Aug 7, 2020

ભાગવત રહસ્ય -૩૫૪

શ્રીકૃષ્ણ બાલ મિત્રોને કહે છે-કે-મારે આજે બળદગાડાની લીલા કરવી છે.એટલે હું બંધાયો છું.બાળમિત્રો પૂછે છે કે- લાલા,બળદગાડાની લીલા એટલે શું ?
કનૈયો સમજાવે છે કે-બળદગાડાની લીલામાં હું બળદ થઈશ અને ખાંડણીયું થશે ગાડું. હું ખાંડણીયાને બળદગાડાની જેમ ખેંચીશ.દામોદર –શ્રીકૃષ્ણે વિચાર કર્યો કે હું બંધનમાં આવીશ પણ અનેક જીવોને બંધનમાંથી મુક્ત કરીશ.

શ્રીકૃષ્ણ ખાંડણીયાને ખેંચતા ખેંચતા ઘરની બહાર રહેલા યમલાર્જુનના બે ઝાડ પાસે આવ્યા અને તે બે ઝાડ વચ્ચે થઇને નીકળ્યા.તે વખતે ખાંડણીયો આડો પડી બે ઝાડ વચ્ચે ફસાઈ ગયો.શ્રીકૃષ્ણે પેટ પર બાંધેલા દોરડાથી તેને ખેંચ્યો,એટલે તે બે વૃક્ષ પડી ગયાં અને તેમાંથી બે તેજસ્વી પુરુષો બહાર આવ્યા.
આ બે વૃક્ષો અગાઉના જન્મમાં કુબેરના બે પુત્રો નળકુબેર અને મણીગ્રીવ નામના યક્ષો હતા.
નારદજીના શાપથી તેઓનો વૃક્ષ તરીકે અવતાર થયેલો.
પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે-નારદજીએ તેઓને શા માટે શાપ આપેલો ?તેની કથા વિસ્તારપૂર્વક કહો.

શુકદેવજી વર્ણન કરે છે કે-નારદજીએ ક્રોધ કરી ને નહિ પણ કૃપા કરીને શાપ આપ્યો હતો.
કુબેર ભંડારીના આ બે પુત્રો ને બાપની બહુ સંપત્તિ મળી એટલે ભાન ભૂલ્યા છે.
પસીનો પાડ્યા વગર બાપનું ધન પુત્રને મળે તો તે મોટે ભાગે ઉડાઉ થાય છે.બુદ્ધિને બગાડે છે.
સંપત્તિ અને સન્મતિ સાથે રહી શકતાં નથી.સંપત્તિના અતિરેકમાં સદવર્તન રહેતું નથી.અતિ સંપત્તિથી 
અનેક દોષો આવે છે.બાણભટ્ટે “કાદમ્બરી” માં લક્ષ્મીથી કેટલા દોષો આવે છે તેનું ખૂબ સારું વર્ણન કર્યું છે.

નળકુબેર અને મણીગ્રીવ,પણ બાપની સંપત્તિના અતિરેકમાં ભાન ભૂલ્યા અને ખૂબ મદિરાપાન કરીને 
ગંગાકિનારે આવ્યા અને ગંગાના પવિત્ર જળમાં નગ્ન થઇને યુવાન સ્ત્રીઓ સાથે જળવિહાર કરવા લાગ્યા.
તીર્થમાં વિલાસી જાય તો તે તીર્થની મર્યાદાનો ભંગ કરે છે.મહાપ્રભુજીએ દુઃખથી કહ્યું છે કે-તીર્થમાં વિલાસી લોકો રહેવા આવવા લાગ્યા એટલે તીર્થમાંથી દેવો પલાયન થઇ ગયા.

દેવર્ષિ નારદ ત્યાંથી તે વખતે પસાર થતા હતા.તેમને આ દ્રશ્ય જોયું.તેમને આ ઠીક લાગ્યું નહિ.
નારદજીને જોયાં છતાં નળકુબેર અને મણીગ્રીવે કપડાં પહેર્યા નહિ અને જળવિહાર ચાલુ રાખ્યો.
નારદજીને અતિ દુઃખ થયું.તે વિચારે છે-કે-કેવું સુંદર શરીર મળ્યું છે,છતાં તેનો કેવો દુરુપયોગ કરી રહ્યા છે.
માનવ શરીર ભોગ માટે નહિ પણ ભગવાન માટે,ભગવાનની સેવા કરવા માટે મળ્યું છે.
શરીર ભગવાનનું છે.આ શરીરની અંતે શું ગતિ થાય છે? 
પશુ-પક્ષી ખાઈ જાય અથવા રાખનો ઢગલો થાય છે,પણ આનો કોઈ વિચાર કરતુ નથી.
લક્ષ્મીના મદ માં આ નાશવંત શરીરને લોકો અજર-અમર માને છે ને બીજાં પ્રાણીઓનો દ્રોહ કરે છે.

સો રૂપિયાની નોટ ફાટી ગયેલી હોય તેના પર ડાઘા પડ્યા હોય પણ જો નોટનો નંબર દેખાતો હોય 
તો તેને કોઈ ફેંકી દેતું નથી,તેમ આ શરીર ફાટેલું છે ગંદુ છે પણ તેના પરનો નંબર સારો છે.
આ શરીરથી જ ભગવાન નું ભજન થાય છે.નામજપનો આનંદ માત્ર મનુષ્યને જ મળે છે.
પશુ-પક્ષીઓ નામજપ કરી શકતા નથી.તેમને તો પોતાના સ્વ-રૂપની પણ ખબર નથી,
તો તે ભગવાનને તો કેવી રીતે જાણી શકે ?
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE