Aug 6, 2020

ભાગવત રહસ્ય -૩૫૩

સુરદાસજીએ પણ લાલાજીને પ્રેમથી કીર્તન કરીને હૃદયમાં બાંધ્યા હતા.કહેવાય છે કે-સુરદાસજી જયારે કીર્તન કરતા ત્યારે બાલકૃષ્ણલાલ જાતે આવીને સાંભળતા હતા.
સુરદાસજીના ઇષ્ટદેવ “બાલકૃષ્ણલાલ” છે.એક દિવસ સુરદાસજી ચાલતા જતા હતા તે વખતે તેઓ રસ્તામાં એક ખાડામાં પડી ગયા.આંખે અંધ એટલે હવે ખાડામાંથી બહાર કેવી રીતે નીકળે ? તેઓ શ્રીકૃષ્ણનું સ્મરણ કરે છે.

શ્રીકૃષ્ણને દયા આવી અને ગોપબાળનું રૂપ ધારણ કરી ત્યા આવ્યા અને સુરદાસજીનો હાથ પકડી તેમને બહાર કાઢે છે. શ્રીકૃષ્ણના કોમળ હાથના સ્પર્શથી સુરદાસજી ને લાગ્યું કે –આ સાક્ષાત ભગવાન હોવા
જોઈએ. સુરદાસજી પૂછે છે –કે-તમે કોણ છે ?શ્રીકૃષ્ણે જવાબ આપ્યો કે-હું તો નંદગામના એક ગોવાળનો છોકરો છું.એમ કહી શ્રીકૃષ્ણ સુરદાસજીનો હાથ છોડીને ત્યાંથી છટકવાની તૈયારી કરે છે..
સુરદાસજી ખબર પડી ગઈ કે આ તો સાક્ષાત શ્રીકૃષ્ણ જ મદદ માટે આવ્યા છે,
તે શ્રીકૃષ્ણનો ફરીથી હાથ પકડવા જાય પણ શ્રીકૃષ્ણ તેમના હાથમાં આવતા નથી.

સુરદાસજી કહે છે-કે-આપ સર્વજ્ઞ ઈશ્વર છો,હું અજ્ઞાની જીવ છું.તમે મને છોડીને ના જાવ.
પણ હવે શ્રીકૃષ્ણ તેમને ફરીથી હાથ આપતા નથી,ત્યારે સુરદાસજી બોલી ઉઠયા કે-
“હાથ છુડાકે જાત હો,નિર્બલ જાન કે મોહિ, જાઓગે જબ હૃદયસે,સબલ કહુંગો તોહિ”
હું નિર્બળ છું,અંધ છું અને ફરીથી તમારો હાથ પકડી નથી શકતો કે તમારી પાછળ પડી શકતો નથી,
એટલે મારો હાથ છોડી ને તમે નાસી જાવ છો, 
પણ તમે સાચે સાચ બળવાન હો –તો મારા હૃદયમાંથી નાસીને બતાવો તો ખરા. 
હૃદયમાં પ્રેમ થી મે એવા પકડીને રાખ્યા છે-બાંધ્યા છે કે-તમે ત્યાંથી કદી પણ છટકી શકશો નહિ.

દામોદરલીલાના વર્ણન માં મહાપ્રભુજી અતિ પ્રેમથી પાગલ સરીખા બન્યા છે.
તેઓ લખે છે કે-જ્ઞાન અને તપ પર ભક્તિનો (યશોદાજીનો) આ વિજય છે.
જ્ઞાન અને તપ,ભગવાનને બાંધી શકે નહિ.તપસ્વીઓ તપના પ્રતાપે ,પરમાત્માનાં દર્શન કરી શકે,પણ-
પરમાત્મા ને બાંધી શકે નહિ.જ્ઞાનીઓ પરમાત્મા ને ઓળખી શકે,બ્રહ્મચિંતન કરતાં બ્રહ્મમય થાય,પણ 
પરમાત્માને બાંધી શકે નહિ.માત્ર વિશુદ્ધ ભક્તિ જ ભગવાનને બાંધી શકે.
તેથી તો ભગવાન કહે છે-કે-હું મુક્તિ આપું છું,અનન્ય ભક્તિ નહિ,ભક્તિ આપું તો મારે બંધાવું પડે.

બાલકૃષ્ણલાલ યશોદાને કહે છે-કે-મા મને છોડ,મા મને છોડ.હું ફરીથી આવું નહિ કરું.
મા ને આજે દુઃખ થયું છે,લાલાને બાંધવું તેમને પણ ગમ્યું નથી,પણ શું કરે ? લાલાને ચોરી કરવાની આદત પડી છે તે છોડાવવી છે.કલાક બે કલાક બાંધી પછી તેને છોડીને મનાવીશ અને જમાડીશ એટલે લાલો બધું ભૂલી જશે. એમ વિચારી તે રસોડામાં ગયા છે. તન છે રસોડામાં પણ મન છે લાલા પાસે.
આજે કોઈ બાળકો ઘેર ગયાં નથી, બાળકો વિચારે છે કે અમારે લીધે લાલાને બંધાવું પડ્યું.

બાળકો લાલાને પૂછે છે કે-લાલા તને કંઈ દુઃખ થાય છે ? મા તને ક્યારે છોડશે ?
કનૈયો કહે છે કે –મને કોઈ દુઃખ થતું નથી,હું તો ખોટું ખોટું રડતો હતો. હું તો ગમ્મત કરું છું.
લાલાને થયું કે જો હું બાળમિત્રોને કહીશ કે મને પરિશ્રમ થાય છે તો બાળકો દુઃખી થશે.
એટલે કહે છે કે મને કંઈ દુઃખ થતું નથી.ભક્તો જેમ સાવધાન રહે છે-કે મારા ઠાકોરજીને કોઈ પરિશ્રમ ના થાય તેમ ઠાકોરજી પણ સાવધાન રહે છે કે-મારા ભક્તોને પરિશ્રમ ના થાય.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE