Aug 3, 2020

ભાગવત રહસ્ય -૩૫૦

ગ્વાલ-બાળ મિત્રો ના અધ્યક્ષ –લાલાજી,આજે ઘરમાં જ માખણ ની ચોરી કરતાં યશોદાના હાથમાં પકડાયા છે.કાળના યે કાળ ને આખી દુનિયાના માલિક આજે –થરથર કાંપે છે,આંખમાંથી આંસુ નીકળે છે.બાળમિત્રોએ જોયું કે આજે –લાલો પકડાયો છે.સદા હસતો અને કિલ્લોલ કરતો કનૈયો લાલો આજે ધ્રુજે છે,લાલાના આંખમાં આંસુ છે.!!!! એટલે બાળમિત્રો પણ રડવા લાગ્યા છે, (નજર સમક્ષ આ દૃશ્ય ની કલ્પના કરવા જેવી છે) 

રડતા રડતા તે સર્વ બાળમિત્રો યશોદાજી પાસે આવે છે અને મા ને કહે છે-કે-“મા તું લાલાને બાંધીશ નહિ,લાલા એ ચોરી કરી પોતે કંઈ ખાધું નથી,મા,બધું માખણ એણે અમને ખવડાવ્યું છે.એટલે તારે જે સજા કરવી હોય તે અમને કર,અમને બધાને તું બાંધ પણ પણ લાલાને તું બાંધીશ નહિ.મા.અમારો કનૈયો બહુ કોમળ છે, મા તું અમારા કનૈયા ને બાંધીશ નહિ”

બાળકો,યશોદાજીને વિનવણી કરતા જાય છે અને રડતા જાય છે.આંખમાંથી ચોધાર આંસુ નીકળે છે.
લાલાના અને લાલાના મિત્રોના આંસુ જોઈ યશોદાજી નું હૃદય થોડીવાર તો પીગળી ગયું છે,
યશોદાજીને એક વિચાર થયો કે-લાલાને બાંધુ તે ઠીક નથી,કનૈયો તો મને અને બધાને વહાલો છે.
પણ તરત જ બીજો વિચાર આવ્યો કે-પણ હું શું કરું ? લાલાને ચોરી કરવાની આદત પડી છે,
તે આદત મારે છોડાવવી છે. હું મા છું,તેની આદત હું ના છોડાવું તો બીજું કોણ છોડાવશે ? 
લાલાને કલાક બે કલાક બાંધીશ પછી છોડી દઈશ.

છેવટે યશોદાજીએ લાલાની આદત છોડાવવા આવેશમાં આવી.નિશ્ચય કર્યો કે-આજે તો લાલાને બાંધીશ જ.
એટલે હવે તે લાલાના મિત્રો ને ધમકાવે છે. “જાઓ અહીથી”
આમ તો યશોદા બાળકોને ધમકાવે નહિ,પણ આજે તેમનો ક્રોધ જોઈને બાળકોને ડર લાગ્યો.
બાળકો વિચારે છે કે –આજે શું યશોદા લાલાને મારશે ? આજે શું યશોદા લાલાને બાંધશે ?
બાળકો વારંવાર વિનવણી કરે છે-“મા લાલાને મારીશ નહિ,મા,લાલાને બાંધીશ નહિ”

પણ યશોદા આજે આવેશમાં છે.આજે તો લાલાની આદત સુધારવી જ છે,લાલાને ખાયણી પાસે લાવ્યા છે.
બાળકોએ જોયું કે આજે તો યશોદા લાલાને બાંધ્યા વગર રહેશે નહિ,એટલે બાળકો દોડતાં ઘેર ગયા છે અને ગોપીઓને ખબર આપી છે. ગોપીઓ હાંફળીફાંફળી થઇ ગઈ અને દોડતી લાલા પાસે આવી છે.
અહીં આવી જુએ છે તો –યશોદા એ લાલાને બાંધવાની તૈયારી કરી છે.ખાયણી પાસે લાલો ઉભો છે.
અને સદા હસતો –કિલ્લોલ કરતો કનૈયો થરથર ધ્રુજે છે અને આંખમાં આંસુ છે.
ગોપીઓની આંખમાંથી પણ અશ્રુ ની ધાર થઇ છે.

ગોપીઓ હવે યશોદાજી ને વિનવણી કરે છે,આંખમાં આંસુ છે અને બે હાથ જોડી,યશોદાને મનાવે છે.
“મા છોકરો નહોતો ત્યારે તું રડતી હતી, ઘણી માનતાઓ પછી લાલો આવ્યો છે તો –તું આજે તે લાલાને બાંધવા તૈયાર થઇ છે ?મા હું ગરીબ છું,લાલો રોજ મારા ઘેર આવીને ગોળી ફોડે છે,છતાં તેને બાંધવાનો 
મને વિચાર સુધ્ધાં આવતો નથી.મા હું ગરીબ છું,પણ જોઈએ તો તને પાંચ ગોળી દહી આપીશ,પણ આજે મારા લાલાને છોડી દે.મા,માત્ર એક ગોળી દહીની ફોડી તો શું થયું ?તું માત્ર એક ગોળી દહી માટે લાલાને બાંધે છે ? મા,તું લાલાને બાંધીશ નહિ,મા,તમારો કનૈયો,અમારો પણ છે,તે અમને પ્રાણથી પણ પ્યારો છે.”

યશોદાજી આજે આવેશ માં છે.ગોપીઓને ઠપકો આપે છે.“તમે લાલા નાં બહુ લાડ કરો છો,
તેથી તે તોફાની થયો છે.માથે ચડી ગયો છે.મારે તેની આદત સુધારવી જ પડશે.
છોકરો મારો છે,તમારે વકીલાત કરવાની કોઈ જરૂર નથી.”

શુકદેવજી વર્ણન કરે છે. રાજન,કાળના કાળ,સમસ્ત જગતના માલિક શ્રીકૃષ્ણ આજે યશોદાજીથી ડરે છે,
થરથર કાંપે છે અને આંખમાંથી અશ્રુધાર વહે છે.બાળકો અને ગોપીઓની પણ તે જ હાલત છે.બધા ની આંખો ભીની છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE