More Labels

Jun 13, 2013

ભાગવત રહસ્ય -૩૨૬

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
      PREVIOUS PAGE
     NEXT PAGE
સ્કંધ-૧૦ (પૂર્વાર્ધ)-૪૯

દૂધ દોહવાનો સમય થાય એટલે બાંધેલાં વાછરડાં ને છોડવામાં આવે છે,તે થોડું દૂધ પીવે પછી,
દૂધ દોહવામાં આવે છે, પણ સમય ના થયો હોય અને તે પહેલાં વાછરડાં ને છોડે તે શ્રીકૃષ્ણ.

વાછરડા નો અર્થ થાય છે-વિષયાશક્ત જીવ..
પરમાત્મા ની વિશિષ્ટ કૃપા થાય તો,બંધનમાંથી મુક્ત થવાનો સમય ના થયો હોય તો પણ –પરમાત્મા જીવાત્મા ને બંધનમાંથી છોડાવે છે.

શાસ્ત્ર માં મુક્તિ ના બે પ્રકાર બતાવ્યા છે.(૧) ક્રમ મુક્તિ (૨) સદ્યોમુક્તિ.

સમય આવ્યે (ક્રમ થી સમય આવ્યે) મુક્ત કરે તે મર્યાદા પુરુષોત્તમ રામ.
પણ કનૈયો તો પુષ્ટિ પુરુષોત્તમ છે.જીવ લાયક ના થયો હોય તો પણ જીવ ને ક્રમ પ્રમાણે નહિ,
પણ તરત મુક્તિ આપે છે. આ પુષ્ટિ માર્ગ-કૃપામાર્ગ છે.

ક્રમમુક્તિ એટલે -૮૪ લાખ યોનિઓમાં ભ્રમણ કર્યા પછી, પાપ અને પુણ્ય સરખું થાય –તે પછી,
જીવને મનુષ્ય નો અવતાર મળે છે.મનુષ્ય અવતારમાં પણ –કર્મ પ્રમાણે જુદા જુદા વર્ણધર્મ
અને બ્રહ્મચર્ય ધર્મ નું પાલન કરી છેવટે –બ્રહ્મનિષ્ઠ યોગી તરીકે જન્મ મળે છે.
યોગી સદા સાવધાન રહે છે,નવું પ્રારબ્ધ ઉભું કરતા નથી,જે પ્રારબ્ધ લઈને આવ્યો હોય તે જ
ભોગવીને ,પરમાત્મા સાથે મન થી યોગ સિદ્ધ કરે છે.

સતત યોગ સાધના કરે,બ્રહ્મચિંતન કરે,ધ્યાન ધારણા કરે,તેણે પણ ત્રણ જન્મ લેવા પડે છે.
ક્રિયમાણ,સંચિત અને પ્રારબ્ધકર્મો બળે એટલે જીવ શુદ્ધ થાય છે.અને છેવટે પરમાત્મા ના ચરણ માં લીન થાય છે. આ પ્રમાણે ક્રમે ક્રમે ચડીને જીવ આગળ વધે અને ક્રમ થી મુક્તિ મેળવે છે.

પણ સદ્યોમુક્તિ માં કોઈ ક્રમ નથી. ઠાકોરજી જે જીવ પર કૃપા કરે તેને વૈકુંઠ માં લઇ જાય છે.
રાજા ધારે તે વ્યક્તિ ને રાજા બનાવી શકે,તો ઠાકોરજી અસમયે પણ મુક્તિ આપે તેમાં શું આશ્ચર્ય ?
શ્રીકૃષ્ણ ની કૃપા-શક્તિ સર્વથી શ્રેષ્ઠ છે,શ્રીકૃષ્ણ સદ્યોમુક્તિ આપે છે.

પરમાત્મા વિશિષ્ઠ કૃપા ક્યારે કરે ? તો કહે છે કે-
આ જીવ ખૂબ સાધન કરે,સેવા,સ્મરણ કરે પરંતુ જરાય અભિમાન થવા ના દે.
અને દીન થઈને પ્રભુ પાસે રડી પડે,પરમાત્માને પ્રાર્થના કરે કે-
“નાથ,હવે કૃપા કરો,મારે હવે કોઈના પેટમાં જવું નથી,સંસારમાં રખડવું નથી.”
પરમાત્મા ને આવી રીતે રડતાં રડતાં જે મનાવે,તેના પર તે વિશિષ્ઠ કૃપા કરે છે.

અનેક જન્મ નાં પાપો પહાડ જેવાં છે,તે સાધનથી કેટલાં દૂર થઇ શકે?
તો પણ જીવ જયારે દીન બને છે,કરેલાં પાપો ને યાદ કરે છે,પરમાત્મા ના ઉપકારો ને યાદ કરે છે,
ત્યારે હૃદય પીગળે છે,આંખમાંથી આંસુ નીકળે છે.એકાંત માં બેસીને તે લાલાજી માટે રડે છે,
પરમાત્મા માટે રડે છે,ત્યારે પરમાત્મા પણ પીગળે છે અને વિશિષ્ઠ કૃપા કરે છે.

શ્રીકૃષ્ણ તો રાજાધિરાજ છે,તેણે પૂછનાર કોણ ? ભગવાન કહે છે-કે-કાયદો મારા માટે નથી,
હું જે જીવ પર કૃપા કરું છું તેણે તરત જ મુક્તિ આપું છું.
ક્રમ-મુક્તિ એ કાયદો છે,પણ ભગવાન માટે કાયદાનું બંધન નથી,તે તરત સદ્યો-મુક્તિ આપે છે.

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE