Nov 20, 2020

ભાગવત રહસ્ય -૪૫૨-સ્કંધ-૧૦-ઉત્તરાર્ધ

દશમ સ્કંધના પૂર્વાર્ધમાં ઉદ્ધવાગમનની કથા સાથે ગોપી-પ્રેમની કથા પૂરી થઇ.
ગોપીઓ પ્રેમ-લક્ષણા ભક્તિની આચાર્યાઓ છે.ઘરમાં રહી ઘર-કામ કરતાં કરતાં,કેવી રીતે પ્રભુ-દર્શન કરવું તે ગોપીઓ સમજાવે છે.
વ્યાસજીનો નિયમ છે કે-ચરિત્ર (પાત્ર) આપ્યા પછી,ઉપસંહારમાં તે ચરિત્રનું રહસ્ય બતાવવું.
કંસ મર્યા પછી કંસ કોણ છે? તે ઉતરાર્ધના પ્રથમ શ્લોકમાં બતાવ્યું છે.

અસ્તિ અને પ્રાપ્તિ,એ બે રાણીઓનો પતિ તે-કંસ છે.
અસ્તિ એટલે- “છે”.બેંકમાં આટલા રૂપિયા છે અને આ વર્ષે આટલો નફો થાય તે માટે-
નીતિ-અનીતિથી કેવળ પૈસાની પ્રાપ્તિ કરવાના (મેળવવાના) વિચાર કરે છે તે-કંસ છે.

કળિયુગનો માણસ અસ્તિ-પ્રાપ્તિનો પતિ થયો છે.તેને ગમે તે રીતે સુખ ભોગવવું છે,
બધા લૌકિક સુખમાં ફસાયા છે.સાચું સુખ શું છે તે કોઈને ખબર નથી.અને ખોટું સુખ ભોગવવામાં જીવન
પુરુ થઇ જાય છે.બધા જાણે છે કે મરીશ એટલે આ સાથે આવવાનું નથી,છતાં પાપ કર્યે જાય છે.
અને માને છે કે હું મરવાનો નથી.મજામાં અનેક પણ સજામાં એક છે.
મજામાં સહુ સાથ આપે છે પણ સજા એકલા જીવને થાય છે.
જ્યારથી લોકો માનવા માંડ્યા કે-પૈસાથી જ સુખ છે,ત્યારથી પાપ વધ્યું છે.

પૈસાથી કાંક થોડું સુખ મળતું હશે પણ શાંતિ મળતી નથી.પૈસો શાંતિ આપી શકતો નથી.
મહાત્માઓ કહે છે કે-તમે, શરીર-ઇન્દ્રિયોથી જુદા છે,તમારો આનંદ પણ શરીર-ઇન્દ્રિયોથી જુદો છે.
તમે શુદ્ધ ચેતન આત્મા છો, શરીરનું-ઇન્દ્રિયોનું સુખ એ તમારું સુખ નથી.

દશમ સ્કંધ ના ઉત્તરાર્ધમાં અધ્યાય-૫૦ માં જરાસંઘની કથા આવે છે.
જરાસંઘ મથુરા પર ચડાઈ કરે છે, અને તેને ઘેરી લે છે.

જીવનના ઉત્તરાર્ધમાં પણ ૫૦મા વર્ષથી,મનુષ્ય પર જરા-સંઘ=વૃદ્ધાવસ્થા ચડી આવીને ઘેરો ઘાલે છે.
ઉત્તરાવસ્થામાં જરા-સંઘ એટલે કે વૃદ્ધાવસ્થા સાથે યુદ્ધ શરુ થાય છે.
સાંધા દુખવા માંડે ત્યારે સમજવું કે જરાસંઘ આવ્યો છે.
જરાસંઘ આવે એટલે મથુરા (શરીર)ના દરવાજા તૂટવા લાગે છે.
દાંત પડવા લાગે,આંખેથી ઓછું દેખાય,કાનેથી ઓછું સંભળાય,ખાધેલું પચે નહિ,
આ બધી જરાસંઘની પલટણની અસર છે.

શ્રીકૃષ્ણે સત્તર વખત જરાસંઘને હરાવ્યો.અઢારમી વખત તે કાળ-યવનની સાથે આવ્યો.
જરાસંઘ=વૃદ્ધાવસ્થા લડવા આવે,
પણ જો કાળ-યવન=કાળ (મૃત્યુ) ને સાથે લઈને આવે ત્યારે, કોઈ ઉગારો નથી.
ત્યારે શ્રીકૃષ્ણને પણ મથુરા છોડવું પડ્યું અને દ્વારકા(બ્રહ્મ-વિદ્યા)નો આશરો લેવો પડ્યો.

શરીર પર કાળ ચડાઈ કરે,શરીર છોડવું પડે તે પહેલાં બ્રહ્મ-વિદ્યાનો આશરો લેવાથી,
બ્રહ્મ-વિદ્યામાં કાળ-યવન અને વૃદ્ધાવસ્થા પ્રવેશ કરી શકતા નહિ હોવાથી, કાળ-યવન તેને મારી શકે નહિ.
પણ વૃદ્ધાવસ્થામાં ડોસો સત્તર વખત માંદો પડે છે,પણ અઢારમી વાર કાળ આવે એટલે મરે છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE