Apr 15, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૧

આ વૃક્ષને -અહીં સંસાર-રૂપી-અશ્વત્થ-નામ આપેલું છે.
સંસ્કૃત શબ્દ- અશ્વત્થ-નો અર્થ થાય છે-“જે એક ક્ષણ માત્ર પણ એક સમાન નથી”
જે પ્રમાણે વ્યાકુળ મનુષ્યનું મન સ્થિર રહેતું નથી હોતું અને ક્ષણે ક્ષણે નવા વિચારો કરે છે-
તેવી જ આ સંસારરૂપી વૃક્ષની સ્થિતિ છે.
પ્રત્યેક ક્ષણે –તે સંસાર-રૂપી વૃક્ષનો નાશ થતો હોવાથી,તેને- અશ્વત્થ- કહેવામાં આવે છે.

બાકી વ્યવહારમાં –પીપળા-ને અશ્વત્થ-કહે છે,પણ અહીં તેવો અભિપ્રાય નથી.

વળી આ સંસાર રૂપી વૃક્ષની ઉત્પત્તિ અને લય –અતિ ઝડપથી થાય છે-એટલે તે નાશ પામતું કે-
ફરીથી પેદા થતું –નરી આંખે જોઈ શકાતું નથી,એટલે તેને “અવ્યય” (અવિનાશી) પણ કહે છે.

જેવી રીતે રથનું ચક્ર (પૈડું) અતિ વેગ થી ફરતું હોય તો તેની ગતિ –ના- દેખાવાથી –
તે ચક્ર સ્થિર હોય તેવું લાગે છે-તેવી રીતે-
આ સંસારરૂપી વૃક્ષ નિત્ય નાશ પામે છે-અને ઉત્પન્ન થાય છે-તે જે જાણે છે-
તે જ સર્વજ્ઞ અને જ્ઞાતા (વેદવેતા-જ્ઞાની) છે.(૧)

ઉપર બતાવ્યું તેમ આ વૃક્ષનું મૂળ સહુથી ઉપર “બ્રહ્મ” છે.
તે મૂળમાંથી નીચેની બાજુએ-“બ્રહ્મદેવ”-વગેરેની મૂળભૂત શાખા (થડ) થઇ ને તેની મનુષ્યો-જીવોની
પ્રશાખાઓ (ઉપશાખાઓ) થઇને જે ડાળીઓ નીચે આવે છે,તેને પણ મૂળિયાં ફૂટી,નીચેની બાજુ એ
વેલ વધી પાંદડાં આવે છે.

એટલે એમ પણ કહી શકાય કે-આ વૃક્ષની શાખાઓ ગુણો  (સત્વ,રજસ,તમસ) થી વધેલી, અને-
વિષયો (શબ્દ,શ્વાસ-વગેરે)ના પાંદડાથી યુક્ત હોવાથી, તે ઉપરથી નીચે સુધી પ્રસરેલી છે.
અને નીચેની બાજુ એ મનુષ્યલોકમાં ડાળીઓને “કર્મો” રૂપી મૂળો –ફૂટે છે, અને તે મૂળો એકબીજામાં
ગૂંથાઈ જાય છે, અને આ કર્મોમાંથી,પછી નવી નવી ડાળીઓનું નિર્માણ થાય છે.(૨)

હવે કોઈના મનમાં એવી શંકા આવે કે-આ આટલા મોટા પ્રચંડ –સંસારવૃક્ષને ઉખેડી શકે તેવું
શું (કોઈ સાધન) હોઈ શકે ?

પણ-જે સાચું નથી-(જે સંસાર સાચો નથી) તેને ઉખેડી નાખવામાં વળી કયા સાધનની જરૂર ?
જે વૃક્ષનું વર્ણન કર્યું છે-તે તો વાંઝિયાના ઘરમાં છોકરાં-છૈયાં છે-એમ કહેવા સમાન જ છે.

જે જ્ઞાની છે-તેને આ સંસારરૂપી વૃક્ષની વાર્તા સ્પષ્ટ સમજાય છે-
કે આ સર્વ માયા છે,આ સર્વ મિથ્યા છે,આ સર્વ અજ્ઞાન છે.

વ્યવહારમાં અજ્ઞાન હોય ત્યાં સુધી જ –આ વૃક્ષનો અંત નથી –એમ કહેવાય છે.
જ્યાં સુધી બ્રહ્મજ્ઞાન –પ્રાપ્ત થયું નથી-ત્યાં સુધી-આ સંસારરૂપી અશ્વત્થ-વૃક્ષનો અંત નથી.

એટલે જ શ્રીકૃષ્ણ કહે છે-કે-દૃઢ વૈરાગ્યથી ઉપજેલ આત્મજ્ઞાનની તલવારથી (શસ્ત્રથી) આ બળવાન
સંસારરૂપી વૃક્ષ – અશ્વત્થને તુ ઉપરનાં મૂળ સહિત કાપી નાખ.(તેનો નાશ કર).(૩)

આત્મજ્ઞાનની તલવાર સરળતાથી વાપરી શકાય,તે માટે બુદ્ધિમાં વૈરાગ્યનું પ્રબળ બળ હોવું જોઈએ.
ઓકેલા અન્ન –પર જેટલી પ્રબળ ત્યાગવૃત્તિ થાય છે-
તેવી ત્યાગ-બુદ્ધિ જગતના સર્વ “ભોગો” પર થવી જોઈએ.
પદાર્થ માત્ર –પ્રત્યે-તીવ્ર “અનાદર” ઉત્પન્ન થાય –તેવો દૃઢ વૈરાગ્ય જોઈએ.

હવે જે –સારરૂપ વાત-જ્ઞાનેશ્વર કહે છે-તે સમજવામાં થોડુંક અઘરું લાગે.
પણ ધ્યાનથી વાંચવાથી કદાચ-આ સુંદર વાત સમજી શકાય તેવી જરૂર છે.

અહંતા-રૂપી મ્યાન (મ્યાન=તલવારનું કવર) માંથી, વૈરાગ્ય-રૂપી ખડગ (તલવાર) કાઢી,
(વિચારયુક્ત) બુદ્ધિ-રૂપી હાથમાં તે ગ્રહણ કરવું જોઈએ. પછી તે ખડગને –
વિવેક-રૂપી સરાણ (ધાર કાઢવાનો પથ્થર) પર ઘસીને-
“અહમ બ્રહ્મ” ના બોધની તીવ્ર ધાર કાઢવી, અને તેને અદ્વૈત-રૂપી પાણી ચઢાવવું.

આટલું થાય પછી,નિશ્ચય-રૂપી મુઠ્ઠીથી તે ખડગ ને પકડી.મનન કરી તેને એક-બે વાર અજમાવી જોવું.
ખડગનું જ્ઞાન અને તે ખડગની ક્ષમતા –એ બંનેનું ઐક્ય થવાથી-
આપણા આઘાતને સહન કરવા માટે તે દ્વૈત રૂપી વૃક્ષ ત્યાં ઉભું પણ રહેશે નહિ.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE