Nov 10, 2020

ભાગવત રહસ્ય -૪૪૨

પ્રેમ-તત્વનું રહસ્ય હજુ ઉદ્ધવ જાણતા નથી,ઉદ્ધવને તે ભક્ત હૃદય સમજાતું નથી,
ઉદ્ધવ જાણતા નથી કે પ્રેમ સંદેશો પત્રથી નહિ પણ હૃદયથી જાય છે.
પત્રમાં લખાય છે તે બધું સાચું નથી હોતું.પત્રમાં તો ઘણા લખે છે કે “હર ઘડી યાદ કરનાર” 
પણ હરઘડી કયો કાકો યાદ કરે છે ?વ્યવહાર સાચો નહિ તો પત્રમાં તો શું સાચું હોય?
અહીં તો ગોપી શ્રીકૃષ્ણ છે ને શ્રીકૃષ્ણ એ ગોપી છે.ગોપી-અને કૃષ્ણ એક જ છે,તે ઉદ્ધવ જાણતા નથી. જ્ઞાનીઓને ભક્ત હૃદયની ક્યાંથી ખબર પડે ?

એટલે ઉદ્ધવ કહે છે કે- પત્ર લખો તો મારે જવું ના પડે.
શ્રીકૃષ્ણ કહે છે કે-ઉદ્ધવ પત્ર લખવાની મેં ઘણી વખત પ્રયત્ન કર્યો,પણ પત્રમાં શું લખવું તે સૂઝતું નથી.
મારી માને હું પત્રથી કેવી રીતે સમજાવું? તેને તો મારું મુખડું જુએ તો જ શાંતિ મળે,
તેની ગોદમાં બેસું તો જ શાંતિ મળે,તે મને આરોગાવે તો જ તેને શાંતિ મળે,

એક તો હું ત્યાં જતો નથી,અને જો પત્ર મોકલું તો મા મને વધારે યાદ કરે.તેને વધારે દુઃખ થાય,
તે વિચારશે કે- એક તો લાલો,આવતો નથી અને પત્રથી સમજાવે છે.
આવા વિચારોમાં ને વિચારોમાં કાગળમાં –યશોદા મા-યશોદા મા-એટલું જ લખાય છે,
આગળ કશું લખાતું જ નથી. પ્રેમની ભાષા જુદી જ હોય છે.

ઉદ્ધવ,સાચા પ્રેમનો સંદેશો પત્રમાં લખી શકાય જ નહિ,તે તો મનથી પહોચાડવામાં આવે છે.
તમે વ્રજમાં જાવ,તમે જ્ઞાની છો,તમારા બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ ગોપીઓને આપજો,જેથી તે મને ભૂલીને
બ્રહ્મનું ચિંતન કરે.મારા માત-પિતાને સાંત્વન આપજો,તમે ત્યાં જશો એટલે તેમને શાંતિ મળશે.

ઉદ્ધવ ને લાગ્યું કે હું જ્ઞાની છું એટલે મને વ્રજમાં મોકલે છે.
જ્ઞાનનું ફળ એ નથી કે હું જ જ્ઞાની છું અને બીજા અજ્ઞાની છે.
કોઈને હલકો સમજવા માટે જ્ઞાન નથી.જગત ને બ્રહ્મરૂપ જોવા માટે જ્ઞાન છે.જગત એ ઈશ્વરનું સ્વરૂપ છે.
કેટલાક જ્ઞાનીઓ માને છે કે-હું બ્રહ્મરૂપ છું.અને બીજા હલકા છે.આ જ્ઞાનાભિમાન છે.
ઉદ્ધવને પણ જ્ઞાન હતું પણ સાથે સાથે જ્ઞાનાભિમાન પણ હતું.

તેથી ઉદ્ધવ કહે છે કે-મહારાજ,હું જવા તૈયાર છું પણ ગામડામાં રહેતા તે અભણ લોકોને મારું 
વેદાંતનું તત્વજ્ઞાન કેમ સમજાશે ? સાંખ્ય-તત્વનું જ્ઞાન ગોપીઓ કેવી રીતે સમજી શકશે?
મારો તત્વજ્ઞાનનો ઉપદેશ ઘણો કઠણ છે,સમજવો મુશ્કેલ છે.એટલે હું ત્યાં જાઉં તેનો કોઈ અર્થ નથી.

શ્રીકૃષ્ણને ઉદ્ધવના આ વચનો સહન ના થયાં.તે ઉદ્ધવને કહે છે કે-
મારી ગોપીઓને તું અભણ ન કહે,ગોપીઓ જ્ઞાનથી પર છે,તેઓ ભણેલી નથી પણ શુદ્ધ પ્રેમ
કેમ કરવો તે જાણે છે.એટલે જ તેઓ મને પ્રાપ્ત કરી શકી છે.
ગોપીઓનું મન નિરંતર મારામાં જ લાગી રહેલું છે.એમના પ્રાણ,એમનું જીવન,એમનું સર્વસ્વ,
તો હું જ છું.મારી ખાતર એમણે સર્વનો ત્યાગ કર્યો છે.
છતાં,કેટલીક ગોપીઓને જ્ઞાનની જરૂર છે અને તને પ્રેમની જરૂર છે,પ્રેમ શું છે તે સમજવાની જરૂર છે.
ઉદ્ધવ,તારે ગોકુલ જવું જ પડશે,તારા વિના આ કાર્ય થઇ શકશે નહિ.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE