Nov 15, 2020

ભાગવત રહસ્ય -૪૪૭

યશોદાજી પૂછે છે કે-ઉદ્ધવ કનૈયો,અહીં ગોકુળમાં હતો ત્યારે ખૂબ હઠ કરતો હતો,વહેલી સવારે તેને ભૂખ લાગતી ત્યારે તેને હું મનાવી મનાવી જમાડું ત્યારે તે જમતો,પણ ત્યાં તેને કોણ જમાડે છે ? ઉદ્ધવ,સાચું કહેજે,કે મારો લાલો,દુબળો તો થયો નથી ને?તે આનંદમાં તો છે ને?
મારો લાલો,મને કોઈ દિવસ યાદ કરે છે? ગોકુળમાં હતો ત્યારે મને આંસુ આવે તે તેનાથી સહન થતું નહિ.

ઉદ્ધવ, મને હજુ પણ તે હરઘડી યાદ આવે છે,હું યમુનાજી જાઉં,ત્યારે યમુનાજીનો રંગ જોતાં,
યમુનાજી ને મારા લાલાનો રંગ એક સરખો હોવાથી તે યાદ આવે,મને એમ પણ લાગે કે હમણાં યમુનામાંથી બહાર આવશે.અને મારી ગોદમાં બેસશે.
ઉદ્ધવ,લાલા ને પૂછજે કે –મેં કોઈ અપરાધ તો નથી કર્યો ને ?હા, એક વાર મેં તેને ખાંડણીયા જોડે બાંધ્યો હતો એટલે તો તે રીસાયો નથી ને? યશોદાજીની આંખમાંથી અશ્રુધાર નીકળે છે.

ના,ના,તેની મા તો દેવકી છે,હું તો લાલાની ધાવ છું,ઉદ્ધવ, દેવકીને મારા પ્રણામ કહેજે,અને કહેજે કે-
તેમને કોઈ નોકરની કે -દાસીની જરૂર પડે ત્યારે આ,યશોદાને દાસી તરીકે રાખે!!! હું દાસી થઈને રહીશ.
હું લાલા ને દુરથી નિહાળીશ,કોઈને નહિ કહું કે લાલાની હું મા છું.
પણ મને હવે કૃષ્ણ-વિયોગ માં મારશો નહિ.કનૈયો જ્યાં હોય ત્યાં મને લઇ જાવ.ઉદ્ધવ,તને પુણ્ય થશે!!!!
ઉદ્ધવ,કનૈયાને બાંધ્યો હતો તેથી તે રીસાયો છે,
યશોદા જી રડતાં જાય છે અને લાલા ના અતિ પ્રેમમાં જેમ મનમાં આવે તેમ બોલતાં જાય છે.
ઉદ્ધવ,હું નારાયણને રોજ પ્રાર્થના કરીને મનાવું છું,કે તે ભલે, ગોકુલ ના આવે,પણ મારો લાલો,
જ્યાં પણ રહે ત્યાં સદા-સર્વદા આનંદમાં રહે.

ઉદ્ધવજી એ કહ્યું કે-મા,શ્રીકૃષ્ણ તમને રોજ યાદ કરે છે,તમારા લાલાએ તમને પ્રણામ કહ્યા છે,
એ જાતે આવવાના હતા પણ મથુરાનો રાજ-કારભાર એમના હાથમાં હોવાથી આવી શક્યા નથી.
મને તેમણે કહ્યું કે- મથુરામાં આવી હું ફસાયો,ઉદ્ધવ તું વ્રજ જા અને મા ને કહેજે કે –કનૈયો આવશે.
હું અહીં આવ્યો તે આખી રાત તમારી જ વાતો તેમણે મને કરી છે,એટલા બધા તમને સંભાળે છે.

નંદ-યશોદા જોડે વાતો કરતાં જ ઉદ્ધવ નું અડધું જ્ઞાનાભિમાન ઉતરી ગયું છે.
લાલાની વાતો કરતાં કરતાં ક્યારે રાત પુરી થઇ તે પણ ખબર પડી નહિ.
સવાર પડી એટલે ઉદ્ધવજી એ કહ્યું-કે મા,હું યમુના સ્નાન કરી આવું,મારે ગોપીઓને પણ સંદેશો કહેવો છે.
આજ્ઞા લઇ ઉદ્ધવજી સ્નાન કરવા જાય છે.

બ્રાહ્મ-મુહૂર્તમાં ગોપીઓ પણ ઉઠી જાય છે,સ્નાન કરીને કૃષ્ણ-કીર્તન કરતાં કરતાં દધિમંથન કરે છે,
રસ્તે ચાલતાં ઉદ્ધવજી આ ગોપીઓનું ગાન સાંભળે છે.તેમને આશ્ચર્ય થાય છે,
ઉદ્ધવજીને હજુ ગોપીઓનાં દર્શન નથી થયાં,પણ વિચારે છે કે જેમનો કંઠ અને વાણી આટલી મધુર છે,
તેમનું તન કેવું હશે ?બ્રાહ્મ-મુહૂર્તમાં શ્રીકૃષ્ણનું સ્મરણ કરતાં આ લોકોનાં તન-હૃદય પીગળે છે,
ધન્ય છે આ ગોપીઓને –ધન્ય છે આ વ્રજ-ભક્તોને.

આ બાજુ ગોપીઓનો નિયમ હતો કે દધિ-મંથન કર્યા પછી,ઘરમાંથી બહાર નીકળે અને નંદબાબાના
મહેલને અને નંદ-નંદનને પ્રણામ કરે છે.આજે પ્રણામ કરતાં આંગણામાં રથ જોયો,એટલે,તેમને
અક્રૂરનો પ્રસંગ યાદ આવ્યો.ગોપીઓ વાતો કરે છે કે-અરે,સખી પેલો અક્રૂર પાછો આવ્યો લાગે છે,
આપણા પ્રાણ પ્યારા કનૈયાને તે લઇ ગયેલો,હવે શા માટે પાછો આવ્યો છે?
ત્યારે બીજી ગોપી અતિપ્રેમમાં બોલે છે-કે-કનૈયો તો સ્વાર્થી છે,હવે તે મથુરાનો રાજા થયો છે,
તું તેને ભૂલી જા.ઘરનાં કામમાં મન લગાડી,સંસાર-વ્યવહારનું ચિંતન કર.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE