More Labels

May 31, 2013

ભાગવત રહસ્ય -૩૧૩

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
      PREVIOUS PAGE
     NEXT PAGE
સ્કંધ-૧૦ (પૂર્વાર્ધ)-૩૬

યશોદાજી વિચારે છે-કે- આખું ગામ મારે ત્યાં આવવાનું છે,ઘરમાં ભીડ અને અવાજ થશે,તો સૂઈ ગયેલો
લાલો જાગી જશે એટલે લાલા નું પારણું ઘર બહાર ઝાડ નીચે,ગાડા ની તળે બાંધ્યું છે.

યશોદાજી એક એક ગોપીનું સન્માન કરે છે,કોઈ તેના બાળક ને લીધા વગર આવી હોય તો ઠપકો આપી બાળક ને લેવા મોકલે છે.ગોપી ઘેર જઈ બાળક ને લઈને આવે –એટલે યશોદાજી બાળક ના કપાળ માં
તિલક કરે છે ને હીરા-મોતી ની કંઠી પહેરાવે છે,બાળક ને સુંદર કંઠી આપે એટલે મા ને આનંદ થાય છે.
ગોપીઓ હૃદય થી આશીર્વાદ આપે છે. બાલકૃષ્ણલાલ કી જય હો.
ઘરમાં આવેલાં વ્રજવાસીઓ નું સન્માન કરતાં તન્મય થયા છે,લાલાને ભૂલી ગયા છે.

બીજી બાજુ બાલકૃષ્ણ જાગ્યા છે,આંખો ખોલી ને જુએ છે –કે- “મા ક્યાં છે ? મારી મા ઉત્સવ મારો કરે છે અને મને જ ભૂલી ગઈ છે,મને અહીં ગાડા નીચે રાખ્યો છે,ઘરની બહાર કાઢ્યો છે,”

ઉત્સવ ના દિવસે ભગવાન ને ભૂલી જવા –એ બરાબર નથી.
મનુષ્ય સારું કર્મ કરે અને ભગવાન ને ભૂલે તો –સૂક્ષ્મરૂપે અભિમાન વધે છે.
“હું કરતો નથી,ભગવાન કરે છે” તેમ માનવાથી અને “સારું કર્મ ભગવાને કરાવ્યું અને ખરાબ થાય તો તે મેં કર્યું”  એવું માનવું –તેને  જ ભક્તિ કહે છે.
મનુષ્ય શું કરવાનો હતો ? શક્તિ અને બુદ્ધિ નું દાન તો ઈશ્વર કરે છે.
યશોદા મા- લાલા ને ભૂલી ગયાં એટલે વિપત્તિ આવી. (શકટા-સુર રાક્ષસ આવ્યો)

જીવન માં જ્યાં સુધી થોડીક પણ અપેક્ષા છે-ત્યાં સુધી વ્યવહાર છૂટતો નથી, વ્યવહાર કરવો પડે છે.
વ્યવહાર કરવો તે ગુનો નથી પણ વ્યવહાર કરતાં કરતાં તેની સાથે એક થવું તે ગુનો છે.
ધંધો કરવો તે પાપ નથી પણ ધંધો કરતા ભગવાન ને ભૂલી જવા તે પાપ છે.
વેપારી દુકાન માં ભગવાન ની પૂજા કરે છે,પણ ગ્રાહક વસ્તુ લેવા આવે એટલે તરત તે ભગવાન ને ભૂલી જાય છે. ગ્રાહક ને તે ઈશ્વરની સન્મુખ જ છેતરે છે.
પાંચ રૂપિયા ની વસ્તુ પચીસ માં આપે અને છતાં ગ્રાહક ને કહે કે –તમે મારા મિત્ર છો એટલે પડતર ભાવે આપું છું. લેનાર એમ સમજે છે-કે ભાઈબંધ છે એટલે ખોટ ખાઈ ને માલ આપે છે.
તેને “પડતર ભાવ” નો જે શબ્દ વેપારી બોલે છે-તેના અર્થ ની ખબર નથી.
“પડતર ભાવ” એટલે કે-તું પડવાનો-અને-હું તરવાનો.

લક્ષ્ય ને લક્ષ્ય માં રાખી વ્યવહાર કરવાનો છે. અને લક્ષ્ય છે-પરમાત્મા ને મળવાનું.
લક્ષ્ય ને જે ભૂલે છે-તે ચોર્યાસી લાખ ના ચક્કર માં ભમે છે.
જ્ઞાની મહાત્માઓ ઈશ્વરને ભૂલતા નથી અને વ્યવહાર કરે છે.

ગોપીઓ નું સન્માન કરતાં યશોદાજી- લાલા ને ભૂલી ગયાં તે લાલા ને ઠીક ના લાગ્યું, એટલે ધીરે ધીરે
રોવાનું ચાલુ કર્યું, બાળક રોવે એટલે પગ પણ ઉંચા થાય છે,લાલા ના પગ પણ ઉંચા થયા છે.
ઉપર જુએ તો –ગાડા પર શકટા-સુર રાક્ષસ (પૂતનાનો ભાઈ) બેઠો છે,પૂતનાનું વેર લેવા આવ્યો છે.
રાક્ષસ વિચારે છે-કે –આ બાળકે જ પૂતના નો વધ કર્યો છે,અત્યારે લાગ સારો છે, ગાડા પર બેસીને દબાવી
દઉં એટલે તે મરી જશે. કૃષ્ણ પણ મન માં વિચારે છે-કે મામા કંસે વળી આ નવું રમકડું મોકલ્યું લાગે છે.
એટલે પગ ઉછાળી ગાડા ને પગથી ઠોકર મારી.એટલે ગાડું ઉંધુ પડી ગયું અને શકટા-સુર પણ ઉથલી ગયો
અને ઉકલી ગયો.(મરી ગયો). આ ભાણો એવો છે કે મામા નાં બધાં રમકડાં તોડી નાખે છે.

યશોદાજી અને ગોપીઓ દોડતાં દોડતાં ત્યાં આવ્યાં અને લાલા ને એકદમ ઉઠાવી લીધો છે,બધાં વિચારે છે કે આ ગાડું- ઉંધુ કેવી રીતે થયું ? સારું થયું કે લાલો બચી ગયો. ત્યાં રમતાં બાળકો કહે છે-કે-
મા આ લાલો રડતો હતો અને તેને પગ લાંબા કરીને આ ગાડું ઉંધુ પાડ્યું અને આ રાક્ષસ ને માર્યો છે.
યશોદાજી માનવા તૈયાર નથી,ત્રણ મહિના નો લાલો ગાડા ને ઉંધુ કેવી રીતે પાડી શકે ?

કનૈયા ને મારવા શકટા-સુર આવ્યો પણ પોતે જ હરિ ને શરણ થયો. (શકટ ભંજન-લીલા)

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE