More Labels

Nov 9, 2020

ભાગવત રહસ્ય -૪૪૧

ઉદ્ધવ,મને મારી પ્યારી ગાયો યાદ આવે છે,મને મારા ગ્વાલ-મિત્રો યાદ આવે છે.અમે ગાયો ચરાવવા જતા તે રસ્તે ગ્વાલ-મિત્રો અમારી પ્રતીક્ષા કરતા હતા ને પોતાને ઘેરથી જે કંઈ લઇને આવે તે સહુ પ્રથમ પ્રેમથી,મને ખવડાવતા,અને તે પછી મારા માટે કુમળાં પર્ણોની (પાનોની) પથારી કરી ને મને સુવડાવતા.વળી મારી ગાયોને પણ સાચવે,આ મિત્રોને હું ભૂલી શકતો નથી.ઉદ્ધવ, જયારે કાલિયનાગને નાથવા હું યમુનાના ધરામાં કુદી પડેલો,ત્યારે મારી ગાયો રડતી હતી,છેવટે હું જયારે બહાર આવ્યો ત્યારે જ ગાયોને આનંદ થયો,મને તે મારી ગાયો યાદ આવે છે.મને ગોકુળની ગોપીઓ યાદ આવે છે.

ઉદ્ધવ, વૃંદાવનની પ્રેમ ભૂમિ છોડીને હું અત્રે આવ્યો છું તેથી હું આનંદમાં નથી.
અહિયાં તો તમે બધાંએ મને રાજા બનાવ્યો,અહીં બધાં મને વંદન કરે માન આપે,મને મથુરાનાથ કહે.
પણ પ્રેમથી કોઈ મારી સાથે વાતો કરતુ નથી.મને પ્રેમથી કોઈ બોલાવતું નથી.
લોકોએ મને મથુરાનો રાજા બનાવ્યો,પણ વ્રજ જેવો પ્રેમ અહીં ક્યાં છે ?
તેથી વ્રજ મને ભુલાતું નથી,મારી મા જેવો,બાબા જેવો,ગોપીઓ જેવો કે મિત્રોનો પ્રેમ અહીં ક્યાં છે ?
ઉદ્ધવ,આ કૃષ્ણ તો પ્રેમ નો ભૂખ્યો છે,તેને બીજી કોઈ અપેક્ષા નથી.મને કોઈ માનની નહિ,પ્રેમની ભૂખ છે.

ઉદ્ધવ જ્ઞાની છે,પણ પ્રેમલક્ષણા ભક્તિનો મહિમા કેવો છે તે જાણતા નથી.ઉદ્ધવમાં જ્ઞાન નું અભિમાન છે,
તેથી શ્રીકૃષ્ણને ઉપદેશ આપે છે.'આપ નાના હતા ત્યારે વ્રજમાં ગોપ-બાળકો સાથે બહુ રમતા હતા તેવું મેં સાંભળ્યું છે,પણ હવે તમે મથુરાના રાજા થયા છો,તેથી એ ગામડાના ગોવાળો સાથે રમવાનો વિચાર પણ કરશો નહિ,એ વ્રજવાસીઓને ભૂલી જાવ,ગોકુળને ભૂલી જશો,તો જ આપને મથુરાની રાજ-સંપત્તિમાં,મથુરાના ઐશ્વર્યમાં આનંદ આવશે'જ્ઞાનાભિમાનમાં ઉદ્ધવને ભાન નથી કે તે કોને ઉપદેશ આપે છે!!!

પ્રભુએ કહ્યું કે-ઉદ્ધવ તું મને વ્રજને ભૂલવાનો ઉપદેશ આપે છે,પણ હું શું કરું?
હું સર્વને ભૂલી શકું પણ વ્રજ મને ભૂલાતું નથી,પ્રયત્ન કરું છું,પણ સફળતા મળતી નથી.
પ્રેમ અન્યોન્ય છે,કદાચ વ્રજવાસીઓ મને બહુ યાદ કરતા હશે,એટલે જ તેમનું મને સ્મરણ થાય છે.
હવે,એક જ ઉપાય છે કે,વ્રજવાસીઓ મને ભૂલે,એવો વેદાંતનો (જ્ઞાન નો) ઉપદેશ તું વ્રજમાં જઈને
કરજે, જેથી તેઓ મને ભૂલે તો તે પછી હું તેમને ભૂલી શકું.તો જ મને મથુરામાં આનંદ મળશે.

વ્રજવાસીઓ એ મારા માટે સર્વ સુખોનો ત્યાગ કર્યો છે,મેં તેઓને કહેલું કે –હું આવીશ.
એટલે મારી પ્રતીક્ષામાં તેઓએ તેમના પ્રાણ ટકાવી રાખ્યા છે.
મા વિચારે છે કે-કનૈયો આવીને બધાને પૂછશે કે મારી મા,ક્યાં છે?હું ના હોઉં તો લાલાને બહુ દુઃખ થશે.
એટલે મા એ પ્રાણ ટકાવ્યા છે.વિરહમાં એ રડે છે,પણ પ્રાણ છોડતી નથી.
તું એમને નિરાકાર,નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ કર,તેઓ નિર્ગુણ બ્રહ્મના ઉપાસક બને,તેઓ મને ભૂલી જાય,
તો હું તેમણે ભૂલી શકીશ.

ભક્તિ વગરનું જ્ઞાન હોય તે વધારે બોલે છે, તે જ્ઞાનીમાં વાચાળતા આવે છે.
ઉદ્ધવનું જ્ઞાન ભક્તિ વગરનું છે તેથી હવે ઉદ્ધવ કહે છે કે-તમને વધારે શું કહું ? 
પણ તમે મને વ્રજમાં મોકલો છો,તેના કરતાં,દર અઠવાડિયે એક પત્ર લખો,
એટલે ત્યાંથી પણ જવાબ આવશે.પત્ર વાંચવાથી મિલનના જેવો આનંદ થશે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE