Jun 8, 2020

ભાગવત રહસ્ય -૨૯૯

ઉકરડામાં અત્તરની સુવાસ આવી શકે જ નહિ.આખો દિવસ સંસારની પ્રવૃત્તિમાં ફસાયેલો રહે તેને આનંદ મળતો નથી.રોજ થોડો સમય થોડી નિવૃત્તિ પણ લેવી જોઈએ.નિવૃત્તિનો આનંદ લેવો હોય તો –છેવટે મનથી પણ થોડો સમય પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ.શરીરમાં શક્તિ હોય –ત્યારે વિવેકથી પ્રવૃત્તિ ઓછી કરવી જોઈએ,અથવા પ્રવૃત્તિ છોડવી જોઈએ.અતિ પ્રવૃત્તિ અને ભક્તિને વિરોધ છે.

બહુ પરોપકારની ભાવનાથી પણ અતિ પ્રવૃત્તિ રાખવી નહિ–તે સારું છે-પણ અતિ સારું નથી.
બ્લડપ્રેસર વધે અને ડોક્ટર કહે –ત્યારે શેઠ ઘરમાં બેસે તેનો કોઈ અર્થ નથી.
એકદમ પ્રવૃત્તિ છોડી ના શકાય તો થોડી થોડી ઓછી કરી શકાય.પ્રભુ માટે થોડો સમય કાઢવો જોઈએ.
સામાન્ય જીવ બધી પ્રવૃત્તિ છોડે તે પણ સારું નથી,કારણ કે ત્રણ ચાર કલાક પછી,જીવ કંઈક બીજું માગશે.
વિરક્ત સાધુ મહાત્માઓની જુદી વાત છે.

મહાત્માઓ કહે છે-કે-પ્રવૃત્તિ વિવેકથી કરવાની,અને ધીમે ધીમે ઓછી કરવાની.
પ્રવૃત્તિ કરવાની પણ ફળની અપેક્ષા રાખવાની નહિ.અને પ્રવૃત્તિમાં લેપાવાનું નહિ.
પ્રવૃત્તિ બાધક નથી પણ ફળની આસક્તિ બાધક છે.મનુષ્ય વાતો બ્રહ્મજ્ઞાનની (વેદાંતની) કરે 
અને પ્રેમ પૈસા સાથે કરે,સ્ત્રી સાથે કરે કે જડ પદાર્થો સાથે કરે.એને બ્રહ્મજ્ઞાન કોઈ દિવસ પચે નહિ.
જગત ખોટું છે એમ બોલવામાં લાભ નથી પણ-જગત ખોટું છે-એમ સમજવામાં લાભ છે. 
જગત ખોટું છે એમ માની જગતમાં રહેવાનું છે,વ્યવહાર ખોટો છે એમ માની વ્યવહાર કરવાનો છે-
પણ-મનુષ્ય પૈસાને ભૂલતો નથી અને ઈશ્વરને ભૂલી જાય છે,અને તેનું તેને ભાન પણ નથી.

ભગવાન શંકર શ્રાવણ વદ બારસને દિવસે શ્રીકૃષ્ણના દર્શન કરવા જાય છે.
સારો સંગ મળે તો આસક્તિ થાય છે,ખરાબ સંગ મળે તો દ્વેષ થાય છે.બંને રીતે નુકશાન છે.
સત્સંગમાં અનેક વૈષ્ણવો હોય તો આનંદ મળે છે,પણ પ્રભુના દર્શનમાં કોઈનો સાથ કામનો નથી.
ભગવાન શંકર વિચારે છે,કે કોઈ ને સાથે લેવા નથી.પણ શંકરના ખાસ ગણ શૃંગી અને ભૃંગી ને ખબર પડી છે,તેઓ કહે છે-કે મહારાજ અમે તો સાથે આવશું જ.
શંકરજી એ ના પાડી છે,કહે છે.-કે હું એકલો જ જઈશ,તમે આવો તો મારા ધ્યાન-દર્શનમાં વિક્ષેપ પડશે.

ગણો કહે છે-કે અમે જરા પણ વિક્ષેપ કરીશું નહિ.અમને સાથે લઇ જ જાઓ નહિતર અમે જાહેર કરીશું કે આ સાધુ નથી પણ ભગવાન શંકર છે.તમારુ પોલ ખુલ્લું થઇ જશે. શિવજીએ તેમને સાથે લીધા છે.
શૃંગી-ભૃંગી-બે ચેલા થયા છે. શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારી-કીર્તન કરતા કરતા ગયા છે.
“ઔર આયે સદાશિવ ગોકુલ મેં” મહાત્માઓ અનેક રીતે આ લીલા વર્ણવે છે.

આજ સુધી જે નિરંજન-નિરપેક્ષ હતા તે આજે “દર્શન”ની -અપેક્ષા વાળા બન્યા છે.
જે બ્રહ્મ દુર્લભ હતું,કોઈને દેખાતું નહોતું –તે આજે સર્વને સુલભ થયું છે.(શ્રી કૃષ્ણ સ્વ-રૂપે)
જે –આંખ ને –“જોવાની શક્તિ” ઈશ્વર આપે છે,તે આંખ ઈશ્વરને કઈ રીતે જોઈ શકે ?
જ્ઞાનમાર્ગમાં ઈશ્વર “દ્રષ્ટા” (જોનાર-આંખ) છે –દૃશ્ય નથી.
ભક્તિમાર્ગમાં પરમાત્મા –દ્રષ્ટા ને દૃશ્ય -બંને છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE