More Labels

Jul 6, 2013

ભાગવત રહસ્ય -૩૪૭

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
      PREVIOUS PAGE
     NEXT PAGE
સ્કંધ-૧૦ (પૂર્વાર્ધ)-૭૦

દશમ સ્કંધમાં ભાગવત ના ટીકાકારો પાગલ બન્યા છે.જેમ જેમ ઊંડાણમાં વિચારે તેમ તેમ નવાનવા અર્થો સામે આવે છે.

ટીકાકાર કહે છે કે-યશોદાજી ને કનૈયા કરતાં દૂધ વધુ વહાલું નહોતું,તેઓ દૂધ ઉભરાઈ જાય અને નુકસાન થઇ જાય તેના માટે દોડેલા નહોતા પણ ચૂલા પર જે દૂધ મુકેલું હતું તે ગંગી ગાય નું દૂધ હતું,એટલે યશોદાજી એ વિચાર કર્યો કે –લાલો ગંગી ગાય નું જ દૂધ પીએ છે, ગંગી ગાય સિવાય બીજું કોઈ દૂધ લાલાને ભાવતું જ નથી,તેથી જો દૂધ ઉભરાઈ જાય અને લાલો દૂધ માગે તો શું આપીશ?
એમ વિચારી ને લાલા ને માટે જ યશોદાજી દોડેલા.
દૂધ કનૈયાનું છે અને કનૈયા માટે જ તેઓ દોડેલા છે.
પ્રિય કરતાં પ્રિય ની વસ્તુ વધુ અતિ પ્રિય લાગે છે.

ગમે તે હોય પણ દૂધ નો ઉભરો આવ્યો તે મા એ જોયું છે,
અને યશોદાજી ની ભૂલ થઇ છે,લાલા ને ધવડાવે છે ત્યારે આંખ દૂધ ને શા માટે આપે છે ?
મન ને સ્થિર કરવું કઠણ છે પણ આંખ ને પ્રભુમાં સ્થિર કરવી એટલી કઠણ નથી.
લાલા જોડે બ્રહ્મ સંબંધ થયેલો હોય તે વખતે સંસાર નું સ્મરણ થાય એ જ દૂધ નો ઉભરો છે.

વિયોગમાં અપેક્ષા જાગે છે (તે ગુણદર્શન) અને સંયોગમાં ઉપેક્ષા જાગે છે (તે દોષદર્શન.)

કનૈયો ગોદ માં આવે તેવી યશોદા ની અપેક્ષા છે,પણ ગોદ માં આવ્યા પછી તેને છોડી ને જવું તે ઉપેક્ષા છે.
જીવ માત્ર નો એવો સ્વભાવ છે કે-જે વસ્તુ સુલભ હોય  તેની તે ઉપેક્ષા કરે છે.
લાલા ને થયું કે કેટલા વ્રત-તપ ને અંતે હું મળ્યો,અને હવે શેર-બશેર દૂધ માટે મારી ઉપેક્ષા કરે છે.

આવી લીલા દરેક ના ઘરમાં રોજ થાય છે.
ઘરમાં કામ કરતાં કોઈ-કશું  યાદ ના આવે,પણ જ્યાં હાથમાં માળા લીધી એટલે સગાંઓ યાદ આવે છે.
“મારી કમળા નો હમણાં મહિનાથી કાગળ નથી” કેટલાક ને વળી માળા હાથમાં લે પછી વિચારવાનું ચાલુ કરે કે-આજે બજારમાંથી પરવળ લાવું કે પાતરા? બટેટા તો બે દિવસ ખાધા.આજે પરવળ લાવીશ.

આવા જપમાં જપ પરમાત્મા નો થતો નથી પણ પરવળ નો થાય છે.કારણ કે મન ચિંતન તેનું કરે છે
સાધક ને કંઈક પ્રાપ્તિ થવાની થાય ત્યારે જ ઉભરો એટલે કે સંસાર યાદ આવે છે.
પરીક્ષા કરવા આવું બધું કનૈયો જ કરાવે છે.
બ્રહ્મ-સંબંધ થાય ત્યારે ઉભરો (એટલે કે ભોગવેલા વિષયસુખ નું ચિંતન) આવે તો સાવધાન રહેવાનું છે.
ભોગવેલા વિષયસુખ નું સ્મરણ થાય ત્યારે ભગવાન નું વિસ્મરણ થાય છે.

વાસનાનો વેગ દૂધના ઉભરા જેવો છે.દૂધ ને ઉભરો આવે ત્યારે દૂધ માં થોડું પાણી નાખો તો ઉભરો શમી જાય છે તેમ જયારે વાસના જાગૃત થાય ત્યારે વિવેક-રૂપી પાણી નાખવાથી વાસના શમી જાય છે.

પરમાત્મા ની સેવા કરતાં બ્રહ્મ-સંબંધ થાય છે ત્યારે-જગત યાદ આવે તે સારું નથી.
લોકો ને ડાકોરના રણછોડરાય યાદ આવતા નથી પણ ડાકોરમાં ગોટા સુંદર મળે છે તે યાદ આવે છે.
સુંદર ગોટા ને બધા યાદ કરે છે પણ શ્યામ-સુંદર ને કોઈ યાદ કરતું નથી.

આજે યશોદા લાલા ને છોડી લૌકિક કામ કરવા ગયાં એટલે લાલા ને ખોટું લાગ્યું, “થોડું ક દૂધ અગ્નિ માં પડે તો તેમા શું નુકશાન થવાનું હતું ?મારા માટે લોકો પાંદડાં ખાઈ ને તપશ્ચર્યા કરે છે.આજે મા ને ખાતરી
કરાવવી પડશે કે,તેનું આ કામ તેને કેટલું મોઘું પડશે “
આમ વિચારી ને લાલાએ પાસે પડેલો ચટની વાટવાનો પથરો ઉઠાવી ને એક મણ દહીં ભરેલી ગોળી
પર માર્યો એટલે તે ગોળી ફૂટી ગઈ અને દહીં જમીન પર પડ્યું. મોટું નુકસાન થયું.


ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE