Jun 22, 2020

ભાગવત રહસ્ય -૩૧૨

ગરીબની પૂજા કરવી અને મદદ કરવી –એ બેમાં અંતર છે.મદદ કરવાથી “હું” વધી જાય તો તે દાન કશા કામનું નથી.દાન આપ્યા પછી,જો અભિમાન મરે,દીનતા આવે તો દાન સફળ થાય છે.ગરીબમાં રહેલા ઇશ્વરની પૂજા કરવાની છે.પૂજા ના થાય તો 
છેવટે મનથી પૂજા કરી બે હાથ જોડવાના છે,અને દાન લીધા માટે આભાર માનવાનો છે.ગરીબ ને દાન આપશો તો તે આભાર માનશે,પણ તેની મનથી પૂજા કરો અને તેનો આભાર માનો તો-તે આશીર્વાદ આપે છે.પરમાત્માની પૂજા ખાલી મંદિરમાં જ થાય તેવું નથી.બીજી અનેક રીતે થાય છે.

કનૈયાનું પ્રાગટ્ય થયું ત્યારે ગોપીઓ ભેટ આપવા લઈને દોડી હતી, તે વખતે યશોદાજી સામી ભેટ આપવા
ગયાં ત્યારે ગોપીઓએ કહેલું- આજે તો અમારે કનૈયાને આપવાનું હોય,લેવાનું નહિ.એટલે તે વખતે કોઈ ગોપીએ લીધું નથી.લેવાની ઈચ્છા છે-ત્યાં મોહ છે,આપવાની ઈચ્છા છે-ત્યાં પ્રેમ છે.યશોદાજીએ આખા ગામને આમંત્રણ આપ્યું છે. નંદબાબા કહે છે-કે-તું આપવામાં બિલકુલ સંકોચ ના રાખતી,કનૈયો આવ્યો ત્યારથી ખબર પડતી નથી કે –કોણ મારા ઘરમાં મૂકી જાય છે.

લક્ષ્મીજી તો ત્યારે મનુષ્યને છોડી ને જાય છે-કે-જ્યારે તે લક્ષ્મીજીનો દુરુપયોગ કરે.
કહે છે-કે-જીવનમાં એક દશકો એવો આવે છે-કે જયારે ભાગ્ય અનુકૂળ (ભાગ્યોદય) થાય છે.
મહાત્માઓ કહે છે-કે-જયારે ભાગ્યોદયનો સમય હોય ત્યારે પ્રેમથી ખૂબ દાન કરજો,વાપરજો,સંકોચ રાખશો
નહિ,જેટલું આપશો તેનાથી બમણું પાછું આવશે,અને લક્ષ્મીજી ઘરમાં અખંડ વિરાજશે.”

પણ ભાગ્ય જો પ્રતિકૂળ થાય તો સંપત્તિને સાચવવા પ્રયત્ન કરવામાં આવે તો પણ તે ઘરમાં રહેતી નથી.
ભાગ્ય પ્રતિકૂળ થતાં ધર્મરાજા યુધિષ્ઠિર,નળરાજા વગેરે પણ દરિદ્રી થયા હતા.તો સાધારણ મનુષ્યનો તો
શું હિસાબ ? જેટલું હાથે વાપર્યું હોય તે સાથે આવશે.
શાસ્ત્રો કહે છે-કે-છોકરાંઓ માટે બહુ રાખવું નહિ,છોકરો લાયક હશે તો કમાઈ લેશે અને નાલાયક પુત્ર માટેગમે તેટલું રાખો,પણ એક દિવસ તો તે જરૂર દેવાળું કાઢશે,દુઃખી થશે.

આજે ભાગ્ય અનુકૂળ છે,યશોદાજી ખૂબ દાન કરે છે,યશોદાજી વિચાર કરે છે-કે આ કનૈયો સૂઈ જાય તો મારાથી બધાનું સન્માન થઇ શકે.લાલા એ વિચાર્યું ,મા ની ઈચ્છા છે તો હું સૂઈ જાઉં.
યશોદા વિચારે છે-કે-હું જયારે કહું ત્યારે સૂઈ જાય છે અને –જાગ કહું –ત્યારે જાગે છે,બહુ ડાહ્યો છે.
લાલો આનંદ-સ્વ-રૂપ છે.લાલાએ મા ને ત્રાસ આપ્યો નથી. લાલાએ આંખો બંધ કરી દીધી છે.
અંદરથી જાગે છે.લાલાજીને નાટક કરતાં બહુ આવડે છે,એટલે તો તેનું નામ “નટવર” પડ્યું છે.
માતાને બતાવે છે કે –તે સૂઈ ગયો છે.
“શ્રીકૃષ્ણ સૂઈ જાય તો જગતમાં જાગતો કોણ રહેશે ?”કૃષ્ણ સુએ છે-કે- જાગે છે-એ બાબતમાં શાંકરભાસ્યમાં લખ્યું છે-કે-ઈશ્વર નિષ્ક્રિય છે,પણ માયાના (પ્રકૃતિ ના) કારણે તેનામાં ક્રિયાનો આરોપ થાય છે.
ઉદાહરણથી જોઈએ તો-ગાડી મુંબઈ સ્ટેશને આવે એટલે લોકો કહે છે-કે- મુંબઈ આવ્યું. પણ વિચાર કરવાથી ખબર પડે છે કે-મુંબઈ આવ્યું નથી કે મુંબઈ ગયું નથી.

ઈશ્વર ક્રિયા (કર્મ) કરતા નથી,લીલા કરે છે,લીલામાં સ્વાર્થ ના હોવાથી લીલા આનંદરૂપ છે.
ક્રિયા (કર્મ) અને લીલા વચ્ચે નો તફાવત એ છે કે-જે ક્રિયાની પાછળ-કર્તૃત્વનું અભિમાન છે,પોતે સુખી થવાની ભાવના છે- તે ક્રિયા.(જીવની બધી ક્રિયા) જે ક્રિયા પાછળ કર્તૃત્વ નું અભિમાન નથી,બીજાને સુખી કરવાની ભાવના તે લીલા.(ભગવાનની લીલા)
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE