એક એક પ્રાણ આપું તો પણ તેનું ઋણ પૂરું થાય તેમ નથી.
પ્રાણ પાંચ છે પણ હનુમાનના ઉપકાર અનંત છે.
કૃષ્ણાવતારમાં ગોપીઓના ઋણમાં રહ્યા છે,ગોપી પ્રેમ આગળ માથું નમાવ્યું છે.
પ્રભુએ આવું કહ્યું-તેમ છતાં સીતાજીએ હનુમાનજીને આજ્ઞા કરી કે-તમે બહાર જાવ.

હનુમાનજી બહાર આવ્યા છે,વિચારે છે-કે-મને એક સેવા આપેલી તે પણ લઇ લીધી.
હનુમાનજીને દુઃખ થયું.કે “મને કોઈ સેવા આપતા નથી”
હનુમાનજીએ નિશ્ચય કર્યો કે-આવતી કાલ મંગળા (સવાર)ના દર્શન સુધી,હું ચપટી વગાડીશ.
કદાચ અંદર પ્રભુને બગાસું આવશે તો મારી સેવા થઇ જશે.
ચપટી વગાડતાં વગાડતાં,હનુમાનજી નાચે છે,રામ નામનું કિર્તન કરે છે.

આ બાજુ રામજીએ વિચાર કર્યો,મને ક્યારે બગાસું આવી જાય?તેના માટે પોતાની સેવા પુરી કરવા હનુમાન ચપટી વગાડે છે,મારો હનુમાન આખી રાત જાગરણ કરશે,એ જાગે અને હું સુઈ જાઉં તે યોગ્ય નથી.
રઘુનાથજીએ ગમ્મત કરી છે,”હનુમાનજી જ્યાં સુધી ચપટી વગાડશે ત્યાં સુધી હું બગાસાં ખાઇશ.
હું પણ હનુમાનની જેમ આખી રાત જાગરણ કરીશ,”ભક્તની ચિંતા હંમેશા ભગવાન ને રહે છે.
રામજી બગાસાં ઉપર બગાસાં ખાય છે,સીતાજીને ગભરામણ થઇ-કે આ તો શ્વાસ ઉપડ્યો છે કે શું ?
રામજી કેમ કશું બોલતા નથી.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE