More Labels

Oct 26, 2013

ભાગવત રહસ્ય -૪૫૫

સર્પ દેડકાને ગળે છે,અર્ધું શરીર સર્પ ના પેટમાં ગયું છે,પણ તેનું મોઢું બહાર છે,બે મિનિટ માં તો તે સર્પ નો કોળિયો થવાનો છે,તેવામાં માખ ઉડતી ઉડતી આવે તો દેડકો માખ પકડી ને ખાવાનો પ્રયત્ન કરે છે,તે પોતાના મરણ નો વિચાર કરતો નથી.સર્પ ના મુખ માં રહેલા દેડકા જેવી મનુષ્ય ની સ્થિતિ છે
      PREVIOUS PAGE
     NEXT PAGE
સ્કંધ-૧૦  (ઉત્તરાર્ધ) -૪

કાળ-યવન ને બ્રહ્માજી નું વરદાન હતું કે “યદુકુળ માં જન્મેલા કોઈ તને મારી શકશે નહિ.”
બ્રહ્માજી ના તે વરદાન ને સત્ય રાખવા,શ્રીકૃષ્ણ જાતે કાળ-યવન ને મારતા નથી.એટલે શ્રીકૃષ્ણ હાર્યા અને તેઓ રણ છોડી ને ભાગવા લાગ્યા,તેથી તેમનું નામ પડ્યું “રણછોડ”

દોડતાં દોડતાં શ્રીકૃષ્ણ,ગિરનારની ગુફામાં આવે છે કે જ્યાં આગળ રહીને મુચુકુન્દ રાજા તપશ્ચર્યા કરતા હતા.શ્રીકૃષ્ણ જયારે ગુફામાં પ્રવેશ્યા ત્યારે મુચુકુન્દ નિંદ્રા માં હતા,શ્રીકૃષ્ણે પોતાનું પીતાંબર, મુચુકુન્દ પર ઓઢાડી અને પોતે સંતાઈ ગયા.કાળ-યવન શ્રીકૃષ્ણ ની પાછળ પાછળ ગુફામાં આવ્યો,અને આ શ્રીકૃષ્ણ સૂતા છે એમ સમજી મુચુકુન્દ ને લાત મારી.

આ મુચુકુન્દ રાજાએ દેવો ને યુદ્ધમાં ખૂબ મદદ કરેલી,તેઓ થાકી ગયેલા,અને તેમને આરામ કરવો હતો.
તેથી તેમણે દેવો ને કહ્યું કે –મારે આરામ કરવો છે,મારી નિંદ્રા માં કોઈ ભંગ ના કરે.
દેવોએ વરદાન આપ્યું કે –
જે તમારી નિંદ્રા માં ભંગ કરશે,તેના પર તમારી નજર પડશે,તો તે બળી ને રાખ થઇ જશે.

કાળ-યવન ની લાત થી મુચુકુન્દ જાગે છે અને કાળ-યવન પર તેમની દૃષ્ટિ પડતાં જ તે રાખ થઇ ગયો.
મુચુકુન્દ ને ખબર પડી કે શ્રીકૃષ્ણ આવ્યા છે,એટલે તેમણે શ્રીકૃષ્ણ ની સ્તુતિ કરી છે.

જીવ ને આ મનુષ્ય દેહ મળ્યો હોવાં છતાં વિષયોમાં પ્રીતિ હોવાથી તે આપનાં ચરણારવિંદ ની સેવા કરતો નથી.મનુષ્ય કેવો પ્રમાદી છે ?સર્પ દેડકાને ગળે છે,અર્ધું શરીર સર્પ ના પેટમાં ગયું છે,પણ તેનું મોઢું બહાર છે,બે મિનિટ માં તો તે સર્પ નો કોળિયો થવાનો છે,તેવામાં માખ ઉડતી ઉડતી આવે તો દેડકો માખ પકડી ને ખાવાનો પ્રયત્ન કરે છે,તે પોતાના મરણ નો વિચાર કરતો નથી.
સર્પ ના મુખ માં રહેલા દેડકા જેવી મનુષ્ય ની સ્થિતિ છે,નાથ,કૃપા કરો,સંસારના જડ પદાર્થો માં મારું મન ના જાય.મને અનન્ય ભક્તિ આપો.

મનુષ્ય ને બહારગામ જવાનું હોય તો બે-ચાર દિવસ થી તૈયારી કરે છે.
ઘરમાં લગ્ન હોય તો બે-ચાર મહિનાથી તૈયારી કરે છે.
પરંતુ જ્યાં ગયા પછી પાછું આવવાનું નથી,તેની તૈયારી કોઈ કરતુ નથી.
કાળ ક્યારે કોળિયો કરે તે કહી શકાતું નથી. પચાસ પૂરાં થાય એટલે સમજવું કે અડધું શરીર (પેલા દેડકા ની જેમ) કાળ ના મુખમાં ગયું છે.ફક્ત મોઢું બહાર છે.માણસ ગાફેલ રહે છે,તેથી તેનું મરણ બગડે છે.
શ્રીકૃષ્ણ મુચુકુન્દ ને કહે છે-કે-આ જન્મ માં તને તેવી અનન્ય ભક્તિ મળવી મુશ્કેલ છે.જુવાની માં તે ઘણું
વિલાસી જીવન ગાળ્યું છે.કામ નો માર ખાય તેને કાળ નો માર અવશ્ય ખાવો જ પડે છે.
હજુ તારે એક જન્મ લેવો પડશે.તે જન્મ માં તને બ્રાહ્મણ શરીર પ્રાપ્ત થશે અને તને અનન્ય ભક્તિ પ્રાપ્ત થશે.મારા હાથે તમારાં અનેક કર્યો થશે.

મુચુકુંદે તે પછી તપશ્ચર્યા કરી,અને બીજા જન્મ માં બ્રાહ્મણ શરીર મેળવ્યું.
કહેવાય છે કે-દ્વાપર યુગ નો મુચુકુન્દ રાજા તે કળિયુગમાં નરસિંહ મહેતા તરીકે આવ્યા છે.
નરસિંહ મહેતા દ્વારકાધીશના લાડીલા છે,તેમનાં બાવન કામ પ્રભુએ કર્યા છે.

મુચુકુન્દ રાજાની કથા સ્પષ્ટ બતાવે છે કે-યુવાનીમાં વિલાસપૂર્વક જીવન ગળ્યું હોય,તો તેવા મનુષ્ય ને આ જીવન માં ભક્તિ-કે-અનન્ય ભક્તિ મળવી મુશ્કેલ છે.તેણે ધીરે ધીરે સંયમ ને વધારી ને ભગવદ-મય જીવન
ગાળીને,તથા,સતત ઈશ્વરનું સ્મરણ કરવાથી,તેનો આવતો જન્મ સુધરે છે.(આ જન્મ નહિ).
પણ જે યુવાની માં જ સંયમ વધારી,ભક્તિમય જીવન ગાળે તેને તે જ જન્મ માં મુક્તિ મળે છે.
વૃદ્ધાવસ્થામાં ઈશ્વરભજન કરવા થી આવતો જન્મ સુધરે છે,આ જન્મ નહિ.

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE