Nov 16, 2020

ભાગવત રહસ્ય -૪૪૮

ત્યારે ગોપી કહે છે કે-હું જેમ જેમ કનૈયાને ભૂલવાનો પ્રયત્ન કરું છું,તેમ તેમ તે વધારે યાદ આવે છે.ગઈ કાલે હું કૂવા પર જળ ભરવા ગઈ હતી,ત્યાં એકાએક મને કનૈયાની વાંસળી નો અવાજ સંભળાણો.મે જ્યાં નજર કરી તો લાલાને પાસેના બોરસલીના ઝાડ પર બેઠેલો જોયો,લાલાને જોઈ ને હું એવી પાગલ થઇ કે,દેહનું ભાન રહ્યું નહિ,મે ઘડાને દોરી બાંધવા ના બદલે મારા બાળકને દોરી બાંધી કુવામાં નાખવા જતી હતી ,ત્યાં જ લાલાએ ઝાડ પરથી કૂદકો મારી અને મને રોકીને કહે છે કે-અરી,બાવરી ,તું આ શું કરે છે ? પછી તો,કનૈયો આવી મને ઘેર સુધી મૂકી ગયો.

બીજી ગોપી કહે છે કે-ભલે લોકો કહે પણ,કનૈયો મથુરા ગયો જ નથી,મને તો તે અહીં જ દેખાય છે.
ગઈકાલે હું સાયંકાળે યમુનાજી જળ ભરવા ગઈ હતી ત્યારે થોડું અંધારું થયું હતું,મને બીક લાગતી હતી,
વળી ચિંતા પણ હતી કે બેડલું માથે કોણ ચઢાવી આપશે ? હું કૃષ્ણ-કૃષ્ણ બોલતી હતી,
એટલામાં જ કનૈયો આવ્યો, અને મને આશ્વાસન આપ્યું અને બેડું માથે ચઢાવી આપ્યું.
તે મને કહે કે-હું તો તારી સાથે જ છું.

મોટા મોટા યોગીઓ સમાધિ લગાવી,સંસારને ભૂલવાનો પ્રયત્ન કરે છે,છતાં સંસાર ભૂલાતો નથી.
પ્રભુમય વૃત્તિ થતી નથી,ત્યારે આ વ્રજની ગોપીઓ સંસાર ને યાદ કરવા પ્રયત્ન કરે પણ તેમને
સંસાર યાદ આવતો નથી. એક પળ પણ કનૈયો ભૂલતો નથી.ગોપી,કૃષ્ણ સાથે એક થઇ છે.

આમ પ્રેમથી ગોપીઓ લાલાની વાતો કરી રહી હતી,તેવામાં ઉદ્ધવ સ્નાન કરી અને પ્રસાદી પીતાંબર
પહેરીને ત્યાં આવ્યા છે.ઉદ્ધવને જોઈ ને ગોપીઓએ પ્રણામ કર્યા છે.
ઉદ્ધવ કહે છે કે-તમારા કૃષ્ણ મથુરામાં વિરાજે છે,હું તેમનો મિત્ર તેમનો સંદેશો લઈને આવ્યો છું,
એ મથુરા છે પણ તમને ભૂલ્યા નથી.

ત્યારે ગોપી કહે છે કે-ઉદ્ધવ,મારા કૃષ્ણ તો મારી પાસે જ છે,મારા હૃદયમાં જ છે,તું કયા કૃષ્ણનો સંદેશો લાવ્યો છે ? મારા કૃષ્ણ તો મને સર્વમાં દેખાય છે,જે પરમાત્મા સર્વમાં છે તેને તું શું મથુરામાં રાખે છે ?
આ તારું જ્ઞાન કેવું ?ઉદ્ધવ તું હજી કોરો જ રહ્યો. શ્રીકૃષ્ણ તો સર્વત્ર છે.
અમને અહીંની દરેક વસ્તુ માં શ્રીકૃષ્ણ દેખાય છે,જુઓ,પેલા કદંબના વૃક્ષ પર ચડીને બંસરી બજાવી રહ્યો છે,તમને તે શું નથી દેખાતો?તેની બંસરીનો નાદ નથી સંભળાતો?
ઉદ્ધવ,જો તને શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર થયો હોત તો તેમને છોડીને અહીં આવ્યો જ ના હોત.
શ્રીકૃષ્ણ અહીં તને દેખાતા નથી એટલે તને હજુ સાક્ષાત્કાર થયો નથી.

ઉદ્ધવ હજુ વિચારે છે કે-ગોપીઓને વ્યાપક નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ આપું,તે ગોપીઓને સમજાવે છે.
એટલે ગોપીઓ કહે છે કે-ઉદ્ધવ,પ્રભુએ અમને જે આનંદ આપ્યો છે,તે તારા જ્ઞાનથી સમજાય તેમ નથી.
અમે તો કૃષ્ણ-કૃષ્ણ કહીએ છીએ.અમને બીજું કંઈ આવડતું નથી,અમે તો ગામડાની અભણ ગોપીઓ છીએ.
નિર્ગુણ-સગુણનો વિવેક તું ભલે રાખ,પણ કૃષ્ણ-પ્રેમમાં અમે તન્મય બનીએ છીએ એટલે અમારો કનૈયો,
અમને સામે આવીને દર્શન આપે છે.

ઉદ્ધવ તમારા એ વ્યાપક નિર્ગુણ બ્રહ્મને આરાધવા અમારી પાસે મન જ ક્યાં છે ?
અમારું મન તો કાનુડો ચોરી ગયો છે. ભગવાને મન કંઇ દશ-વીશ બનાવ્યાં નથી,મન,એક હતું 
તે શ્યામ સાથે ગયું છે.તે શ્યામ પાસે છે.એ નંદ-નંદન સિવાય અમારો બીજો કોઈ ઈશ્વર નથી.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE