Nov 18, 2020

ભાગવત રહસ્ય -૪૫૦

રાધાજી કહે છે –કે-હે,ઉદ્ધવ,તારા જ્ઞાનની કદર અહીં આ શુદ્ધ પ્રેમભૂમિ વ્રજમાં થશે નહિ.પ્રેમ-રાજ્યમાં એક માત્ર પ્રિયત્તમનું જ સ્થાન હોય.જ્ઞાન ને યોગની ચર્ચાને અહીં વ્રજ માં સ્થાન નથી.અમારું જ્ઞાન-એ કૃષ્ણ,યોગ પણ કૃષ્ણ,ધ્યાન પણ કૃષ્ણ.અમારા એક એક શ્વાસ પણ કૃષ્ણમય હોવાથી,તારા જ્ઞાન ને અમે ક્યાં રાખીશું ? મારા વ્યાપક ભગવાનને તું મથુરામાં રાખે છે તે બની શકે જ નહિ.તું છ શાસ્ત્રો ભણ્યો,પણ તને કાંઇ આવડયું નહિ,તું કોરો ને કોરો જ રહ્યો,તારું જ્ઞાન મને બરાબર લાગતું નથી,છ શાસ્ત્રો ભણ્યો પણ તેનું રહસ્ય તું સમજ્યો નથી.

મારા શ્રીકૃષ્ણ તો આ ઝાડમાં,આ ગાયોમાં,આ વ્રજ-ભક્તોમાં,મારામાં અને ચારે તરફ વિરાજ્યા છે.મને તો આખું વ્રજ કૃષ્ણમય દેખાય છે.તે અમારા હૃદયમાં અને રોમ-રોમમાં છે.અને અમે જયારે તેમને યાદ કરીએ છીએ ત્યારે તે પ્રગટ થાય છે.ઉદ્ધવ તું કેવો છે? તે હું જાણું છું.પણ તને મારા પ્રભુએ મોકલ્યો છે એટલે તારું સ્વાગત કરવું તે અમારી ફરજ છે.પરંતુ,અમે તો ગામડામાં રહેનારી અભણ સ્ત્રીઓ છીએ,તારા જેવા જ્ઞાનીનું કેવી રીતે સ્વાગત કરીએ?

મથુરાની અગાસીમાં ઉદ્ધવ,ગોપીઓ વિષે જે શબ્દો બોલ્યા હતા તે શબ્દ અહીં તેમને પાછા આપ્યા છે.
ઉદ્ધવ વિચારે છે કે-જે વાત અમે એકાંતમાં કરી હતી તે પણ આ રાધાજી જાણે છે.
એટલે કહે છે કે-મારી ભૂલ થઇ ,મને માફ કરો,જ્યાં ગોપી ત્યાં કૃષ્ણ,રાધા ને કૃષ્ણ અભિન્ન છે.
મેં વ્રજવાસીઓ ને ગામડામાં રહેનારા અને અભણ કહ્યા તે મારી ભૂલ છે. મને માફ કરો.
મારી બુદ્ધિ અભિમાનથી બુઠ્ઠી થઇ છે,તમારી પ્રેમ-લક્ષણા ભક્તિનું મને દાન કરો.
કૃષ્ણ-પ્રેમ,જ્ઞાન કરતાં પણ શ્રેષ્ઠ છે,જ્ઞાની પણ પ્રભુ-પ્રેમી ના થાય ત્યાં સુધી પ્રભુનો સાક્ષાત્કાર થતો નથી.

ઉદ્ધવને પ્રેમ-લક્ષણા ભક્તિનું દાન મળ્યું,તેને ગોપીઓના કૃષ્ણ-પ્રેમનો અનુભવ થયો.
રાધાજીએ વાંસળી હાથમાં લીધી,વાંસળીમાંથી રાધે-ગોવિંદ,રાધે-ગોવિંદ નો મધુર ધ્વનિ નીકળવા લાગ્યો.
ગોપીઓ કૃષ્ણ-કીર્તનમાં તન્મય બની છે.
શ્રીકૃષ્ણ પણ મથુરામાં રહી શક્યા નથી,દોડતા આવી ને સખી-મંડળમાં રાધાજી સાથે વિરાજ્યા છે.
મનોહર રાધા-કૃષ્ણના દર્શન ગોપીઓ અને ઉદ્ધવ કરે છે.
ઉદ્ધવ ને “હું કોણ છું ?હું ક્યાં છું?” તેનું ભાન ભૂલાયું છે.

ઉદ્ધવ ગોકુલ ગયા હતા બે-ચાર દિવસ માટે પણ રહ્યા છે –છ મહિના.
ઉદ્ધવને ખાત્રી થઇ છે કે-શ્રીકૃષ્ણ ગોપીઓથી દૂર નથી,જયારે કૃષ્ણ-કીર્તન થાય છે,ત્યારે તે પ્રગટ થાય છે.
ગોપીઓનો શ્રીકૃષ્ણ-પ્રેમ શ્રેષ્ઠ છે,જ્યાં પ્રેમ છે ત્યાં જ પરમાત્મા છે.

ઉદ્ધવજીનું જ્ઞાનાભિમાન ઉતરી ગયું છે,ગોપીઓના ચરણમાં તે વંદન કરે છે અને તેમની ચરણ-રજ માથે ચઢાવે છે.અતિશય આનંદ થયો છે,ઉદ્ધવને ગોકુલ છોડવાની ઈચ્છા થતી નથી.
ગયા હતા ગુરૂ થવા પણ ગોપીઓના ચેલા થઇ ને પાછા ગયા છે.

ઉદ્ધવે છેવટે જવાની આજ્ઞા માગી છે ને મથુરા જવા તૈયાર થયા છે.
રાધાજીએ કહ્યું છે કે-ઉદ્ધવ,તારા મિત્રને મારો આટલો સંદેશો કહેજે કે-તે જલ્દી ગોકુળમાં આવી ગોકુલને સનાથ કરે.આ વાંસળી અને કામળી તું તારી સાથે લઇ જા,હવે તેને ઘરમાં રાખી હું શું કરું ?
ઉદ્ધવ,હવે એતો મોટો રાજા થયો છે,તેને હું શું આપું ?પણ લાલાના માટે મેં આ માખણ તૈયાર કર્યું છે,
તે લાલાને ખવડાવજે,પણ મારું નામ દઈશ નહિ. આમ બોલતાં બોલતાં તેમનું હૃદય ભરાયું છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE