Jul 20, 2020

ભાગવત રહસ્ય -૩૩૭

મનનો નિરોધ ત્યારે થાય કે-મનમાં જગતના કોઈ પણ જીવ તરફ વિરોધ ના હોય.
મનના નિરોધમાં વિઘ્ન કરનાર વિરોધ અને વાસના છે.જગતના ભોગપદાર્થો ભોગવવાની વાસના અને વિરોધ જાય તો આપોઆપ નિરોધ થાય,અને અનાયાસે જીવને મુક્તિ મળે. શ્રીકૃષ્ણલીલામાં અનાયાસે મન નો નિરોધ થાય છે.જગતની વિસ્મૃતિ અને અખંડ ભગવતસ્મૃ-તિ (ઈશ્વરમાં આસક્તિ) એ નિરોધ છે.પ્રભુના હૃદયમાં જઈ ને રહેવું-કે પ્રભુને હૃદયમાં રાખવા તે નિરોધ છે.

આગળ પૂતના ચરિત્રમાં આવી ગયું કે-વાસના આંખમાં,કાનમાં હોય છે.માટે-કૃષ્ણ કથામાં કાનને સ્થિર કરવાના અને આંખમાં કૃષ્ણની રૂપ-માધુરી ને સ્થિર કરવાની.શ્રીકૃષ્ણ લીલા એ નિરોધ લીલા છે.
ઘડીભર માની લો કે-આ સંસાર સુંદર છે,પણ પછી જરા વિચાર કરો કે-તો આ સંસારને બનાવનાર કેટલો સુંદર હશે ? મનુષ્ય સૌન્દર્ય જોવા કાશ્મીર જાય છે,પણ ત્યાં જવાની કોઈ જરૂર નથી,કારણ કે ખરું સૌન્દર્ય તો ઈશ્વરમાં છે,અંતરમાં છે.તે સૌન્દર્યનો અનુભવ લેવાની જરૂર છે.પ્રયત્ન કરવાની જરૂર છે.

ભાગવત એમ નથી કહેતું કે-ફક્ત શ્રીકૃષ્ણમાં જ તન્મય થાવ.પણ તે કહે છે કે-ઈશ્વરના કોઈ પણ એક રૂપમાં –તન્મય થાવ,તમને ગમે તે ઈશ્વરનું સ્વરૂપ તમે અપનાવો,તન્મય થાવ અને મુક્તિ મેળવો.
શંકરાચાર્યે કહ્યું છે-કે-એકમાં અનન્ય ભક્તિ રાખો,અને અન્યને અંશરૂપ માની તેને વંદન કરો.
આ પ્રમાણે અંશાત્મક પ્રેમ રાખો તો ભક્તિમાં રાગ-દ્વેષ આવશે નહિ.તે જ અનન્ય ભક્તિ છે.
આસિદ્ધાંત ને દૃષ્ટાંતથી સમજીએ.સ્ત્રીનો ૧૦૦ ટકા પ્રેમ પોતાના પતિમાં હોય છે.પતિના બીજા સગાઓમાં તે અંશાત્મક પ્રેમ રાખી તેમની સેવા કરે છે,તેથી કાંઈ તેના પતિ પર જે પ્રેમ છે તેનામાં ન્યૂનતા આવતી નથી.

શુકદેવજી સાવધાન કરે છે.વિષયોનું ચિંતન કરતાં,મન વિષયોમાં ફસાય છે.આત્મા એ મન નથી પણ મનનો સાક્ષી છે.“મન બગડ્યું છે” એ જેને દેખાય છે તે આત્મા છે.આત્મા તો શુદ્ધ છે,આત્મા તો હંમેશાં મુક્ત જ છે.
બંધનવાળું મન છે.તેથી મનને મુક્તિ મળે અને પછી મુક્ત આત્માનો અનુભવ થાય છે.
જેને બંધન છે તેને મુક્તિ મળે છે,જેને બંધન નથી તેને મુક્ત થવાનો સવાલ જ ઉભો થતો નથી.
આત્મા ને જો બંધન જ નથી તો મુક્તિ ક્યાંથી ?

આત્મા પરમાત્માનો અંશ છે,આત્માને કોઈએ બાંધ્યો નથી.વિષયોમાં મન બંધાયું છે,
તેથી આત્મા કલ્પના કરે છે,કે મને બંધન થયું છે.તેથી આત્માનું બંધન તે કાલ્પનિક છે.
કેટલાક આચાર્યો આત્મા અને પરમાત્માને એક માને છે.જયારે કેટલાક વૈષ્ણવ આચાર્યો કહે છે કે-
જીવ ને ઈશ્વર એક નથી,તેઓ આત્માને પરમાત્માનો અંશ માને છે.
આત્મા –એ અંશ છે અને પરમાત્મા –એ અંશી છે-તેમ તેઓ માને છે.
ગીતા માં શ્રીકૃષ્ણ કહે છે-કે-મમૈવાન્શો જીવ લોકે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE