Jun 7, 2020

ભાગવત રહસ્ય -૨૯૮

શ્રાવણ વદ-૯ –જન્માષ્ટમીના દિવસે નંદમહોત્સવ થયો.નંદ મહોત્સવ માં શિવજી મહારાજ આવ્યા નહિ,તે સમાધિમાં છે,તેથી કૃષ્ણ-જન્મની ખબર પડી નહિ.
સમાધિમાંથી જાગ્યા પછી ખબર પડી કે –પરમાત્માનો અવતાર થયો છે.શિવજીને થયું કે-હું ગોકુલમાં દર્શન કરવા જઈશ.એટલે શ્રાવણ વદ-૧૨ ના દિવસે,જોગીલીલા થઇ છે,
શ્રીકૃષ્ણના દર્શન કરવા –શિવજી ગોકુલમાં પધાર્યા છે.ભાગવતમાં આ લીલાનું વર્ણન નથી,પણ અન્ય ગ્રંથોમાં આ લીલાનો વિસ્તાર કર્યો છે.સુરદાસજીએ પણ તેનું વર્ણન કર્યું છે.યોગીશ્વર શિવજી –યોગેશ્વર શ્રીકૃષ્ણના દર્શન કરવા આવ્યા છે.

યોગીશ્વર અને યોગેશ્વર તત્વથી એક જ છે,માત્ર રસ્તા જુદા છે.
ભગવાન શંકર નિવૃત્તિ ધર્મનો આદર્શ બતાવે છે,શ્રીકૃષ્ણ પ્રવૃત્તિધર્મનો આદર્શ બતાવે છે.
શ્રીકૃષ્ણ કહે છે-કે-નિરપેક્ષ (અપેક્ષા વગરના) થઇ ને પ્રવૃત્તિ કરો,નિષ્કામ ભાવે કર્મ કરો.
પ્રવૃત્તિ કરો પણ તેમાં આસક્તિ ના રાખો,તો તે પ્રવૃત્તિ –એ નિવૃત્તિ સમાન જ છે.
જયારે ભગવાન શંકર કહે છે-કે-જેને બ્રહ્માનંદ-ભજનાનંદ લેવો છે તેણે વિષયાનંદ છોડવો જ પડશે.
તેણે થોડી નિવૃત્તિ તો લેવી જ પડશે.પ્રવૃત્તિ બાધક છે,માટે નિવૃત્તિ લઇ પ્રભુનું ધ્યાન કરો.

શ્રીકૃષ્ણ,સંસારમાં રહે છે, પ્રવૃત્તિ કરે છે,પણ પ્રવૃત્તિથી લેપાતા નથી.
જયારે શિવજી ગામમાં પણ રહેતા નથી,સ્મશાનમાં રહે છે.
સ્મશાનમાં સમતા છે,રાજાનું કે ગરીબનું શબ આવે –પણ તેની ભસ્મ થાય છે.
શિવજી કહે છે-કે-પ્રવૃત્તિ ઓછી કરો,ઇન્દ્રિયોનો લય મનમાં કરો,મનનો લય બુદ્ધિમાં 
અને બુદ્ધિ નો લય –આત્મ-સ્વ-રૂપમાં કરો.

એક ખેડૂતને બે દીકરીઓ હતી,તેમાંની એક ખેડૂતને ત્યાં અને બીજી કુંભારને ત્યાં પરણાવેલી.
એક વખત પિતા- જે દીકરી ખેડૂતને ત્યાં આપેલી તેના ત્યાં આવ્યા.
દીકરીને પૂછ્યું-કેમ બહેન કેમ ચાલે છે ?
દીકરી કહે છે-કે-જમીન તૈયાર કરી છે,પણ વરસાદ પડતો નથી,વરસાદ પડે તો લહેર છે.
તે પછી પિતા બીજી દીકરીને ઘેર ગયા અને તેણે કુશળ સમાચાર પૂછ્યા.
તે દીકરી કહે છે-માટીનાં વાસણ તૈયાર કર્યાં છે,તેણે ભઠ્ઠીમાં ચઢાવવા છે,એક વાર વાસણ તૈયાર થઇ જાયતે પછી વરસાદ પડે તો સારું.હું પ્રાર્થના કરું છું કે હમણાં વરસાદ હાલ-ના પડે તો સારું.
વરસાદ પડે તો એક દીકરી દુઃખી થવાની છે અને ના પડે તો બીજી દીકરી દુઃખી થવાની છે.

આ બાપ-દીકરીઓની કથા નથી.જીવ માત્રની પ્રવૃત્તિ અને નિવૃત્તિ બે કન્યાઓ છે.
આ બે કન્યાઓ (નિવૃત્તિ ને પ્રવૃત્તિ) એક સાથે સુખી થઇ શકે નહિ.
નિવૃત્તિનો આનંદ લેવો હોય તો પ્રવૃત્તિ છોડવી જ પડશે.
પણ મનુષ્યને આ બંને કન્યાઓ (પ્રવૃત્તિ અને નિવૃત્તિ) ને આનંદમાં રાખવી છે.
બંને આનંદ સાથે મેળવવા છે,પ્રવૃત્તિ છોડવી નથી અને નિવૃત્તિનો આનંદ મેળવવો છે.
પ્રવૃત્તિમાં રહીને આત્માનંદ-ભજનાનંદ મેળવવો અશક્ય છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE