Aug 5, 2020

ભાગવત રહસ્ય -૩૫૨

દોરડા વડે પેટ (ઉદર) આગળથી બંધાણા –એટલે કૃષ્ણનું નામ પડ્યું દામોદર.અને એથી આ લીલાને દામોદર લીલા કહે છે.આ લીલાનું તાત્પર્ય એ છે કે-ઈશ્વર માત્ર પ્રેમથી વશ થાય છે - કૃપા કરે છે,અને બંધાય છે.જ્યાં સુધી મનુષ્ય પ્રેમથી પરમાત્માને ના બાંધે ત્યાં સુધી તે માયાના બંધનમાંથી છૂટી શકતો નથી. ત્યાં સુધી તે સંસારના બંધનમાં રહે છે.ઈશ્વરને બાંધે એ –જન્મ-મરણના બંધનમાંથી છૂટે.

ઈશ્વર કોઈ દિવસ પોતાનો આગ્રહ રાખતા નથી –તે અનાગ્રહી છે.“મને બાંધવાથી મા ને સુખ થતું હોય તો મા ભલે મને બાંધે.” માને રાજી કરવા પ્રભુએ બંધનનો સ્વીકાર કર્યો. પોતાને સુખી થવાનો કોઈ આગ્રહ રાખ્યો નહિ.જયારે જીવ પોતાનો આગ્રહ છોડતો નથી-તે દુરાગ્રહી છે. પોતાનો કક્કો છોડતો નથી.
ભગવાન,ભક્તોના આગળ પોતાનો આગ્ર્ર્હ છોડે છે.અને ભક્તોના આગ્રહને માન આપે છે.
ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા પુરી કરવા –શ્રીકૃષ્ણે પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરી શસ્ત્ર ધારણ કર્યું હતું.
ત્યારે ભીષ્મ પિતામહ પોતાના શસ્ત્રો ફેંકી દઈ અને બોલ્યા કે -
વાહ,પ્રભુ,મારી પ્રતિજ્ઞાને સત્ય કરવા તમે તમારી પ્રતિજ્ઞાનો ભંગ કર્યો.

પરમાત્મામાં પૂર્ણ પ્રેમ (સ્નેહ) હોવો જરૂરી છે,પરમાત્મા પૂર્ણ પ્રેમ વગર બંધાતા નથી.
આજે મનુષ્યનો પ્રેમ અનેક ઠેકાણે વિખરાયેલો છે, થોડો ઘરમાં,થોડો ધનમાં,થોડો સ્ત્રી કે પુરુષમાં,થોડો કપડામાં,થોડો સંતાનોમાં કે થોડો સંતાનોના સંતાનોમાં.!! આ અનેક જગ્યાએ વિખરાયેલો પ્રેમ (સ્નેહ),ત્યાંથી ઉઠાવીને--એક જગ્યાએ તે પૂર્ણ પ્રેમ લાલાજીને અર્પણ કરવામાં આવે તો જ મારા લાલાજી બંધાય.

સંત તુલસીદાજી એ પણ કહ્યું છે-કે-
“જનની,જનક,બંધુ,સુત,દારા, તનુ ધનુ ભવન સુર્હદ પરિવારા,
સબકે મમતા બાગ બટોરી, મમ પદ મનહિ બાંધ કરિ ડોરી.”
માતા,પિતા,બંધુ,પુત્ર,પત્ની,શરીર,ધન,મકાન,સ્નેહી કુટુંબીજન –બધામાં જે મમતા છે 
તે સઘળી એકઠી કરી,તેની એક દોરી બનાવી,મનથી તે પ્રભુના ચરણમાં બાંધી દો તો પ્રભુ બંધાય.
જો જીવ –એ જીવ જોડે જ પ્રેમ કરે તો તે એક દિવસ રડાવે છે.માટે સંસાર સાથે બહુ વિવેકથી પ્રેમ કરવો જોઈએ. લાલાજી અહીં બતાવે છે કે-બીજે અન્યમાં પ્રેમ અને મમતા હશે તો તારા ને મારા વચ્ચે બે આંગળનું અંતર રહેશે. તું મને મળી શકીશ નહિ.

શ્રીકૃષ્ણને યશોદાના વાત્સલ્યભાવ (પ્રેમ) પર દયા આવી છે. લાલાજી વિચારે છે કે-
જો મને બાંધવાથી મા રાજી થતી હોય-મા ને આનંદ મળતો હોય- તો મને બંધાવામાં વાંધો નથી.
બાલકૃષ્ણ લાલા બંધાયા છે અને મા યશોદાની ઈચ્છા પુરી થઇ છે.
મહાત્માઓ કહે છે-કે-“યશોદાનો કેવો પ્રેમ ??!! કે..આજે મારો લાલો બંધાયો છે.”
આપણે પણ લાલાજીને હૃદયમાં બાંધી રાખવાના છે.ભક્તો-મહાત્માઓ,હૃદય-મંદિરમાં 
લાલાને બાંધી રાખે છે,અને એક ક્ષણ માટે પણ તેને છોડતા નથી.
એટલે પરમાત્મા તેમને વશ રહે છે. પ્રેમ નું બંધન પરમાત્મા તોડી શકતા નથી.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE