Jul 31, 2020

ભાગવત રહસ્ય -૩૪૮

શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે-શ્રીકૃષ્ણની સેવા લૌકિક ભાવથી ન કરો.
ઈશ્વરની અલૌકિક સેવા છોડી તમારું લૌકિક કામ સુધારવા જશો તો તમારું લૌકિક કામ પણ વધારે બગડશે.તમારા લૌકિક અને અલૌકિક બધા કામની ચિંતા તમારા કરતાં પ્રભુને વધારે છે.“હું સમર્થનો (ઈશ્વરનો) છું અને મારો ધણી સમર્થ છે”,તેમ માની નિશ્ચિત બની તેનું ચિંતન કરો.મનુષ્ય ફોગટની ચિંતા કરીને હૈયું બાળે છે.ભગવત સ્મરણ કરતાં ઘરમાં કોઈ નુકશાન થાય તો થવા દેવું,તન ઠાકોરજીની સેવા કરતુ હોય અને મન રસોડામાં હોય તે સેવા નથી.

શ્રીકૃષ્ણે વિષયાસક્તિ રૂપી દહીંની ગોળી ફોડી.સંસારની આસક્તિ ગયા વગર ભગવદાસક્તિ થતી નથી.
મનુષ્યનો સ્વભાવ છે કે જે મળ્યું છે તેની ઉપેક્ષા કરે છે અને જે નથી મળ્યું તેની અપેક્ષા રાખે છે.
જે લૌકિક સુખો પાછળ પરમાત્માને ભૂલી જાય છે તે –લૌકિક અને અલૌકિક બંને સુખો ગુમાવે છે.
પ્રભુ રીઝે પણ છે અને ખીજે પણ છે.હરિ પર વિશ્વાસ રાખી ઈશ્વરસેવા,ઈશ્વરભક્તિ કરવી જોઈએ.કારણ હરિ ને ભજતાં કોઈ દિવસ કોઈની લાજ જતી નથી. “હરિ ને ભજતાં હજુ કોઈ ની લાજ જતાં નથી જાણી રે”
જેવો સમુદ્રનો કાયદો છે કે-પૂર્વમાં ભરતી હોય ત્યારે પશ્ચિમમાં ઓટ હોય છે. તેમ-જેમ જેમ પ્રભુમાં પ્રેમ વધે તેમ તેમ સંસારનો પ્રેમ ઘટે છે.સંસારના વિષયભોગોમાંથી કોઈને કોઈ પણ દિવસ તૃપ્તિ થવાની જ નથી.

ઘણા લોકોને અથાણાંમાં અને શાકમાં તેલનો રેલો જોઈએ,નહિતર ભાવે નહિ.
જરા વિચાર કરવામાં આવે તો-આજ સુધી સેંકડો તેલના ડબ્બાઓ અને હજારો મણ અનાજ 
પેટમાં ગયું છતાં મનુષ્યને તૃપ્તિ થાય છે ? માટે જ લૌકિક કાર્યને મહત્વ આપવું જોઈએ નહિ.

લાલાએ દહીંની ગોળી ફોડી છે,તે જ વખતે તેના બાળમિત્રો આવ્યા છે,મિત્રો પૂછે છે કે-
લાલા આજે કોના ઘરમાં જઈશું ? લાલો કહે છે કે-આજે મારા ઘરમાં જ ચોરી કરીશું,મારા જ ઘરનું માખણ 
ખાઈશું. માખણનું શીકું જરા ઉંચે છે-એટલે ખાયણી ઉંધી વાળી તેના ઉપર ચડીને કનૈયો માખણ ઉતારે છે,
અને બાળકો અને વાનરોને આજે પોતાના ઘરનું માખણ ખવડાવે છે.

આ બાજુ યશોદાજીએ દૂધ ઉતાર્યું,અગ્નિને શાંત કર્યો. અને પાછા આવી જુએ છે તો,લાલાએ રીસમાં દહીંની ગોળી ફોડી છે,દહીં બધું જમીન પર દ્ધોળાયુ છે, પણ ભાઈ છે ક્યાં ? 
મા એ જોયું તો,લાલો ખાયણી પર ચઢી ને માખણ ઉતારે છે,અને બાળકો અને વાનરો ખાય છે.
માતાજી એ નજરો નજર લાલાને માખણની ચોરી કરતાં જુએ છે.
યશોદાજીને આશ્ચર્ય થયું છે.ગોપીઓ કહેતી હતી તે વાત સાચી છે,લાલાને ચોરી કરવાની ટેવ પડી છે.
લાલાને આજે હું પકડીશ,આજે હું લાલાને શિક્ષા કરીશ.જે ખાયણી પર ઉભો રહી લાલો ચોરી કરે છે તેની સાથે હું તેને બાંધીશ.

માતા યશોદા હાથમાં દોરી લઇને લાલાજી ને પકડવા દોડ્યા છે.આ દૃશ્યની કલ્પના કરવા જેવી છે.
મોટા મોટા યોગીઓ અથાગ મહેનત પછી પણ જેને (ઈશ્વરને) પકડી શકતા નથી –
તેને એક સાધારણ ગોવાલણ પકડવા દોડી છે.
શુકદેવજી એ યશોદાજી માટે અહીં પહેલીવાર “સાધારણ ગોવાલણ” એવો શબ્દ વાપર્યો છે.
લાલાજીની મા છે,એટલે તેને માટે ગોવાલણ શબ્દ વાપરવો ઠીક નથી,પણ,એ મા આજે “મારા લાલાને” બાંધવા નીકળ્યાં છે તે શુકદેવજી ને ગમ્યું નહિ –એટલે ગોવાલણ શબ્દ વાપર્યો છે.
મિત્રો કહે છે –કે “લાલા,મા આવી,મા આવી” એટલે કનૈયો દોડે છે,આગળ કૃષ્ણ અને પાછળ યશોદા.
પણ લાલાજી એમ જલ્દી ક્યાંથી હાથમાં આવે ?ઈશ્વર એમ જલ્દી હાથમાં આવતા નથી................


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE