More Labels

Oct 14, 2013

ભાગવત રહસ્ય -૪૪૩

શબ્દ-જ્ઞાની જલ્દી નમતો નથી.તેના હૈયા માં ઠસક (અભિમાન) હોય છે,કે હું જ્ઞાની છું.એ અભિમાન તેને નમવા દેતું નથી, અને અભિમાન હોય ત્યાં,બીજા દુર્ગુણો પણ આવે છે.વિનય હોય તો સદગુણો આવે છે
      PREVIOUS PAGE
     NEXT PAGE
સ્કંધ-૧૦  (પૂર્વાર્ધ)-૧૬૬
ઉદ્ધવ નું જ્ઞાન નું અભિમાન દૂર કરવા ની આ લીલા છે.
પ્રભુ ને લાગે છે કે-ઉદ્ધવ અભણ ગોપીઓ ને નમવાનો નથી,પણ ત્યાં જઈ ને ગોપીઓ ના મંડળ માં તાડ ની જેમ ઉભો રહેશે.તે વંદન નહિ કરે તો તેનું કલ્યાણ નહિ થાય.જે નમે નહિ તે પ્રભુ ને ગમે નહિ.એટલે,પ્રભુ ખુલ્લે ખુલ્લું કહે છે કે-ઉદ્ધવ ત્યાં જાય ત્યારે ગોપીઓ ને વંદન કરજે.

ઉદ્દવ ને જવાની ઈચ્છા નહોતી પણ પ્રભુના આગ્રહ થી જવા તૈયાર થયા છે.
ઉદ્ધવે કહ્યું કે-તમારો આગ્રહ છે તો જઈશ,નંદબાબા ને યશોદા મા ને સમજાવીશ અને વ્રજવાસીઓ ને બોધ આપીશ.
પ્રભુ કહે છે કે-ઉદ્ધવ,મારા ગ્વાલ-બાલો ને,મારા મિત્રો ને- કહેજે કે તમારો કનૈયો તમને યાદ કરે છે.
મારી મા ને કહેજે કે મારા વિયોગ માં રડે નહિ. ઉદ્ધવને આખી રાત આ પ્રમાણે બોધ આપ્યો છે.

પ્રાતઃકાળ માં ઉદ્ધવ,ગોકુલ જવા માટે તૈયાર થઇ ને,શ્રીકૃષ્ણ પાસે આવ્યા છે,
શ્રીકૃષ્ણે ઉદ્દવ ને પ્રસાદી પીતાંબર આપ્યું છે.પોતાનું પીતાંબર અને વૈજયંતીમાળા આપી ને કહ્યું કે-
“ઉદ્ધવ,તું ગોપીઓ ને મળવા જાય ત્યારે આ પીતાંબર અને માળા પહેરી ને જજે.
મારી ગોપીઓ પર-પુરુષ ને આંખ કે જીભ આપતી નથી.પણ તેઓ આ પીતાંબર જોશે,એટલે તેમને
ખાત્રી થશે કે તું મારો છે.તેઓ માનશે કે મારા શ્યામસુંદઅને નો આ લાડીલો સેવક છે,સખા છે.
અને,તેવી ખાત્રી થશે તો જ ત્યારે જ ગોપીઓ તારી સાથે બોલશે.
ઉદ્ધવ,તું ભાગ્યશાળી છે,કે વ્રજભૂમિ માં જાય છે.વ્રજ-ભૂમિ એ પ્રેમ-ભૂમિ છે.
તારું કલ્યાણ થાય એ માટે તને ત્યાં મોકલું છું.”

ઉદ્ધવજી ને રથ માં બેસાડ્યા છે,અને રથ ચાલ્યો છે.પ્રભુ ઉદ્ધવ ને કહે છે કે-નંદબાબા ને આશ્વાસન આપજે.
ઉદ્ધવ મારી, મા ને કહે જે કે તમારો કનૈયો આવશે.
માતા-પિતા નું સ્મરણ થતાં માલિક ની આંખમાંથી આંસુ નીકળ્યા છે.

ઉદ્ધવજી ને આશ્ચર્ય થાય છે કે-વ્રજ માં એવું શું છે કે જેનું સ્મરણ કરી માલિક વારંવાર રડે છે.
જીવ જયારે જીવ-પણું છોડી ઈશ્વર સાથે પ્રેમ કરી તન્મય બને છે,ત્યારે પરમાત્મા પોતાનું ઐશ્વર્ય
ભૂલી જાય છે.ઈશ્વર,ઈશ્વર-પણું ભૂલી જાય છે.

શ્રીકૃષ્ણ આજે મથુરા ના રાજા હતા પણ પોતાનું ઐશ્વર્ય આજે ભૂલી ગયા છે,
પ્રેમ માં પાગલ બન્યા છે.અને રથ ની પાછળ પાછળ દોડે છે.!!!
ત્યારે ઉદ્ધવ કહે છે કે-તમે રાજા છો,તમે ઈશ્વર છો,હું રથમાં બેઠો છું અને તમે આમ દોડો છો,તે ઠીક લાગતું નથી,તમે કલ્પાંત કરશો નહિ,હું સહુ ને બોધ આપીશ.

ત્યારે પ્રભુ અટક્યા છે,અને વિચારે છે કે-મારો ઉદ્ધવ ભાગ્યશાળી છે,તે આજે પ્રેમ-ભૂમિ માં જાય છે.
પ્રભુ રથ ને ટગર-ટગર જોતાં ઉભા રહી ગયા છે,હૃદય માં ડૂમો ભરાયો છે.


ઉદ્ધવજી હજુ વિચારે છે કે-આ વ્રજમાં એવું શું છે ? ઉદ્દવ,પ્રેમ-તત્વ ને હજુ બરોબર જાણતા નથી.
.......................................................................................................
ઓધાજી મને વ્રજ નથી વિસરાતું રે, 
ગોકુળિયું મને સાંભરે રે જી.................ગોકુળિયું મને.

માતા જસોદા મને ઘડીએ ભુલાય ના,
નંદબાબા સાંભરે દિન રાત રે ..............ગોકુળિયું મને.


સવાર પડે મને ગોપ બાળો સાંભરે,
ગોપીઓ નો પ્રેમ ના ભુલાય રે..............ગોકુળિયું મને.


ગાયો ભાંભરતી મને સ્વપ્ના માં સાંભરતી,
ગંગી ગાય ના ભુલાય રે....................ગોકુળિયું મને.


ગેડી દડો મને ઉંઘ માં યાદ આવે,
જમના નો ઘાટ ના ભુલાય રે..............ગોકુળિયું મને.


સોના ના થાળ મને જરી એ જચે ના,
કાંસા ની થાળી યાદ આવે રે..............ગોકુળિયું મને.


છપ્પન ભોગ મને કડવા રે લાગે,
માખણ મીસરી ના ભુલાય રે ..............ગોકુળિયું મને.

“ સોમ “ સાંજે ૮-૦૦ કલાકે તા.૧૦-૧૦-૧૩.
ઋણ સ્વીકાર-www.somsangrah.com

........................................................................................................
ઉદ્ધવ,મને ગમતું નથી કે જચતું નથી આ રાજપાટ,
નેજે હથેળી મૂકી,માતા જશોદા જુએ છે મારી વાટ.

મથું ઘણું પણ નથી ભુલાતું મને, મારું ગોકુલ ગામ.
આપી વચન હું આવ્યો હતો,મન ક્યાંથી ભૂલે એ વાત.

જગમાં કોઈએ નહિ પણ પ્રેમથી બાંધ્યો જેને,મને,અને,
કોળિયો મારા મુખમાં મૂકી,જમાડતી હતી તે મારી માત.

ગોદમાં સુવાડી ,માથે હાથથી પંપાળતી,આખી રાત, 
એ માતા જસોદાનો પ્રેમને ભૂલવો,નથી મારે હાથ.

પ્રેમ નંદબાબાનો,ને મારા વહાલા સખાઓનો,કેમ કરીને ભુલાય?
વાત ગોપીઓ ની કેમે કરું ? મને યાદ આવે મારી ગંગી ગાય.

સંદેશો જઈને તું એટલો કહેજે કે સંભાળું એ સર્વ ને,હું દિન રાત,
આવીશ જરૂર,મન ને દિલાસો જરા દેજો,બહુ ભોળી મારી માત.

અનિલ શુક્લ. ૧૨,ઓક્ટોબર,૨૦૧૩
............................................................................................................
ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE