Aug 1, 2020

ભાગવત રહસ્ય -૩૪૯

શ્રીકૃષ્ણ હાથમાં કેમ આવતા નથી ? શ્રીધર સ્વામી કહે છે કે-અહીં યશોદાજીની થોડીક ભૂલ છે.કનૈયા ની પાછળ દોડતી વખતે યશોદાજીની દૃષ્ટિ (નજર) લાલાની પીઠ તરફ છે, તેમની નજર લાલાના ચરણ કે મુખારવિંદ તરફ નથી. તેથી લાલો હાથમાં આવતો નથી.કારણ કે લાલાની પીઠમાં (પાછળ)થી અધર્મ ઉત્પન્ન થયો છે એમ કહેવાય છે.
ભક્તિ –જો-અધર્મના સન્મુખ દોડે તો ભગવાન હાથમાં આવે નહિ.પણ ભગવાનને પકડવા હોય તો,તેના (લાલાના) સન્મુખ દોડો તો તે પકડાય.લાલાને પકડવો હોય તો તેના ચરણમાં કે મુખારવિંદ તરફ નજર રાખવી જોઈએ.

ભક્તિ પણ ધર્મની મર્યાદામાં રહીને કરવી જોઈએ.ભક્તિ ધર્મને અનુકૂળ હોવી જોઈએ.ભક્તિમાં 
અધર્મ આવે તો તે ભક્તિ બગાડે.જેની જે ફરજ પરમાત્મા એ નક્કી કરી છે,તે બરોબર બજાવવી જોઈએ. 
જે પોતાનો ધર્મ (સ્વ-ધર્મ) છોડે તેની ભક્તિ સફળ થતી નથી.

શ્રી વલ્લભાચાર્યજી કહે છે કે –ભક્તિ અભિમાનથી ભગવાનને પકડવા જાય તો ભગવાન પકડાતા નથી.
યશોદાજી (બુદ્ધિ (ભક્તિ) હાથમાં દોરી લઇ અભિમાનથી લાલાને પકડવા જાય છે.
મા ના મનમાં સૂક્ષ્મ અભિમાન છે, “હું મા છું,આ તો મારો દીકરો છે” એટલે લાલો પકડાતો નથી.
સત્કર્મ કર્યા પછી જો અંદરનું અભિમાન વધતું હોય તો તે સત્કર્મ કશા કામનું નથી.
ભગવાન સર્વ દોષની,અપરાધની ક્ષમા કરે છે પણ અભિમાનની ક્ષમા કરતા નથી.


અભિમાન વધે તો –ભગવાન,ભક્તની ઉપેક્ષા કરે છે.
અભિમાન કરવા જેવું આપણી પાસે કશું નથી.છતાં મનુષ્ય પાસે થોડાક પૈસા આવી જાય એટલે અભિમાન માં આવી જાય છે.પણ લાખની રાખ થતા વાર લગતી નથી,રાય રંક બને છે અને રંક રાય બને છે.
બધા વૈભવ હોય પણ તેનું “અચ્યુતમ કેશવમ” થતા વાર લાગતી નથી.પછી અભિમાન શાનું ??

લાલાની પાછળ દોડતાં દોડતાં યશોદાજી થાકી ગયાં,દોરી બાજુ પર મૂકી શ્વાસ લેવા ઉભા રહી ગયાં.
લાલાને આટલું જ જોઈતું હતું,કે મા દોરી (અભિમાન) ફેંકી દે તો હું તેની પાસે જાઉં.લાલાજી ઉભા રહી ગયા અને મા ની તરફ ફરી ને મા ની સામે દોડવા લાગ્યા.શ્રીકૃષ્ણ હવે યશોદાજીની સન્મુખ થયા છે,
અને પ્રેમને વશ થયા છે. યશોદાના હાથમાં લાલાજી સામે ચડીને પકડાયા છે.
યશોદાજી વિચારે છે કે હાથમાંથી દોરી ફેંકી દીધી એટલે લાલો હાથમાં આવ્યો છે,ના,પણ એવું નથી.
લાલો કહે છે કે-મા તારું અભિમાન ઉતરી ગયું એટલે હું તારી પાસે આવ્યો છું.

શુકદેવજી વર્ણન કરે છે-કે- રાજન પરમ આશ્ચર્ય થયું છે.યશોદાજીના હાથમાં લાલો (ઈશ્વર) પકડાયો છે.
આજે યશોદાજી લાલાને ધમકાવે છે. “તું બહુ તોફાની થયો છે.જે ખાયણી પર ચડીને માખણ ચોર્યું છે 
તે ખાયણી જોડે જ આજે તને બાંધીશ,એટલે તને યાદ રહે કે ખાયણી પર ચડીશ,માખણ ચોરીશ તો બંધાઈશ.” કનૈયો હવે રડવા લાગ્યો.થર થર કાંપવા લાગ્યો.
મા એ કહ્યું કે-તું ખોટું ખોટું રડે છે,હું તને જાણું છું,તું બહુ રીઢ થયો છું.તને બધાં નાટક આવડે છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE