Nov 19, 2020

ભાગવત રહસ્ય -૪૫૧

તે વખતે નંદ-યશોદા પણ આવ્યાં છે.તેમણે ઉદ્ધવને કહ્યું-કે અમારા લાલાને આટલો સંદેશો આપજે.(આ બે શ્લોકો ભાગવત નું હાર્દ છે-૧૦-૪૭-૬૬-૬૭હવે અમે એટલું જ ઈચ્છીએ છીએ કે,અમારા મનની એક એક વૃત્તિ,એક એક સંકલ્પ,શ્રીકૃષ્ણના ચરણ-કમળોનો જ આશ્રય કરીને રહે.વૃત્તિ અને સંકલ્પ તેમની સેવા કરવા માટે જ ઉઠે અને તેમનામાં (શ્રીકૃષ્ણમાં)જ લાગી રહે.
અમારી વાણી નિરંતર તેમનાં નામોનું ઉચ્ચારણ કરતી રહે,અમારું શરીર તેમને પ્રણામ કરવામાં,તેની આજ્ઞાનું પાલન કરવામાં અને તેની સેવામાં લાગી રહે.

અમને મોક્ષની પણ બિલકુલ ઈચ્છા નથી,ભગવાનની ઇચ્છાથી અમારાં કર્મોને અનુસાર જે કોઈ 
યોનિમાં અમારો જન્મ થાય, અને તે યોનિમાં અમે જે શુભ આચરણ કરીએ,જે દાન-તપ કરીએ,તેનું ફળ 
અમને માત્ર એ જ (એટલું જ) મળે કે,અમારા ઈશ્વર શ્રીકૃષ્ણમાં અમારી પ્રીતિ ઉત્તરો-ઉત્તર વધતી રહે.
સંદેશો કહેતાં કહેતાં નંદ-યશોદા રડી પડ્યાં છે,સાથોસાથ ગોપીઓ પણ રડે છે.

યશોદાજી લાલા માટે સંદેશો આપે છે કે-
ઉદ્ધવ,મારા લાલાને કહેજે કે,તેને જયારે ઈચ્છા થાય ત્યારે ગોકુલમાં આવે,અમને સુખ આપવા નહિ,
અમારા વિયોગમાં તે આનંદમાં હોય તો કેવળ અમારા માટે અમને મળવા આવવાનો પરિશ્રમ ના કરે.
મારો લાલો જ્યાં પણ હોય ત્યાં તે સુખી રહે,નારાયણ,સદા-સર્વદા તેને આનંદમાં રાખે.
આટલું કહેતાં-કહેતાં યશોદાજીનું હૃદય ભરાઈ ગયું છે.

આ પુષ્ટિ-ભક્તિ છે.પુષ્ટિ-ભક્તિમાં સ્વ-સુખનો વિચાર નથી,
પોતાના સુખનો વિચાર કરે તે કૃષ્ણના સુખનો વિચાર કરી શકે નહિ.

ઉદ્ધવ કહે છે કે-હું કૃષ્ણને લઇ ને વહેલો આવીશ,તમે ચિંતા ના કરો.
રથ નીકળ્યો છે,રસ્તામાં ઉદ્ધવ વિચારે છે કે-હું માનતો હતો કે શ્રીકૃષ્ણ કૃપા-નિધિ છે,દયાના સાગર છે,
પ્રેમાળ છે,પણ હવે મને લાગે છે કે તેઓ નિષ્ઠુર છે.આ વ્રજવાસીઓ કેવાં પ્રેમાળ છે!
આવો વ્રજ-વાસીઓનો પ્રેમ છોડીને તેઓ મથુરામાં કેમ રહે છે ?
ઉદ્ધવે નિશ્ચય કર્યો છે કે-હું ભગવાન ને ઠપકો આપીશ.કે તમે નિષ્ઠુર છો.

ઉદ્ધવ મથુરામાં શ્રીકૃષ્ણ પાસે આવ્યા છે.શ્રીકૃષ્ણ તો અંતર્યામી છે,તે સમજી ગયા કે,
ઉદ્ધવ ઠપકો આપવાનો છે.એટલે તેમણે જ કહ્યું કે-
ઉદ્ધવ,પહેલાં તું મથુરામાં હતો ત્યારે મારાં વખાણ કરતો હતો,હવે ગોપીઓનાં જ વખાણ કરે છે.
ઉદ્ધવ,હું નિષ્ઠુર નથી.એમ કહી,તેમના માથે પોતાનો વરદ હસ્ત પધરાવ્યો છે.ઉદ્ધવને સમાધિમાં
દર્શન કરાવ્યાં છે કે-એક સ્વરૂપે હું ગોકુળમાં અને એક સ્વરૂપે હું મથુરામાં છું.
ભલે હું મથુરામાં દેખાઉં પણ હું ગોપીઓ પાસે જ છું,ગોપીઓથી હું અભિન્ન છું,ગોપી-કૃષ્ણ એક જ છે.

ગોપીઓના પ્રેમની કથા અહીં દશમ-સ્કંધના ૪૮ માં અધ્યાયમાં પુરી થાય છે.
ભાગવતમાં હવે પછી ગોપીઓની વાત આવતી નથી.
હવે “રાજસ-લીલા” શરુ થાય છે.આગળની લીલા રાજસ-ભક્તોના મનનો નિરોધ કરવા માટે છે.
સર્વ પ્રકારના જીવો ને શ્રીકૃષ્ણ પોતાના તરફ ખેંચી લે છે,અને પરમાનંદ નું દાન કરે છે.

સ્કંધ-૧૦  (પૂર્વાર્ધ)-સમાપ્ત

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE